Western Times News

Gujarati News

પ્રામાણિકતા એ કંઈ તારા બાપનો જ ઈજારો નથી !

“અપ્રામાણિક કરતાં પ્રામાણિક માણસની બીક લોકોને વધારે લાગે છે ખરી ?”
“પેલા ધોતિયાવાળા ભાઈએ કહ્યું આ હોટેલ સરકારી છે. પ્રજાના પૈસા પર ચાલે છે. ધોતિયા પહેરતાં લાખો માણસોની મજૂરીના પૈસામાંથી તમને સરકાર પગાર આપે છે,… એનું ભાન છે ?!”

 

“અને.. એ દિવસથી ધોતિયા પહેરનારાઓ સરકારી હોટેલોમાં સન્માનપૂર્વક પ્રવેશ પામ્યા હતાં !”

“પ્રામાણિકતા અને અપ્રામાણિકતા એ માણસની કસોટી કરાવે છે એટલું જ નહીં- પણ વ્યક્તિના માનસનું મૂલ્યાંકન પણ કરાવે છે ! પ્રામાણિકતા મહ્‌દઅંશે અપ્રામાણિકતા ના મુકાબલે ઓછી ફાયદાકારક રહી છે!… એક દ્રષ્ટાંતઃ ર્ડા. સ્મોટેટે એક ભિખારીને ભૂલમાં એક ગીનીનો સિક્કો આપી દીધો હતો. ભિખારીને આની ખબર પડી એટલે તેણે ર્ડા. સ્મોટેટ પાછળ દોટ મૂકી અને ભૂલથી અપાયેલો સિક્કો ર્ડાકટરને પરત કરી દીધો. તેની પ્રામાણિકતાથી અંજાઈને ર્ડાકટરે એ ગીની ઉપરાંત બીજી પણ એક ગીની ભિખારીના હાથમાં મૂકીને સહસા મનમાં બોલી જ્વાયુંઃ ‘હે ઈશ્વર પ્રામાણિકતા પણ કેવી જગ્યાએ જઈને વસે છે !’

ગાંધીજી અને આચાર્ય કૃપલાની પ્રવાસમાં સાથે હતાં. ગાંધીજી ટ્રેનમાં થર્ડકલાસમાં જ મુસાફરી કરતાં ! આચાર્ય કૃપલાની પણ તેમની સાથે થર્ડકલાસમાં હતાં ! દરમિયાન તેમનાં કોઈ મિત્ર ફર્સ્ટકલાસમાં હોવાથી આચાર્ય કૃપલાની તેમને મળવાં ગયાં ! બે- ત્રણ સ્ટેશન પસાર થઈ ગયાં હતાં ને તેઓ ડબામાં પાછાં ન ફર્યાં એટલે ગાંધીજીએ પોતાના પુત્રને કહેવા મોકલ્યો કે તમારી પાસે થર્ડ-કલાસની ટિકિટ છે, તમે ફર્સ્ટ કલાસમાં બેસી ન શકો..

એ માટે ફર્સ્ટકલાસની ટિકિટ લેવી પડે, ગાંધીજીના પુત્ર આ સંદેશો આચાર્ય કૃપલાની ને કહેવા ગયાં એ વખતે કૃપલાનીજી એમના મિત્ર સાથે વાતોમાં મશગૂલ હતાં ! ગાંધીજીના પુત્રની વાત સાંભળીને મનમાં હસ્યાં ને વાતો મિત્ર સાથે બિન્ધાસ્ત ચાલુ રાખી !! ફરી પાછું સ્ટેશન આવ્યું અને ગાંધીજીએ ફરીથી આ વાતની યાદ દેવડાવવા પુત્રને મોકલ્યા… એટલે આચાર્ય કૃપલાનીજી એ પોતાના ખિસ્સામાંથી ફર્સ્ટકલાસની ટિકિટ કાઢી અને પુત્રને બતાવી ને ગુસ્સાથી કહયું હતુંઃ ‘ HONESTY IS NOT YOUR’S FATHER’S MONOPOLY!’… પ્રામાણિકતા એ કંઈ તારા બાપનો જ ઈજારો નથી !…

અલબત્ત, અપ્રમાણિક કરતાં પ્રામાણિક માણસની બીક લોકોને વધોર લાગે છે ખરી ?!… આ પ્રશ્નનો જવાબ જડતો નથી. પણ પ્રામાણિકતાને સંતાઈ જવાનાં દિવસો આવી રહયાં છે એવું તો લાગી રહયું છે!…. એક સમય હતો જયારે સંસદમાં ર્ડા. રામમનોહર લોહિયાથી પંડિત જવાહરલાલ નહેરુ ગભરાતાં ! એ જ પ્રમાણે સંસદમાં આચાર્ય કૃપલાનીજીથી પણ ગભરાતાં ! એ લોકો જનતાના સાચા પ્રતિનિધિ બની રહયાં હતાં !

જ્યારે ન્યૂ દિલ્હીમાં અશોક હોટેલ નવી નવી ખૂલેલી ત્યારે પાંચેક માણસો એ ફાઈવ- સ્ટાર હોટેલમાં જમવા ગયાં એમાં એક માણસે કૂર્તુ અને ધોતિયું પહેરેલું ! બેરરે એ વ્યક્તિને પ્રવેશ માટે ના પાડી હતી અને એ વ્યક્તિ જીદે ચઢી.. કહયું કે હું બહાર નહીં જાઉ.. મારે તમારા મેનેજરને મળવું છે ! અશોક હોટેલ એ સરકારના પ્રવાસન વિભાગ ધ્વારા ચલાવાતી હતી. ધમાલ થઈ એટલે મેનેજર આવ્યો ! એણે આ ધોતિયા વાળા તરફ જોઈને તુચ્છતાથી કહયું, નિયમો એ નિયમો છે. ધોતિયાં પહેરેલી વ્યક્તિઓને અમે અમારા બેન્કવેટ- હોલમાં આવવા દેતા નથી.

ઈવનિંગ ડ્રેસ કે લાઉન્જસુટ કે નેશનલ ડ્રેસ… પણ ધોતિયું તો નહીં જ ! એ અસભ્ય છે !… પેલા ધોતિયાવાળા ભાઈએ કહયું આ હોટેલ સરકારી છે અને પ્રજાના પૈસા પર ચાલે છે. ધોતિયા પહેરતાં લાખો માણસોની મજૂરીના પૈસામાંથી તમને સરકાર પગાર આપે છે.. એનું ભાન છે ને ? પણ મનેજર મક્કમ રહયો. અને એણે એનો રુક્ષ વર્તાવ જારી રાખ્યો !… દરમિયાન પેલા ધોતિયાંવાળા ભાઈએ કહયુંઃ ‘અચ્છા, મને ફોન આપો ! હું નહેરુ સાથે વાત કરવા માંગુ છું- નહેરુના ઘરનો નંબર જોડી આપો ! અને નહેરુનું નામ સાંભળીને સન્નાટો થઈ ગયો…!

મેનેજર જરા ધ્રૂજવા લાગ્યા. આ ધોતિયાવાળા વ્યક્તિ હતા આચાર્ય કૃપલાણી ! સંસદના વિરોધ પક્ષના નેતા…!! ફોન પર નેહરુ સાથે વાત થતાં જ નહેરુએ મેનેજરને ખખડાવી નાંખ્યો હતોઃ ‘બેવકૂફ ! કાલે સંસદમાં ધમાલ થઈ જશે ! – તું કોની સાથે દલીલ કરી રહયો છે, ખબર છે ?… અને એ દિવસથી જ ધોતિયા પહેરનારાઓ સરકારી હોટેલોમાં હક્કથી સન્માનપૂર્વક પ્રવેશ પામ્યા હતાં ! અંગ્રેજીમાં કહેવત છે કે રોમમાં રોમન બની જાઓ. પણ આપણાં દેશમાં.. હિંદુસ્તાનમાં યુરોપીયન બની જાઓ એવી કહેવત હોવી જોઈએ ?… આપણાં દેશમાં હવે પ્રામાણિકતા અને અપ્રામાણિકતાની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે ! વણેશંકર રાજકારણીયોએ આપણી સંસ્કૃતિને બદલવાનું કાર્ય કર્યું છે ! ગરીબમાં ગરીબ માણસ એના પોશાકમાં અમીરમાં અમીરની સામે આંખમાં આંખ મિલાવીને ઉભો રહી શકે એવા પોશાકનો તો સાવજ છેદ ઉડી ગયો છે !!

ખિડકીઃ
ચાણક્ય એ ઉદાત્ત વાચનના વ્યસનને સાત્વિક વ્યસન કહીને નવાજ્યું છે ! જે પુસ્તક તમારા માટે મિત્ર, ગુરુ કે માર્ગદર્શક જ નહીં, પણ તમારી જીવનગતિને વૈચારિક ઉર્જા પૂરી પાડીને જીવનસાફલ્યના શિખર પર બેસાડી દે એવા પુસ્તકનું વ્ય્સન સાત્વિક વ્યસન ! શરીરના સ્વાસ્થ્ય માટે જેટલું મહત્વ પાચનનું છે – મનના સ્વાસ્થ્ય માટે એટલું જ મહત્વ વાચનનું છે ! – ‘શબ્દપ્રીત’- સર્જક ઉદગાર માસિક !! હર્ષદ પંડયા

સ્ફોટકઃ
જ્યારે રાજગોપાલાચારી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યાં હતાં. રાજાજી સીધાસાદા ગાંધીવાદી હતા. એમની જરૂરિયાતો પણ બહુ જ ઓછી અને સામાન્ય હતી જ્યારે બંગાળનું રાજભવન આલિશાન. બેઉ રાજ્યપાલ રાજભવનમાં ફરતા ફરતા ગર્વનરના બેડરૂમમાં આવ્યાં- જેમાં એક વિશાળ ડબલબેડ હતો ! રાજાજીએ કહયું ઃ “સરોજિની ! મારા જેવા માણસને … જા,… આ લોકોએ કેવો મોટો ડબલ- બેડ આપ્યો છે !” સરોજિની નાયડુએ કહયું ઃ “રાજાજી ! મેં જીવનમાં ઘણીવાર તમને મદદ કરી છે ! … પણ આમાં મદદગાર થવાય એમ નથી !”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.