Western Times News

Latest News from Gujarat

પોલીસલાઈનમાંથી જ શરાબી પોલીસ કોન્સ્ટેબલ ‘ઝૂમતો’ પકડાયો

અમદાવાદ: કોણ કહે છે કે, દારૂ માત્ર જનતા જ પીએ છે ? ગુજરાતના અનેક એવા કિસ્સા છે જેમાં સરકારી બાબુ, અધિકારી, કે નીચલા કર્મીઓ દારૂ પીવાની લત ધરાવતા હોય. અરે કેટલાક પોલીસકર્મીઓ તો દારૂનો ધંધો પણ બુટલેગર સાથે મળીને કરતા હોય અથવા કરાવતા હોય છે. આ બધી વાત વચ્ચે અમદાવાદની એક પોલીસ લાઈનમાંથી એક પીધેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે.

સ્થાનિક લોકો સાથે દારૂ પીને માથાકૂટ કરતા સ્થાનિકોએ કન્ટ્રોલરૂમમાં જાણ કરતા જ હવે શાહીબાગ પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. સવજીભાઈ પીસીઆરમા હાજર હતા. તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કંટ્રોલરૂમની એક વર્ધી મળી હતી. જે મેસેજ આધારે તેઓ માધુપુરા પોલીસ લાઈનમાં પહોંચ્યા હતા. ત્યાં એક વ્યક્તિ દારૂ પીને લોકો સાથે બબાલ કરી બોલાચાલી કરતો હોવાનો મેસેજ મળ્યો અને તે વ્યક્તિની શોધખોળ કરાઈ.

ત્યાં પોલીસલાઈનમાંથી જ એક નરસિંહ સોલંકી નામનો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ઝૂમતો જાેવા મળ્યો હતો. જેથી શાહીબાગ પોલીસે તેનું નામઠામ પૂછયા બાદ તેની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. તે આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે એફ ૪ કંપનીમાં ફરજ બજાવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers