Western Times News

Gujarati News

મશરૂમની વિવિધ બનાવટો થકી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા નવતર પહેલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણ માટે મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ બનાવટો થકી સ્થાનિકકક્ષાએ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા જિલ્લા પ્રસાશનની નવતર પહેલ

ખડગદા ગામે બાગાયત વિભાગ દ્વારા ૫૦ જેટલા ખેડૂત ભાઇ-બહેનો માટે મશરૂમ અંગે ત્રિદિવસીય તાલીમ યોજીને મશરૂમની બનાવટ-વેંચાણ માટે પ્રોત્સાહિત કરાયાં

રૂા. ૩૫૦૦/- થી રૂા. ૪૦૦૦/- હજારના ખર્ચ સામે આશરે રૂા. ૧૦ થી ૧૫ હજાર સુધીની આવક મેળવી શકાય છે

રાજપીપલા, ગુજરાતના લોખંડી પુરૂષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથોસાથ સરકાર દ્વારા ફલાવર ઓફ વેલી ઉપરાંત વર્લ્ડ કલાસ જંગલ સફારીપાર્ક વગેરે જેવા આકાર પામી રહેલાં વિવિધ પ્રોજેકટોને લઇને નર્મદા જિલ્લો વિશ્વના પ્રવાસન નકશામાં અંકીત થઇ ચૂકયો છે, ત્યારે આ પ્રવાસન વિકાસની સાથોસાથ સ્થાનિક કક્ષાએ જરૂરિયાતમંદ લોકોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બની રહે તે દિશામાં જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો થઇ રહયા છે.

જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન તેમજ નર્મદા જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામકશ્રી ડો. સ્મિતાબેન પિલ્લાઇની રાહબરી હેઠળ ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે “મશરૂમની ખેતી” સ્થાનિક લોકોને તેમના ગામમાંજ આશરે ૫૦ જેટલાં ખેડૂત ભાઇ-બહેનોને તાલીમ અપાઇ હતી. આ તાલીમ દરમિયાન ગામના દંપતિશ્રી સુરેશભાઇ તડવી અને શ્રીમતી પુજાબેન તડવીના ઘરમાં પ્રાયોગિક રીતે ૧૦ થી ૧૨ સિલીન્ડર મશરૂમના તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાં ૨૫ દિવસ બાદ મશરૂમનો પાક મળવાનો શરૂ થયો હતો તેવી જ રીતે કેવડીયા નજીકના ઝરવાણી ગામના ખેડૂતોને પણ આ પ્રકારની તાલીમ અપાઇ છે.

ડો. પિલ્લાઇ જણાવે છે કે, ૧ કિલોગ્રામ બિયારણમાંથી ઓછામાં ઓછી ૫ (પાંચ) કિલોગ્રામ ફ્રેશ મશરૂમ અને વધુમાં વધુ ૧૦ કિલોગ્રામ જેટલું મશરૂમ ત્રણ માસ દરમિયાન ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂત જો વ્યકિતગત રીતે અલગ અલગ જગ્યાએ જઇને મશરૂમનું વેંચાણ કરે તો તાજા મશરૂમનો પ્રતિ કિલોગ્રામનો ભાવ રૂા. ૨૦૦/- જેવો મળી રહે છે જયારે એક જ જગ્યાએ જથ્થાબંધ વેંચાણ કરે તો રૂા.૮૦/- થી રૂા.૧૦૦/- નો ભાવ પ્રતિ કિલોગ્રામે મળી રહે છે. ૧૫ x ૧૦ ફૂટના સ્ટાન્ડર્ડ સેટઅપની અંદર મશરૂમની ખેતી જો કરવામાં આવે તે માટેની જરૂરી સામગ્રી સહિતના રૂા. ૩૫૦૦/- ના ખર્ચ સામે ઓછામાં ઓછી રૂા. ૧૦ હજાર અને વધુમાં વધુ રૂા. ૧૫ હજારની સુધીની આવક મેળવી શકાય છે.

ડો. પિલ્લાઇએ વધુમાં ઉમેર્યુ છે કે, ખડગદાના ખેડૂતોને મશરૂમની ખેતીની તાલીમ આપ્યા બાદ તેમાં મૂલ્યવર્ધન કરીને મશરૂમમાંથી શૂપ, શાક, ભજીયા, પકોડા, કેક, ડ્રાય પાવડર જેવી વિવિધ બનાવટોના વેંચાણ થકી સ્વરોજગારી મેળવી શકે તે માટે મશરૂમ યુનિટ તૈયાર કરી ખેતી ઉત્પાદન સાથે વધારાની પૂરક આવક મેળવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાયાં છે. મશરૂમ યુનિટ બનાવવાં અને બિયારણ તંયાર કરવા માટે ખડગદાના ખેડૂત ભાઇ-બહેનોને હવે બાગાયત વિભાગ તરફથી જરૂરી સહાય પૂરી પડાશે, જયારે આ વિસ્તારના વધુને વધુ ખેડૂતો મશરૂમની સરળ ખેતી તરફ વળે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમજ જિલ્લામાં ઇકો ટુરીઝમ તરીકે વિકાસ પામેલા અન્ય પ્રવાસન કેન્દ્રો ખાતે ઉકત વિવિધ બનાવટોના વેંચાણથી પૂરક રોજગારી મેળવીને આર્થિક રીતે સમૃધ્ધ બને તે માટે દિશાના સુચારા આયોજન સાથે જિલ્લા પ્રસાશન કટિબધ્ધ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં વધુને વધુ મશરૂમ યુનિટો બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે રોજગારી માટે તેમજ મહાનગરોની ટુ-સ્ટાર ફાઇવ-સ્ટાર હોટલો માટે મશરૂમ પુરૂં પાડવાની આગળની યોજનાઓ છે. શહેરોની મોટી હોટલોમાં મશરૂમ સુપ એક નવા ટ્રેન્ડ તરીકે ઉપસી આવ્યું છે, ત્યારે જિલ્લા પ્રસાશનના ઉકત પ્રયાસો દ્વારા આગામી ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રીશ્રી-મુખ્યમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરી શકાશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે.

માનવીના આહારમાં મશરૂમની ઉપયોગીતા જોઇએ તો પોષક તત્વોથી ભરપૂર મશરૂમમાં સિલેનિયમ કોપરનો મહત્વનો સોર્સ ઉપરાંત વિટામીન બી-૨ અને બી-૩ નો રીચ સોર્સ રહેલો છે. મશરૂમ રોગ પ્રતિકારક શકિત વધારવાની સાથે ઓછી કેલરી, ઉત્તમ આયર્ન સોર્સની સાથે વિટામીન-ડીની ઉણપ પૂર્ણ કરે છે. કેન્સર, એનિમીયા અને ચામડીના રોગો સામે રક્ષણ ઉપરાંત ઉચ્ચ એન્ટી ઓકિસડન્ટસની સાથોસાથ કોલેસ્ટોરલનું સંતુલન જળવાઇ રહે છે. આમ માનવીના આહારમાં પણ મશરૂમનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે, ત્યારે નર્મદા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી મશરૂમની ખેતીનો આ પ્રયોગ હવે વ્યાપક ફલક ઉપર વિસ્તરશે તેવો આશાવાદ સેવાઇ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.