Western Times News

Gujarati News

અમદાવાદના ST સ્ટેન્ડો પર કોરોનાના ટેસ્ટમાં રર પ્રવાસીઓના રીપોર્ટ પોઝીટીવ

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઘટવાથી મ્યુનિસિપલ કોર્પોેરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા અચાનક જ કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ છે અને શહેરમાં ફરી એકવખત ટેસ્ટીંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વકરે નહીં એ માટે ગઈકાલથી શહેરના તમામ એસટી સ્ટેન્ડો પર બહારગામથી આવતા પ્રવાસીઓનો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે ૧૦૦૦ નાગરીકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી રર પ્રવાસીઓના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. અને આજે સવારથી આ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોમાં સવાર પ્રવાસીઓ પર વિશેષ ધ્યાન કન્દ્રીત કરવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં અચાનક જ ઘટાડો થવા લાગતા નાગરીકોમાં આ અંગેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કોર્પોરેશનના તંત્ર દ્વારા કોરોનાના કેસની સંખ્યામાં એકદમ જ ઘટાડો કરી દેવામાં આવતા કોરોનાના કેસો ઘટ્યા હોવાનો આક્ષેપ થવા લાગ્યો હતો. જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. બીજી બાજુ સુરતમાં પરિસ્થિતિ વિક્ટ બનતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા અસરકારક રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ખુબ જ ઓછા પ્રમાણમાં કરાતી હોવાનું જણાઈ આવ્યુ છે. જેના પગલે છેલ્લા ચાર પાંચ દિવસથી કોર્પોરેશનના તંત્ર દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા લગભગ ડોર ટુ ડોર કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે નાગરીકોએ હાશકારો અનુભવ્યો છે અને હવે લોકો કોઈપણ જાતની બીક વગર કોરોના ટેસ્ટ કરાવવા લાગ્યા છે. આ દરમ્યાનમાં જ રાજ્યના સુરત સહિત અનેક જીલ્લાઓમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થવા લાગતા સંબંધિત વિભાગો એલર્ટ થઈ ગયા છે.

એસટી નિગમ દ્વારા સુરત આવતી જતી તમામ એસટી બસો બંધ કરી દેવામાં આવી છે. જાે કે અમદાવાદ શહેરમાં ગીતામંદિર, રાણીપ નહેરૂનગર સહિતના વિસ્તારોમાં આવેલા એસટી બસ સ્ટેન્ડો પર બહારગામથી આવતા પ્રવાસીઓનું ચેકીંગ કરવાનો નિર્ણય લેવાયો છે જેના પરિણામ ગઈકાલથી આ કામગીરી ખુબ જ ઝડપી બનાવવામાં આવી છે.


અમદાવાદ શહેરમાં ગઈકાલે એસટી સ્ટેન્ડો ઉપર સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં બહાર ગામથી આવતા તમામ પ્રવાસીઓનો ટેસ્ટ કરી પંદર મિનિટમાં જ તેનો રીપોર્ટ આપી દેવામાં આવ્યો હતો.  શહેરના એસટી સ્ટેન્ડો ઉપર એક હજાર પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓના ટેસ્ટ કરાવ્યા બાદ તેના રીપોર્ટ ચેક કરવામાં આવતા રર પ્રવાસીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામને તાત્કાલિક સારવારાર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

બીજી બાજુ આજે પણ સવારથી જ તમામ એસટી સ્ટેન્ડો પર ચેકીંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બહારગામથી આવતા તમામ પ્રવાસીઓના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના તંત્ર દ્વારા એસટી સ્ટેન્ડો ઉપરાંત અન્ય સ્થળો ઉપર પણ ટેસ્ટીંગની કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે અને તેનો વ્યાપ પણ વધારી દેવામાં આવ્યો છે.  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવતા નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.