Western Times News

Gujarati News

અમદાવાદમાં પહેલીવાર કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૦૦૦થી ઓછી થઈ

Files photo

અમદાવાદઃ મે મહિનામાં જ્યારથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારથી શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૦૦૦ની આસપાસ રહેતી હતી. જો કે, ૧ જુલાઈથી અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ૩૨૦૦ની આસપાસ સ્થિર થઈ છે. અને હવે પહેલીવાર છેલ્લા બે દિવસોમાં એક્ટિવ કેસોનો આંકડો ૩૦૦૦થી નીચે ગયો છે.

બુધવારે સવારે અમદાવાદ શહેરમાં ૨,૮૪૨ એક્ટિવ કેસ હતા. જેનું મુખ્ય કારણ છે કે છેલ્લા ૨ દિવસમાં કુલ ૬૦૦ દર્દીઓને રજા આપવામાં આવી અને ૨૯૭ નવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા. મંગળવારે સવારે ૪૫૪ દર્દીઓને રજા અપાઈ હતી અને ૧૪૪ નવા દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે બુધવારે સવારે ૧૪૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને નવા ૧૪૭ કેસ નોંધાયા હતા. બુધવારે સાંજે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪૬ કેસ નોંધાયા અને ૧૦૨ દર્દીઓને રજા અપાઈ.

અમદાવાદમાં કોવિડ-૧૯ સામે લડવા થતી કામગીરીનું નિરીક્ષણ કરતાં પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું, સઘન સર્વેલન્સ અને કેન્દ્રિત ટેસ્ટિંગના કારણે આ શક્ય બન્યું છે. આ સિવાય ધનવંતરી, ૧૦૪ સંજીવની રથ અને આરોગ્ય સેતુ એપ દ્વારા મળતા ડેટાની મદદથી પોઝિટિવ કેસોની સંખ્યા નીચી લાવવામાં મદદ મળી છે.

વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ કહ્યું, મે મહિનાના છેલ્લા અઠવાડિયે એક્ટિવ કેસનોનો આંકડો ૩૦૦૦ને પાર થયો હતો અને જૂનમાં ૪૦૦૦ સુધી પહોંચ્યો હતો. જૂન મહિનાના મધ્યથી એક્ટિવ કેસોની સંખ્યા ઘટવાની શરૂઆત થઈ હતી અને રોજિંદા કેસોમાં પણ ૪૦-૫૦ કેસનો ઘટાડો થવા લાગ્યો. જુલાઈમાં ડિસ્ચાર્જનું પ્રમાણ વધ્યું અને નવા કેસોની સંખ્યા પણ ઓછી થઈ. પરિણામે એક્ટિવ કેસો ઘટી ગયા, તેમ સીનિયર અધિકારીએ જણાવ્યું.

છેલ્લા અઠવાડિયાથી એક્ટિવ કેસોની સંખ્યા ૩૨૦૦ની આસપાસ હતી. બુધવારે સવારે કુલ કેસની સંખ્યા ૨૪,૬૪૯ હતી. જેમાંથી ૨૦,૨૬૬ દર્દીઓને રજા અપાઈ હતી અને કુલ ૧૫૩૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા.  શહેરમાં હવે ડિસ્ચાર્જ રેટ ૮૨% છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના ૧૧% છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, કોર્પોરેશને એગ્રેસિવ ટેસ્ટિંગ કરવાની સાથે સઘન સર્વેલન્સ, સક્રિય તપાસ અને વિવિધ સ્થળે કોરોના ચેકપોસ્ટ બનાવી હોવાથી સ્થિતિ સુધરવાની શરૂઆત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.