Western Times News

Gujarati News

વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં 5 લાખ તુલસી છોડ વિતરણનો અભિનવ પ્રયોગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તુલસીના છોડ વિતરણ કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદના નારણપુરા આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને વિડીયો સંબોધન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ-દેશ તથા રાજ્ય અને વિશેષ કરીને અમદાવાદ કોરોના સામે જંગ લડી રહ્યું છે. આ રોગની કોઈ અકસીર દવા હજી સુધી શોધાઇ નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે.

કોરોના સંક્રમણથી બચવાનો તારણોપાય રોગપ્રતિકારક શકિત વધારવી એ જ છે ત્યારે તુલસી પાન ઉકાળો, તુલસી પાન રસ સેવનથી રોગપ્રતિકારક શકિત વધારવા તેમણે પ્રેરણા આપી હતી.   તેમણે ઉમેર્યું કે, વિશિષ્ટ સંજોગોને કારણે આપણે સામાજિક અંતર જાળવીને વિશિષ્ટ રીતે આ કાર્યક્રમ ઊજવી રહ્યા છીએ.

પ્રતિવર્ષ પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની થીમ ‘બાયોડાઈવર્સિટી’ જીવ વૈવિધ્ય છે. તેમણે કહ્યું કે, આજે સમગ્ર જગત પર્યાવરણના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રકૃતિના વૈવિધ્યને જાળવી પ્રદૂષણ અને પર્યાવરણ વચ્ચે સમતુલા જાળવવાની આજે તાતી જરૂર છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સંક્રમણ સામે ધન્વંતરી રથ, આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાના વિતરણ જેવા બહુઆયામી પગલાઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે તુલસી રોપાનું વિતરણ એ યોગ્ય સમયનો યોગ્ય કાર્યક્રમ છે. રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, અમદાવાદની ચાલીઓ ફ્લેટ કે જ્યાં તુલસી વાવવા શક્ય નથી તેવા લોકો સુધી તુલસીના છોડ  પહોંચાડવાથી ત્યાં રહેતા લોકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં ઉપયોગી બનશે.

તેમણે કહ્યું કે, લોકડાઉન ખુલ્યા બાદ રાજ્યના તમામ લોકોએ કોરોના વાયરસની સામે કોરોના વોરિયર બનીને ઝઝૂમવાનું છે અને કોરોના સામેનો જંગ જીતવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ ‘‘કોરોના હારશે, અમદાવાદ-ગુજરાત જીતશે’’નો કોલ પૂન: આપતાં સૌ નાગરિકોને આહવાન કર્યુ કે, કોરોના સામેની લાંબી લડાઇમાં હરેક વ્યકિત સિપાઇ બને-વોરિયર બને.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સામેના જંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓની સરાહના કરી અભિનંદન પણ આપ્યા હતા. અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે આયુર્વેદમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે ત્યારે વનવિભાગ દ્વારા પુરા પાડવામાં આવેલ પાંચ લાખ તુલસીના રોપાઓનું સૌપ્રથમ કોરોના સંક્રમિત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે ત્યાર બાદ અમદાવાદના અન્ય વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.

તુલસી રથ દ્વારા તુલસી વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અમૂલભાઈ ભટ્ટ દ્વારા સ્થાનિક નિવાસીઓને પ્રતીકરૂપે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર જાળવીને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.