Western Times News

Gujarati News

હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

અમદાવાદ: જીવલેણ કોરોના વાયરસ સામેની લડાઈમાં હર્બલ પ્રોડક્ટ મદદ કરતી હોવાનું ડોક્ટરોનું કહેવું છે, ત્યારે છેલ્લા ૩ મહિનામાં તેની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ તેનું ઉત્પાદન કરતાં ખેડૂતો પણ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.ગ્રેજ્યુએટ અને ઉદ્યોગપતિઓ સહિત ઘણા ખેડૂતો હળદર અને આદુના પાકમાંથી પોતાની પ્રોડક્ટ બનાવીને આવકને બમણી અને ત્રણ ગણી કરી રહ્યા છે.

નોકરી કરવાના બદલે ‘ધરતીપુત્ર’ બનવાનું પસંદ કરનાર  ગ્રેજ્યુએટ દેવેશ પટેલે હમણા જ પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે. જેના હેઠળ તેઓ આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાં ૩૫ વીઘા જમીનમાં ઉગતી ઓર્ગેનિક હળદર અને આદુમાંથી કૅપ્સ્યૂલ્સ, પાઉડર અને અથાણું બનાવે છે. તેઓ પહેલાથી જ ગુજરાતના મુખ્ય બજારોના રિટેલ સ્ટોર્સમાં, મુંબઈ જેવા મહાનગરોમાં તેમજ ‘ખાદી ગ્રામ ઉદ્યોગ’માં પણ પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ મોકલીને વર્ષે ૩૦ લાખથી ૪૦ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.

હવે તેમની વાર્ષિક આવક ત્રણ ગણી એટલે કે ૧.૫ કરોડ થઈ ગઈ છે અને તેઓ પશ્ચિમના નિકાસકાર બની ગયા છે. ‘કોરોના વાયરસ મહામારીના કારણે હળદરમાંથી કૅપ્સ્યૂલ્સ બનાવવાનું નક્કી કર્યું. હળદરને પાણી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો પરિણામ ૪૫ દિવસ પછી જાેવા મળે છે, જ્યારે દૂધ સાથે તેનું સેવન કરવામાં આવે તો પરિણામ અઠવાડિયા બાદ મળે છે. જ્યારે કૅપ્સ્યૂલ્સની અસર તરત જ દેખાય છે’

થર્ડ-પાર્ટી પેકેજિંગ હેઠળ તેઓ હવે આ કૅપ્સ્યૂલ્સને વેચવા માટે અમેરિકાના લોકો સાથે ટાઈ-અપ કરવાનું વિચારી રહ્યા છે. ‘હું વર્ષે ૧૫ લાખ સૂકી હળદર અને આદુ ઉગાડુ છું, જે પાછળથી ડિહાઈડ્રેટ થઈ જાય છે’ તેમ ૩૮ વર્ષના દેવેશ પટેલે કહ્યું. જેમણે મહામારી બાદ પોતાનું ધ્યાન ન્યુટ્રાસ્યુટીકલ્સ તરફ કેન્દ્રિત કર્યું છે.

મધ્ય ગુજરાતમાં દસમાંથી આઠ જેટલા ખેડૂતો હવે પોતાના ખેતરની પેદાશના વેલ્યૂ-એડિશનના કાર્યમાં સામેલ થયા છે.
સિંધરોટમાં ખેતર ધરાવતા અનુજ પટેલ નામના એન્જિનિયર વેલ્યૂ એડિશનથી હવે ૨૫થી ૩૦ ટકા વધુ કમાણી કરે છે. ‘મેં દાળ અને ચોખાથી શરૂઆત કરી હતી પરંતુ હવે હળદર અને આદુ ઉગા઼ડી રહ્યો છું. માર્કેટમાં જે કંઈ વેચાતુ નહોતું તેને પ્રોસેસ કરવામાં આવતું હતું.
પરંતુ હવે હળદર, આદુ પાઉડર અને પ્રોસેસ્ડ તુવેર દાળ વધારે વળતર આપે છે, તેથી મેં કાચી ઉત્પાદનોનુ વેચાણ બંધ કરી દીધું છે’, તેમ ખાનગી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં અનુજે કહ્યું.

સુરતના રહેવાસી ચિંતન શાહ, કે જેનો પરિવાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે આણંદ જિલ્લાાના ગંભીરામાં ચાર વર્ષ પહેલા કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીની શરૂઆત કરી હતી.  ‘જાે હું કાચા ઉત્પાદનો વેચવા માટે બજારમાં જાઉં તો વચેટિયો તેની કિંમત નક્કી કરે છે અને જાે ખેડૂત પર દબાણ થાય તો તે એક કિલો આદુના ૨૫ રૂપિયાથી વધારે મેળવી શકે નહીં’, તેમ તેણે કહ્યું. શાહ એક કિલો હળદર પાઉડરને ૩૨૫થી ૩૫૦ રૂપિયાના ભાવે વેચે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.