Western Times News

Gujarati News

ફનફેરમાં રાઈડ્‌સ પરવાનગી મેળવ્યા વગર ચલાવતા સંચાલક સામે ઝઘડિયા મામલતદારે પ્રતિબંધ ફરમાવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ચાર રસ્તા પર ફનફેરમાં ચકડોળ તેમજ અન્ય રાઇડ્‌સ પરવાનગી મેળવ્યા વગર ચલાવતા સંચાલક સામે ઝઘડિયા મામલતદાર જે.એ .રાજવંશીએ પ્રતિબંધ ફરમાવ્યો છે.ઝઘડિયા ચાર રસ્તા ખાતે ફનફેરમાં ચાલતી ચકડોળ તેમજ રાઇડ્‌સ ના સંચાલક દ્વારા તેની પરવાનગીની અરજી પેન્ડિંગ હોઈ તે પહેલા જ ચકડોળ ચાલુ કરી દેવામાં આવતા મામલતદાર દ્વારા જ્યાં સુધી પરવાનગી મળે નહિ ત્યાં સુધી ચકડોળ ચાલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અમદાવાદ કાંકરિયા તળાવ પાસે આવેલા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટના માં ત્રણ વ્યક્તિઓના મોત થયા બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે અને રાજ્યભર માં ચાલતા મેળાઓ, ફનફેરમાં ચાલતી ચકડોળ,વિવિધ રાઈડ્‌સનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે અને જીલ્લા કલેક્ટરો દ્વારા જાહેરનામું બહાર પાડી સેફ્‌ટી ચેકીંગ બાદ જ ચકડોળો ચાલવાની સૂચનાઓ આપવા જેતે અધિકારીઓને જણાવાયું છે.

આવા જ એક ઝઘડિયા ખાતે ચાલતા ફનફેરમાં ચકડોળ તેમજ રાઇડ્‌સ ઝઘડિયા મામલતદાર જે.એ.રાજવંશી એ બંધ કરાવી છે.ગૌરીવ્રત નિમિતે ઝઘડિયાના વ્યાયામ શાળાના કમ્પાઉન્ડમાં ફનફેર તેમજ ચકડોળ,રાઈડ્‌સ ચાલુ કરવામાં આવી હતી.ઝઘડિયા મામલતદાર દ્વારા ગતરોજ સ્થળ મુલાકાત લઈ ચકડોળ,રાઈડ્‌સ ના સંચાલક પાસે તેની પરવાનગી માંગી હતી. સંચાલકે પરવાનગી પ્રોસેસમાં છે તેમ જણાવતા મામલતદાર દ્વારા તાત્કાલિક અસરથી ફનફેરની તમામ ચકડોળ,રાઈડ્‌સ બંધ કરી દેવા સૂચના આપી હતી.

આ બાબતે ઝઘડિયા મામલતદારે જણાવ્યું હતું કે જીલ્લા કલેક્ટર દ્વારા જીલ્લામાં  ચાલતા તમામ મેળાઓમાં ચાલતા ચકડોળ,રાઈડ્‌સ માટે પહેલા વહીવટી તંત્રની પરવાનગી લેવાની હોઈ છે ઉપરાંત ચકડોળ કે રાઈડ્‌સ ઉભી કર્યા બાદ તેનો સેફ્‌ટી રિપોર્ટ મેળવવાનો થાય છે.ઝઘડિયામાં ચાલતા ચકડોળ સંચાલક પાસે પરવાનગી નહિ હોઈ તે ચકડોળ ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.