Western Times News

Gujarati News

લિસ્ટેટ કંપનીઓને પરિણામ અંગે મુદત વધારવાની માગ

સ્ટાફ ઘરેથી કામ કરતો હોઈ પુરતા ડેટા ભેગા ન થયા હોવા અંગે સેબીની સમક્ષ ગુજરાત ચેમ્બરની રજૂઆત
અમદાવાદ,  લિસ્ટેડ કંપનીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટર તથા વાર્ષિક પરિણામો જાહેર કરવા માટે વધુ એક મહિનાનું એક્ષ્ટેન્શન આપવા બાબતે ચેમ્બર દ્વારા સેબી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કેમ કે હજુ કંપનીઓનું મોટાભાગે ઘરેથી જ કામ કરી રહ્યો છે અને ડેટા ઓન એકત્રીકરણ બાકી હોવાથી મુદત વધારી અનિવાર્ય હોવાનું ચેમ્બરના ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

કોરોનાવાઇરસ મહામારીના સમયમાં કંપનીઓને રાહત આપતાં સેબીએ ૧૯ માર્ચ, ૨૦૨૦ના રોજ લિસ્ટેડ કંપનીઓ માટેના કોમ્પ્લાયન્સના નિયમો હળવા કર્યાં હતા અને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટર તથા વાર્ષિક પરિણામો જાહેર કરવા માટે ૩૦ જૂન સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયો છે અને ૩૧ મે સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ચાર લાખનો આંક વટાવી ગઇ છે. લિસ્ટેડ કંપનીઓ માટે ચોથા ક્વાર્ટર તથા વાર્ષિક પરિણામો જાહેર કરવાનો સમય વધુ એક મહિનો લંબાવીને ૩૧ જુલાઇ, ૨૦૨૦ કરવામાં આવે. તેના માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે.

* કોવિડ-૧૯ના કારણે ૨૫ માર્ચથી ૩૧ મે સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન હતું અને તેના કારણે તમામ સેક્ટર્સમાં સપ્લાય-ડિમાન્ડની સમસ્યા તથા કેશ ફ્‌લોની ગંભીર સ્થિતિ સર્જાઇ છે. લોકડાઉનમાં રાહતો મળ્યાં બાદ તમામ લિસ્ટેડ કંપનીઓ પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને ત્યારબાદ તેઓ ૨૦૧૯-૨૦ના પોતાના એકાઉન્ટ્‌સ અને ઓડિટની કામગીરી કરશે.

* સામાન્ય સંજોગોમાં વિલંબિત પરિણામો કંપનીની સ્થિતિ માટે ચિંતાજનક ચિહ્ન ગણાય છે પરંતુ હાલમાં અભૂતપૂર્વ સ્થિતિ છે અને એકાઉન્ટ્‌સ ફાઇનલ કરવામાં સમય લાગી શકે છે. જો ૩૧ જુલાઇ સુધીનો સમય આપવામાં આવે તો તે કંપનીઓ માટે સારું પગલું બની રહેશે કારણ કે કંપનીઓ તેમની બિઝનેસ કામગીરીને ફરી શરૂ કરી શકશે અને ત્યારબાદ ૨૦૧૯-૨૦ની બુક ઓફ એકાઉન્ટ્‌સ ફાઇનલ કરવા તથા ઓડિટની કામગીરી પણ કરવા પૂરતો સમય પ્રાપ્ત કરશે.

* ૧ જૂનથી લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે તેમ છતાં દેશમાં અનેક સ્થળ એવા છે જ્યાં કડક લોકડાઉન છે અથવા તો તે કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે અને તેથી બિઝનેસ માટે કામગીરી કરવી કે ૨૦૧૯-૨૦ના એકાઉન્ટ્‌સ ફાઇનલ કરવા મુશ્કેલ છે. ‘ન્યૂ નોર્મલ’ સામાન્ય બની રહ્યું છે ત્યારે કરદાતાઓ અને તેમના કન્સલ્ટન્ટ્‌સની ઓફિસોમાં ઓછો સ્ટાફ છે અને તે તેની સંપૂર્ણ ક્ષમતાની નજીક પણ નથી. ઓફિસો ૩૦-૪૦ ટકા ક્ષમતા પર કામ કરી રહી છે અને ૩૦ જૂન બાદ બાકીનો સ્ટાફ ફિઝિકલી ઓફિસે આવે તેવી શક્યતા છે તેથી એકાઉન્ટિંગનું કામ હાલમાં શક્ય નથી. કોવિડ-૧૯ના કારણે પ્રોફેશનલ્સ અને ઓડિટરો પણ ઓછા સ્ટાફની સમસ્યાનો સામનો કરે છે.

* દેશમાં દરરોજ ૧૨,૦૦૦-૧૪,૦૦૦ નવા કેસ આવી રહ્યા છે અને તમામ લિસ્ટેડ કંપનીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ માટે પૂરતો ડેટા ધરાવતા નથી ઉપરાંત દેશભરની તમામ લિસ્ટેડ કંપનીઓ મોટા શહેરોમાં સ્થિત નથી અને તેઓ કર્મચારીઓ માટે ક્લાઉડ સ્ટોરેજ કે વર્ક ફ્રોમ હોમની સુવિધા ધરાવતી નથી. ડેટા નહીં હોવાના કારણે ફાઇનલાઇઝેશન પ્રક્રિયાને પણ અસર થાય છે.

* મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, દિલ્હી સહિતના મોટા શહેરોમાં કોરોનાનો વ્યાપ વધારે છે અને તેને અટકાવવા માટે રાજ્ય સરકારો કે સ્થાનિક સત્તાવાળાઓ પગલાં લઇ રહ્યા છે. આ શહેરોમાં અનેક ઓફિસો હજી ચાલુ થઇ નથી અને અનેક કંપનીઓ ૩૦-૪૦ ટકા ક્ષમતા પર કામ કરી રહી છે.

* કંપનીઓ માટે ફાઇનાન્શિયલ રિર્પોટિંગ અને સ્ટેચ્યુટરી ઓડિટ માટે જરૂરી હોય તેવી તમામ ડ્‌યૂ ડેટ સરકારે લંબાવી છે. જેમ કે ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવીને ૩૧ ઓક્ટોબર અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. એકાઉન્ટ્‌સ ફાઇનલ કરવા તથા ઓડિટની પ્રક્રિયા ઘણો સમય માંગી લે છે અને ઓડિટેડ એકાઉન્ટ બદલી શકાતા નથી અને વિવિધ કાયદા અને તેની હેઠળના ફાઇલીંગ પર તેની અસર હોય છે તેથી તેના માટે પૂરતો સમય આપવો જરૂરી છે.

* સરકારે મોટાભાગની ટેક્સ અને અન્ય ડેડલાઇન લંબાવી છે ત્યારે અન્ય નિયમનકર્તાઓએ પણ તેને અનુસરવું જોઇએ જેથી કંપનીઓ પર ઓછામાં ઓછી અસર થાય. આ એક્ષ્ટેન્શનની ટેક્સ કલેક્શન પર કોઇ અસર નહીં થાય કારણ કે સામાન્ય રીતે કંપનીઓ ૧૫ માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરતી હોય છે અને આ વખતે કાયદા મુજબ નવેમ્બર સુધી તેઓ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.