Western Times News

Gujarati News

બિહારની ચૂંટણી જીતવા માટે ભાજપના ૭૨,૦૦૦ વ્હોટ્‌સ એપ ગ્રૃપ

બિહારની ભાજપની જંગી ડિજિટલ ફોજ ૯૫૦૦ IT‌ સેલ પ્રમુખ
બે માસમાં પાર્ટીએ ૫૦,૦૦૦ વ્હોટ્‌સએપ ગ્રૃપ બનાવ્યા ગ્રૃપના માધ્યમથી પાર્ટી લોકો સુધી પોતાની વાત પહોંચાડશે
નવી દિલ્લી,  ભાજપના રાષ્ટ્રીય સંગઠન પાંખ દ્વારા જુદા જુદા રાજ્યોમાં ૬૦થી વધુ વર્ચ્યુઅલ એટલે કે ડિજિટલ રેલીઓનું સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યુ છે. ત્યારબાદ ભાજપએ હવે વર્ષના અંત ભાગમાં બિહારમાં થનારી વિધાનસભા ચૂંટણીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્મયથી લડવાની તૈયારી આદરી દીધી છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ દરેક શક્તિ કેન્દ્ર પ્રમાણે ૯,૫૦૦ આઈટી સેલ પ્રમુખની નિમણુંક કરી છે.

જે રાજ્યના લોકો સુધી ભાજપના રાજકીય સંદેશા પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. ભાજપના જ એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે આ ૯૫૦૦ આઈટી સેલ પ્રમુખ જ બિહારમાં ડિજિટલ ચૂંટણી પ્રચાર અભિયાનના અસલી યૌધ્ધાઓ હશે. આઈટી સેલના પ્રમુખો ઉપરાંત ભાજપ દ્વારા પ્રત્યેક બુથના માટે ૭૨,૦૦૦ વ્હોટસએપ ગ્રૃપ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એથી રાજ્યના તમામ મતદારોને ચૂંટણી પહેલાં જ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને સંદેશાઓની રોજબરોજ અપડેટ કરેલી જાણકારી આપી શકાય.

છેલ્લાં બે માસમાં જ પાર્ટીએ ૫૦,૦૦૦ વ્હોટ્‌સએપ ગ્રૃપ બનાવી પણ લીધા છે. આ ગ્રૃપના માધ્યમથી પાર્ટી લોકો સુધી પોતાની વાત પહોંચાડશે. ભાજપના પ્રથમ હરોળના નેતાઓના ભાષણોના વિડિયો અને પાર્ટીના સંદેશાઓને પણ ગણતરીના સમયગાળામાં જ રવાના કરી દેવાશે. આ વ્હોટ્‌સએપ ગ્રૃપની વ્યવસ્થા બૂથ કક્ષાના કાર્યકરો સંભાળશે, જ્યારે તમામ આઈટી સેલ પ્રમુખ ભાજપના રાષ્ટ્રીય આઈટી સેલના પ્રમુખ અમિલ માલવીયના નેતૃત્વમાં કામ કરશે.

રાજ્યમાં ૯,૫૦૦ આઈટી સેલ પ્રમુખોની નિમણુંકો ગત મે માસમાં પાર્ટીના હાઈકમાન્ડ અને બિહારના પ્રદેશ પ્રમુખ સંજય જ્યસ્વાલ વચ્ચેની બેઠક બાદ કરવામાં આવી હોવાનું પણ આ નેતાએ વધુમાં જણાવ્યું હતું. બિહારમાં લગભગ ૫,૫૦૦ મંડલો, ૯,૫૦૦ શક્તિ કેન્દ્રો અને ૭૨,૦૦૦ બૂથ છે. દરેક શક્તિ કેન્દ્રમાં ઓછામાં ઓછા ૬થી ૭ બૂથ હોય છે. ભાજપના આ નેતાએ જણાવ્યુ કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન જૂની રીતરસમોથી સાવ જુદો જ હશે, તે વાત તો નક્કી જ છે. એથી જ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે જ ભાજપ દ્વારા પોતાના ડિજિટલ પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પ્રચારને અદ્યતન બનાવવામાં ભાજપ પહેલાંથી જ અગ્રેસર રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી જંગમાં થ્રી ડી વેન ટેકનીક સાથે એકસાથે અનેક શહેરોમાં ચૂંટણી સંભાઓનું આયોજન કરાયું હતું.

કોરોનાકાળના પગલે આ વખતે બિહાર ચૂંટણી જંગમાં મોટાપાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અમારે તૈયાર રહેવું પડશે, તેમ ઉમેરતા આ નેતાએ હાઈટેક પ્રચારની રણનીતિ અંગે વધુમાં જણાવ્યુ હતુ કે સૌપ્રથમ મંડલ આઈટી સેલ પ્રમુખ ચૂંટણીના સંબંધિત માહિતીઓ, રેલીના વિડિયો અને ભાષણોને શક્તિ કેન્દ્રના આઈટી સેલ પ્રમુખ સાથે શેયર કરશે અને ત્યારબાદ તેને બૂથ કક્ષાએ પહોંચાડવામાં આવશે. ડિજિટલ અભિયાનમાં સૌથી મહત્વના સાધન તરીકે વ્હોટસએપ ગ્રૃપ હશે, જેના માધ્યમથી ૨ કરોડ લોકો સાથે જોડાવાનું પાર્ટીનું લક્ષ્ય છે. કારણ દરેક વ્હોટસએપ ગ્રૃપમાં ૨૫૬ સભ્યો જોડી શકાય છે. બસ આ રીતે પાર્ટી એક બટન ક્લિક કરીને ૨ કરોડ લોકો સુધી પહોંચી શકે છે.

રાજ્ય આઈટી સેલના અન્ય એક સભ્યના જણાવ્યા મુજબ વ્હોટ્‌સએપ ગ્રૃપોનું વ્યવસ્થાપન જ એક મોટી કવાયત છે. એક સમયે માત્ર ૫ લોકોને જ મેસેજ ફોરવર્ડ કરવાની વ્હોટ્‌સએપની વ્યવસ્થાના કારણે અમારે નિયત સમયગાળામાં વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે વધારેમાં વધારે ગ્રૃપ બનાવવા પડશે. તેમાંય તેમ વિચાર કરો કે અમારી પાસે એકસાથે ૨થી ૩ કરોડ લોકો સુધી પહોંચવાની ક્ષમતા હશે તો અમારે લોકો સાથે સંપર્ક કરવા માટે ટીવી, અખબારો કે અન્ય મિડિયાની પણ જરૂર પડશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.