Western Times News

Latest News from Gujarat

સરકાર ચીન પાસેથી જમીન પાછી ક્યારે લેશે? સોનિયા

લદ્દાખની ગલવાન વેલીમાં શહીદ જવાનોનાના માનમાં કોંગ્રેસનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમઃ સોનિયાના સરકાર પર પ્રહાર
નવી દિલ્હી,  લદ્દાખમાં ચીને જમાવેલા પગદંડા અંગે કોંગ્રેસે શુક્રવારે પણ મોદી સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને સીધો સવાલ કરતાં કહ્યું હતું કે, તેઓ લદ્દાખની ચીને પચાવી પાડેલી જમીન પાછી ભારતને ક્યારે લઈ આપશે તે જણાવે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીન સાથેની આપણી સરહદ પર સુરક્ષાના મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં જે કંઈ પણ બન્યું તે મુદ્દે દેશને વિશ્વાસમાં લેવો જોઈએ.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીન સામે લડતા લડતાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના અભિયાન અંતર્ગત વીડિયો સંદેશમાં જણાવ્યું કે, વડાપ્રધાને એવો દાવો કર્યો હતો કે ચીને આપણે જમીન પર કબ્જો નથી કર્યો, તો પછી શા માટે આપણા ૨૦ જેટલા જવાનો શહીદ થયા? કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે ગલવાન વેલીમાં ચીન સરહદ પર સુરક્ષામાં તૈનાત વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, ચીને ભારતની જમીન પચાવી પાડી છે અને વડાપ્રધાન તેનો ઈનકાર કરી રહ્યા છે તેથી તેનાથી ચીનને જ લાભ થવાનો છે.

રાહુલે વડાપ્રધાન મોદીને દેશ સમક્ષ સત્ય બોલવા માટે પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, તેમણે એ જણાવવું જોઈએ કે ચીને આપણી જમીન પચાવી પાડી છે કે નહીં. રાહુલે કહ્યું કે, પીએમ મોદી એમ કહી રહ્યા છે કે ચીને કોઈ જમીન પચાવી પાડી નથી પણ સેટેલાઈટ ઈમેજીસ કહી રહી છે કે ચીને ભારતનો મોટો ભૂપ્રદેશ તેના કબજામાં લઈ લીધો છે. તેમના આવા નિવેદનથી તો ચીનને જ લાભ થવાનો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું કે, આપણે સાથે ચીન સામે લડવાનું છે અને તેમને આપણી ભૂમિ પરથી ખદેડી મુકવાના છે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ‘ભારત-ચીન સરહદે આજે જ્યારે તણાવની સ્થિતિ છે, કેન્દ્ર સરકાર આવા સમયે પોતાની જવાબદારમાંથી છટકી શકે નહીં.’ કોંગ્રેસ ગલવાન વેલીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ‘સ્પીકઅપફોરજવાન’ અભિયાન શરૂ કર્યું છે.

કોંગ્રેસના અધ્યક્ષે વીડિય સંદેશમાં જણાવ્યું કે, દેશ એ જાવણા માંગે છે કે જો લદ્દાખમાં પીએમ મોદીએ જણાવ્યું છે તેમ ચીને ભારતીય જમીન પર કબ્જો નથી કર્યો તો શા માટે આપણા ૨૦ જવાનો શહીદ થયા. ગાંધીએ વધુમાં જણાવ્યું કે પીએમે દાવો કર્યો છે કે ચીન દ્વારા ભારતીય સરહદની અંદર કોઈપણ અતિક્રમણ નથી થયું, નિષ્ણાતો સેટેલાઈટ તસવીરોને આધારે ચીન આપણી હદમાં ઘૂસ્યું હોવાનું જણાવે છે.

મોદી સરકાર ચીન પાસેથી લદ્દાખમાં આપણી જમીનનો કબ્જો ક્યારે અને કેવી રીતે પરત લેશે. શું આપણી સરહદની સંપ્રભુતા ખંડિત થઈ છે. ચીન સાથે એલએસીના મુદ્દે પીએમ દેશવાસીઓને વિશ્વાસમાં લેશે તેવા પ્રશ્નો પણ સોનિયા ગાંધીએ કેન્દ્રને કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્રે લશ્કરને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ અને તેમને શક્તિ આપવી જોઈએ એ જ સાચી દેશભક્તિ ગણાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers