Western Times News

Gujarati News

કોરોનાના સંકટકાળમાં ગુજરાત સરકારનો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ વરદાનરૂપ

મહીસાગર જિલ્લાની દોઢ વર્ષની કિંજલની અકથ્ય વેદના સંવેદનશીલ સરકારે સાંભળી : લાખોના ખર્ચે થતું જન્મજાત હદયરોગનું વિનામૂલ્યે ઓપરેશન : કિલકિલાટ હસતી રમતી કિંજલને જોઈ માતા પિતાની આંખોમાંથી આભારની લાગણી વહી

લુણાવાડા,  સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા માતાના ગર્ભથી માંડીને બાળકના જન્મ સુધી તથા જીવન પર્યંત સ્વાસ્થ્ય લક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા અંતરિયાળ અને છેક છેવાડાના લોકો સુધી અસંખ્ય પરિવારોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક મહામારી કોરોનાના સંકટકાળમાં પણ સ્વસ્થ ગુજરાત સમર્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરતો સરકારનો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ વરદાનરૂપ પુરવાર થઈ રહ્યો છે.

મહીસાગર જિલ્લાના તકતાજીના પાલ્લા ગામના ખેતમજૂરી કરી પોતાના પરિવારનું પાલન પોષણ કરતાં રમેશભાઈ નાયકની દોઢ વર્ષની દીકરી કિંજલ માટે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ નવજીવન લઈને આવ્યો. કિંજલની અકથ્ય વેદના સંવેદનશીલ સરકારે સાંભળી અને જન્મજાત હદયરોગની બીમારીના લાખોના ખર્ચે થતાં ઓપરેશનનો ખર્ચ સરકારે ઉપાડયો અને કિલકિલાટ હસતી રમતી કિંજલને જોઈ માતા પિતાની આંખોમાંથી આભારની લાગણી વહી રહી છે.

લોકડાઉનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો તે દરમિયાન ૧૦મી એપ્રિલના રોજ કોવિડ -૧૯ અંતર્ગત લુણાવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તકતાજીના પાલ્લા ગામે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્થ ટીમના ડૉ. નિર્જર શુક્લ, ડૉ.પ્રિયંકા બારીયા, ફાર્માસીસ્ટ આશા બારોટ, ફિમેલ હેલ્થ વર્કર અંકિતા પારગી દ્વારા આરોગ્ય સર્વે માટે ઘરે ઘરે ફરી તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં આ ટીમને રમેશભાઈ નાયકના ઘરની મુલાકાત લેતા તેમની દીકરી કિંજલ રડે તો હોઠ ભૂરા રંગના થઇ જતા હતા,શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

દોઢ વર્ષની કિંજલની માતા શકુબેન અને પિતા રમેશભાઈ નાની દીકરી વ્યક્ત ના કરી શકે તેવા તેના દૂઃખથી ચિંતામાં હતા. આરબીએસકેની ટીમે તેમને હૈયાધારણ આપી અને તેના આરોગ્યની તપાસ કરતાં આ દીકરીને જન્મજાત હ્રદયરોગની બીમારીની શંકા જણાતા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહની મંજુરી લઇને લોકડાઉનમાં વાહન વ્યવહારની કોઈ સુવિધા નહોતી તેવામાં બાળકીને આ ટીમનાં વાહન દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટીમ દ્વારા દાખલ કરાવી. ત્યાં બાળકોના ડોક્ટરે તપાસ કરતા બાળકીને હ્રદયમાં કાણું હોવાની જન્મજાત હૃદયરોગની બીમારીનું નિદાન થયું. સપ્તાહ બાદ બાળકીની સ્થિતી સામાન્ય થતા તેને આ ટીમનાં વાહન દ્વારા ઘરે પરત લાવવામાં આવી. આરબીએસકેની ટીમ કોવિડ -૧૯માં નિયમિત બાળકીની ગૃહ મુલાકાત લેતી હતી.

દરમિયાનમાં અનલૉક-૧નાં સમયગાળામાં બાળકીની સ્થિતી વધુ ખરાબ થતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની મંજુરી લઇને શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) નાં વાહન દ્વારા ટીમ સાથે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલની અંદર દાખલ કરાઈ. જ્યાં કિંજલનું ૨૩ જૂને ઓપેરશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું. અંદાજે ચારથી પાંચ લાખના ખર્ચે થતું જન્મજાત હ્રદયરોગની બીમારીનું ઓપરેશન વિનામૂલ્ય થયું. સ્વસ્થ થતાં ટીમ દ્વારા તેને ઘરે લાવવામાં આવી હાલમાં તેની સ્થિતિ સામાન્ય છે અને હવે તે સામાન્ય બાળકોની જેમ હસતી રમતી થઈ ગઈ છે.

કિંજલને કિલકિલાટ હસતી અને રમકડાં સાથે રમતી જોઈ સામાન્ય અને ગરીબ સ્થિતિના તેના માતા પિતાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. તેઓ તેમની દીકરી માટે આટલો મોટો ઓપરેશનનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો અને તેને નવું જીવન આપવા બદલ સરકારનો અને આ ટીમનો આભાર વ્યકત કરતાં થાકતા નથી. ઓપેરશન પછી પણ આરબીએસકેની ટીમ નિયમિત રીતે બાળકીની ગૃહ મુલાકાત લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.