Western Times News

Gujarati News

ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાની વિચારણા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોજેરોજ વધી રહ્યા છે છતાં રાજ્ય સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહી છે. અગાઉ કન્ટેઈનમેન્ટ વિસ્તારથી દૂરના ગામડાં અને નાના શહેરોમાં ઓગસ્ટ મહિનામાં ફરીથી સ્કૂલો શરૂ કરવાની યોજના રાજ્ય સરકારે ઘડી હતી. જાે કે, હવે કોરોના વાયરસનું સંક્રમણ મોટા શહેરોમાંથી નાના શહેરો અને નગરમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓએ ઓક્ટોબર મહિનાના અંત સુધી સ્કૂલો ના ખોલવાની સલાહ આપી છે.

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું, “રાજ્ય સરકાર દિવાળી પછી સ્કૂલો ખોલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.” રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું, શિક્ષણ વિભાગ ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહ્યો હતો પરંતુ હાલની સ્થિતિને જાેતાં તે શક્ય નથી.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૪૩ હજારને પાર થઈ છે. દરેક જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ જાેવા મળી રહ્યા છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્કૂલો દિવાળી સુધી નહીં ખુલે. એક અધિકારીએ કહ્યું, “હાલના સમયે સ્કૂલો ખોલવી વિદ્યાર્થીઓના જીવને જાેખમમાં મૂકવા સમાન છે. અમે સરકારને સલાહ આપી છે કે તેઓ દિવાળી પછી પણ સ્કૂલો શરૂ ના કરે.” અધિકારીએ એમ પણ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નબળી છે અને મોબાઈલ જેવા સાધનો અપૂરતા છે ત્યારે સરકાર ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમો પૂરા પાડવાની વિચારણા કરી રહી છે.

ઓલ ગુજરાત પેરેન્ટ્‌સ અસોસિએશનના પ્રમુખ નરેશ શાહે દિવાળી પછી પણ સ્કૂલો નહીં શરૂ કરવાના પ્રસ્તાવને આવકાર્યો છે. તેમણે કહ્યું, “૧.૨૫ કરોડ વિદ્યાર્થીઓ છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. સરકારે આ વર્ષને અપવાદ ગણાવીને ધોરણ ૧૦-૧૨ સિવાયના એકપણ ધોરણની પરીક્ષા ના લેવી જાેઈએ.” અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, “સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે સ્કૂલો ફરીથી ક્યારે ખુલશે તે કહેવું મુશ્કેલ છે.”

ઉદ્‌ગમ સ્કૂલના ટ્રસ્ટી મનન ચોક્સીએ કહ્યું, “જ્યાં સુધી કોરોનાના કેસ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જાેઈએ. એક કોરોના પોઝિટિવ વિદ્યાર્થી પણ ક્લાસના બાકીના ૪૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જીવ જાેખમમાં મૂકી શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે દિવાળી પછી પણ સ્કૂલો ખોલવાનો અમારો વિચાર નથી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.