Western Times News

Gujarati News

પેટલાદ નગરપાલિકાની અનોખી પહેલ -ફોન કરો અને વેસ્ટ સેનેટરી પેડ  લેવા ઇ-રીક્ષામાં માણસો ઘેર આવશે

પેટલાદમાં સેનેટરી પેડ બાળીને નાશ કરવા ઇન્સીનેટર મશીન મુકવામાં આવ્યા

આણંદ,  આણંદ જિલ્લામાં આવેલી પેટલાદ નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. મહિલાઓના ઉપયોગમાં લેવાતા સેનીટરી પેડ તેમજ બાળકોના ઉપયોગમાં લેવાતા સેનેટરી ડાયપરના નાશ કરવા માટે ઈન્સીનેટર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.આ વ્યવસ્થાના કારણે પેટલાદ નગરપાલિકાને હુડકો દિલ્હી દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહિલાઓ માનસિક, શૈક્ષણિક રીતે પરિપક્વ થાય તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમજ મહિલાઓનો બહુઆયામી વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે. સ્ત્રીઓમાં થતિ માસિક સ્ત્રાવની ઘટના એ કુદરતી છે, વૈજ્ઞાનિક છે પરંતુ ઘણા લોકો આવી ઘટનાને લઇ શરમ અનુભવતા હોય છે.

પહેલાના જમાનામાં કપડાને રિસાયકલ પધ્ધતિથી વાપરવામાં આવતા જે આરોગ્ય માટે અસ્વચ્છ રહેતુ. સેનિટરી નેપકીન્સના  સંશોધન પછી સ્ત્રીઓને ઘણી રાહત થઇ છે. માસિક સ્ત્રાવ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે માટે વપરાયેલા પેડના નિકાલ યોગ્ય રીતે થાય એ પણ જરૂરી છે.

આ સેનેટરી પેડ ઘરે-ઘરે ફરીને ઉઘરાવવા માટે પેટલાદ નગરપાલિકા દ્વારા ઈ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક દંપતીને રોજગારી આપી આ કામગીરીમાં કાર્યરત કર્યા છે.નગરની મહિલાઓ નગરપાલિકા દ્વારા ફાળવેલ નંબર ઉપર તેમના ઘેરથી સેનીટેશન પેડ લઈ જવા સંપર્ક કરે છે ત્યારબાદ આ દંપતી સ્થળ પર ઈ-રીક્ષા લઈ પહોંચે છે અને આ સેનીટેશન પેડ તેમાં નાંખવામાં આવે છે ત્યારબાદ એક રજીસ્ટરમાં તેમની સહી લેવામાં આવે છે. આમ એક અંદાજ પ્રમાણે નગરપાલિકામાંથી દિવસ દરમિયાન ૩૦૦ થી ૩૫૦ ફોન સેનીટેશન પેડ ઉધરાવવા માટે આવે છે. ત્યારબાદ આ સેનીટેશન પેડ ને નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ મૂકવામાં આવેલા ઈન્સીનેટર મશીનમાં બાળીને નાશ કરવામાં આવે છે.

શરૂઆતમાં જ્યારે ઈ-રીક્ષા દ્વારા સેનીટેશન પેડ ઉધરાવવાની વ્યવસ઼્થા ઉભી કરવામાં આવી ત્યારે મહિલાઓ સેનીટેશન પેડ નો વેસ્ટ નાંખવા માટે સંકોચ અનુભવતા હતા.ત્યારે આવી વિકટ પરિસ્થિતીમાં પેટલાદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરશ્રી હિરલબેન ઠાકર એ પાલિકાની મહિલા સભ્યો તેમજ એસ.એચ.જી. ગ્રુપની બહેનો સાથે મળીને જનજાગૃતિની મુહિમ ઉપાડી અને નગરપાલિકાની શેરીઓમાં, મહોલ્લામાં ફરી-ફરીને જનજાગૃતિ માટે પ્રચાર કરવામાં આવ્યો. લોકોને આ પ્રોજેક્ટની અગત્યતા સમજાવવામાં આવી. આમ ધીમે ધીમે લોકો સંકોચ અનુભવતા બંધ થયા.શરુઆતમાં સેનેટરી પેડ ઉપાડવા માટે ૧૦૦ જેટલા ફોન આવતા જે આંકડો હાલ ૩૦૦ થી ૩૫૦ સુધી પહોંચ્યો છે.

 

પેટલાદ ખાતે આવેલી પૂર્ણાનંદ સોસાયટીમાં રહેતા શ્રીમતિ કિરણબેન ત્રિવેદીએ(ઉ.વ.- ૫૩) આ પ્રોજેક્ટ વિશે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા અમે આ સેનીટેશન પેડ કચરાના ડબ્બામાં નાંખતા જે કેટલીક વાર ઉડીને બહાર આવતા તો કેટલીક વખત કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓ દ્વારા આ પેડ ને ઠસડવામાં આવતા જેથી ઠેર ઠેર ગંદકી થતી અને રોગનુ પ્રમાણ વધતુ. આ સેનીટેશન પેડ ને નાશ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે જે એક સુંદર વ્યવસ્થા છે.

દિલ્હી સ્થિત હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી.(હુડકો) દ્વારા આ પહેલ માટે બેસ્ટ પ્રેક્ટિસ ઈન સેનિટેશનનો એવોર્ડ પેટલાદ નગર પાલિકાને મળ્યો છે. આમ આ અનોખી પહેલ એ નગરપાલિકામાં સ્વચ્છતાનુ પ્રમાણ વધાર્યુ છે. તેમજ મહિલાઓ પણ સંકોચ મુક્ત થઇ છે. તેમજ નગરપાલિકાની મહિલાઓ, બાળકો તેમજ સમગ્ર નગરજનો આરોગ્યપ્રદ બન્યા છે. જે સમગ્ર નગરપાલિકા માટે ગૌરવવંતી બાબત છે. -સંકલન અમિતસિંહ ચૌહાણ (સિની. સબ. એડીટર, આણંદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.