Western Times News

Gujarati News

આયોજન હેઠળના કામો સમયબદ્ધ કરોઃ નીતિન પટેલ

વડોદરા જિલ્લામાં જ વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૯૮૯ લાખના ખર્ચે ૫૫૩ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા
અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જિલ્લા આયોજન મંડળ હેઠળ હાથ ધરાતા કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા અધિકારીઓ અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી.

વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ ૯૭૫ લાખ પૈકી ૭ તાલુકાનુ ૮૫૪.૪૦ લાખના આયોજનના કામો ૫૧૭ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ સાત તાલુકામાં ૧૭.૫૦ લાખના ૧૧ કામો તેમજ ખાસ પ્લાન સામાજિક શૈક્ષણિક પછાત યોજના હેઠળ સાવલી અને પાદરા તાલુકામાં રૂપિયા ૧૦ લાખના ચાર કામો મંજુર કરવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લાની કરજણ, સાવલી, પાદરા અને ડભોઈ સહીત ચાર નગરપાલિકાઓમાં રૂપિયા ૧૦૮.૦૪ લાખના ૨૧ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના કામોની ઓનલાઇન મંજૂરી આપવા સાથે સંસદ સભ્યના અનુદાનમાંથી હાથ ધરાતા કામોની સો ટકા ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. જિલ્લા આયોજન અધિકારી જેસી રાવલે વડોદરા જિલ્લામાં આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં હાથ ધરાનાર કામોની વિસ્તૃત વિગતો આપી હતી.

કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમમાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ,મેયર જિગીશાબેન શેઠ, ધારાસભ્ય જીતુ સુખડિયા,શૈલેષ મહેતા, કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાય સહિત જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખો સહિત સમિતિના સભ્યો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.