Western Times News

Gujarati News

બિહાર: મુખ્યમંત્રી આવાસના ૮૦થી વધારે કર્મી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

પટણા, બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વાૅરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હાૅસ્પિટલ પટના મેડિકલ કાૅલેજ એન્ડ હાૅસ્પિટલમાં ફરીથી ત્રણ ડાૅક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને ૪૪ થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ડાૅક્ટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એઇમ્સના અત્યાર સુધીના આઠ કર્મીઓ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે.

બિહારના મુખ્યમંત્રી આવાસ કાર્યાલયમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી ૮૦થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ આવાસમાં કેન્ટીનમાં તહેનાત કર્મીઓથી લઈને સચિવનો ડ્રાઇવર પણ કોરોના વાયરસ સંક્રમિત થયો છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં મુખ્યમંત્રી સચિવાલયના કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે પટનામાં એક દિવસમાં સૌથી વધારે ૩૮૫ પોઝિટિવ કેસ મળ્યાં છે. જેમાંથી પીએમસીએચના મુખ્ય આકસ્મિક ચિકિત્સા પદાધિકારી સહિત ૨૮ કર્મીઓ અને બિહટા ફાયર ટ્રેનિંગ સેન્ટરના ૨૩ ફાયરમેન તેમજ ચાલક સામેલ છે. સિવિલ સર્જન ડાૅક્ટર રાજકિશોર ચૌધરીએ જણાવ્યું કે પટનામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૮૮૮ થઈ છે. જેમાંથી ૧,૧૮૦ લોકો અલગ અલગ આઇસોલેશન સેન્ટરમાં દાખલ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાને કારણે ૧૭ લોકોનાં મોત થયા છે.

નોંધનીય છે કે બિહારમાં કોરોના વાયરસના ૩૫૨ નવા કેસ સામે આવ્યા છે. જેનાથી કોરોના વાયરસની સંખ્યા વધીને ૧૪,૩૩૦ થઈ છે. સૌથી વધારે ૮૪ દર્દીઓની ઓળખ ભાગલપુરમાં થઈ છે. બીજા નંબર પર પાટનગર પટના છે. અહીં ૭૩ દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. જોકે, બિહારમાં ૧૦,૨૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.