Western Times News

Gujarati News

શહેરમાં જુગારના અડ્ડાઓ પર પોલીસના વ્યાપક દરોડા

(પ્રતિનિધિ) અમદાવાદ: સાતમ આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે શહેરભરમાં જુગારની હાટડીઓ શરૂ થઈ ગઈ છે શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે ગૃહ વિભાગે આપેલા આદેશો બાદ પોલીસતંત્ર એલર્ટ થયુ છે અને શહેરમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં આવેલી હોટલો, ફાર્મ હાઉસો તથા કલબોમાં ખાસ વોચ રાખવામાં આવી રહી છે જેના પગલે શહેરમાંથી જુગારના અડ્ડા પકડાઈ રહયા છે ગઈકાલે પણ શહેરમાં સાત સ્થળો પર પોલીસે દરોડા પાડી શ્રાવણિયો જુગાર રમતા સંખ્યાબંધ લોકોને ઝડપી લીધા છે શહેરના વટવા વિસ્તારમાંથી ૬.પ૦ લાખના મુદ્દામાલ સાથે શ્રાવણિયો જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા છે જયારે ઈસનપુરમાં જુગાર રમતી પ મહિલાઓ પણ ઝડપાઈ છે.

અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ પોલીસની સઘન તપાસ ચાલી રહી છે. ગાયકવાડ હવેલી પોલીસે રાત્રે સાડા આઠ વાગ્યે મહાજનના વંડા, જમાલપુર ખાતેથી તેર શખ્સોને ઝડપી લીધા હતા આ તમામ શખ્સો મહાજનના વંડાના જ રહેવાસી છે પોલીસે ર૧ હજારથી વધુનો મુદ્દામાલ મોબાઈલ તથા રોકડ સહીત જપ્ત કર્યો છે.

અમરાઈવાડીમાં આવેલા શંકરનગરના ગેટ નં.૧ નજીકથી આઠ શખ્સોને પંદર હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ગોમતીપુરમાં પણ જીવરામ ભટ્ટની ચાલી ખાતે પોલીસે આવી જ કાર્યવાહી કરી હતી અને સાત ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ પાસેથી ૩૦ હજારનો મુદ્દામાલ ઝડપાયો છે મુખ્ય સુત્રધાર પરશોત્તમ ચેનલવાળો હોવાનું ખુલ્યુ છે.

ઈસનપુરમાં મીનાબેન પ્રભાકર વાનખેડે નામની મહીલા (રહે. કાંતીનગર છાપરા) પોતાના ઘર આગળ જુગાર રમાડતી હોવાની બાતમી મળતા પોલીસે મીનાબેન સહીત આઠ શખ્સોને ઝડપી લીધા હતા ચોંકાવનારી બાબત એ છે કે આઠમાંથી પાંચ મહીલા જુગારીઓ હતી.
મેઘાણીનગરમાં પોલીસે ૧૯ હજારની મત્તા સાથે પતરાવાળી ચાલીમાંથી સાત શખ્સોની ધરપકડ કરી છે.

રામોલ પોલીસે વસ્ત્રાલના શ્રીજી હાઈટસમાં રેઈડ કરીને નવ શખ્સોની ૧૪ હજારથી વધુની મત્તા સાથે અટક કરી છે. જયારે વટવા પોલીસે પુનીતનગર ક્રોસીંગ રોડ નજીક એક ગોડાઉનની આડમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા છે જયાંથી ૬૧ હજારની રોકડ, ૬ મોબાઈલ વાહન સહીત સાડા છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.