Western Times News

Latest News from Gujarat

રામજન્મભૂમિ મંદિરનાં ભૂમિપૂજન પ્રસંગે ગૌસેવાનો સંકલ્પ એ જ ભગવાન શ્રી રામનું પૂજન- ડો. વલ્લભભાઈ કથીરીયા

પ્રતિકાત્મક

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા વ્યકત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે કળીકાળમાં ભગવાન શ્રી રામના ગુણોનું સ્મરણ કરી સાચા રામભકત બનીએ. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધારીએ.

ભારતીય સનાતન સંસ્કૃતિએ ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા અને ગોવિંદની સંસ્કૃતિ છે. ભારતની અષ્મિતા અને ધરોહરને ર૧ મી સદીમાં પુનઃ જાગૃત કરી રામરાજય દ્રારા વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરીએ. સમગ્ર રઘુકુળનો આધાર ગૌમાતા છે. દીલીપ રાજાના વ્રત અને તપસ્યાના કારણે તેમના ત્યાં રઘુ–પુત્ર રત્નનો જન્મ થયો અને જેમાં ભગવાન શ્રી રામનો પાર્દુભાવ થયો, જેમણે મર્યાદા પુરૂષોતમ તરીકે પિતા–પુત્ર, કુટુંબ–રાષ્ટ્ર–માનવ ધર્મના ઉતમ ઉદાહરણો દ્રારા રામ રાજયની સ્થાપના દ્રારા વિશ્વને સૃષ્ટિના કલ્યાણનો માર્ગ બતાવ્યો.

ભગવાન શ્રી રામે રાજસૂય સહિત સેંકડો યજ્ઞો કર્યા જેમાં ગૌસવ યજ્ઞ પણ ગૌસેવા અર્થે કર્યાનું શાસ્ત્રોમાં વર્ણન છે. એકી સાથે દશ હજાર ગૌદાન કર્યા હતા. આજે જયારે સમગ્ર દેશ રામમંદિરના નિર્માણના શુભ પ્રસંગે હર્ષોલ્લિત છે, ભાવવિભોર છે, ત્યારે ભગવાન શ્રી રામના ગુણો સૌના જીવનમાં ઉતરે અને આદર્શ માનવ બનવાનો પ્રયાસ કરીએ.

ડો. કથીરીયાએ અપીલ કરી છે કે આ અતિ પાવન પ્રસંગે ભગવાનશ્રી રામની જેમ ગૌ સેવાનો સંકલ્પ કરીએ, ગૌરક્ષા અર્થે આગળ આવીએ, ગૌ આધારીત ઉત્પાદનોનો ઉપયોગ કરીએ, ગાયના દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરી સ્વસ્થ રહીએ ગોમય–ગોબરના ગૌમૂત્રના ઉપયોગ દ્રારા પર્યાવરણ શુધ્ધિ કરીએ, ગૌસંવર્ધનના કાર્યોમાં જોડાઈએ, ગૌકૃષિ અપનાવીએ.

ધરતીમાતાને ઝેરમુકત કરીએ, હવાને પ્રદૂષણ મુકત બનાવીએ, રાષ્ટ્રને ઉન્નત બનાવવામાં ગૌસેવાના સઘળા કાર્યો કરીએ. એ જ સાચા અર્થમાં ભગવાન શ્રી રામનું પૂજન–અર્ચન ગણાશે એ જ શ્રી રામની સાચી સેવા છે. આવો સૌ ગૌરક્ષા દ્રારા રાષ્ટ્રરક્ષાના કાર્યમાં સમર્પિત થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ર૧ મી સદીના મહાન ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવા અર્ધ્ય અર્પીએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers