Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેટરોની બેજવાબદારીના ફળ સ્વરૂપ “શ્રેય હોસ્પીટલ” જેવી થઈ રહેલી દુર્ઘટનાઓ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં ગુરુવારે થયેલા અગ્નિકાંડના પગલે પ્રજાના પ્રતિનિધિઓની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. સુરત તક્ષશિલા આગ બાદ તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે ટ્યુશન કલાસીસ અને હોટેલો સામે સઘન ઝુંબેશ શરૂ કરી હતી તથા તે સમયે દેવ ઓટમ બિલ્ડીંગને પણ સીલ કરવામાં આવ્યું હતું પરંતુ હંમેશાની માફક રાજકીય હસ્તક્ષેપના કારણે ઝુંબેશ નિષ્ફળ સાબિત થઈ છે. શહેરના કોર્પોરેટરોની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેટરો તેમના મત વિસ્તારમાં પ્રજાલક્ષી કામો પર ઓછુ અને પ્રજાને નુકશાન થાય તેવી કામગીરી વધુ ધ્યાન આપી રહયા છે. મ્યુનિ. કોર્પોરેટરો નિષ્ઠાપૂર્વક કામ કરતા હોત તો શ્રેય હોસ્પીટલનું ગેરકાયદેસર બાંધકામ સામે ર૦ વર્ષ સુધી આંખ આડા કાન થયા ન હોત. એકતરફ ફાયર વિભાગના જવાનો તેમના જીવ ના જાેખમે કોરોના દર્દીઓને બચાવવા આગમાં કુદી પડયા હતા જયારે જન પ્રતિનિધિઓ આ દુર્ઘટનાનો પણ રાજકીય લાભ લેવા પ્રયાસ કરી રહયા હોવાના આક્ષેપ થયા છે.

સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકોના સ્વાસ્થ્ય અને જિંદગીની રક્ષા કરવામાં ૧૯ર કોર્પોરેટરો સદંતર નિષ્ફળ સાબિત થયા છે. મ્યુનિ. કોર્પોરેટરો જેટલો રસ બાંકડા, ટ્રી-ગાર્ડ, ગેરકાયદેસર બાંધકામો અને વિવિધ કોન્ટ્રાકટોમાં દાખવે છે તેનાથી માત્ર પ૦ ટકા ધ્યાન તેમના વિસ્તારની હોસ્પીટલો, શાળા, ટ્યુશન કલાસીસની સુરક્ષા અને સેનિટેશન પર આપે તો આ પ્રકારની હોનારતો અટકી શકે તેમ છે. ગત્‌ વરસે તક્ષશીલા દુર્ઘટના બાદ ફાયર વિભાગે ઝુંબેશ શરૂ કરી હતી જેના ફળ સ્વરૂપ અંદાજે ૪પ૯૦ ફાયર NOC ઈસ્યુ થઈ હતી. પરંતુ એક વર્ષ બાદ માત્ર દસ ટકા લાયસન્સ જ રીન્યુ થયા હોવાનું ફાયર વિભાગના સૂત્રો જણાવે છે. મ્યુનિ. કોર્પોરેટરો તેમના વોર્ડની યાદી લઈને લાયસન્સ રીન્યુ માટે મદદ કરે તો અનેક બાળકોની જીંદગી બચી શકે તેમ છે.

મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને રાજકારણીઓની મીલીભગતના કારણે પણ નાગરીકોની સુરક્ષા જાેખમાઈ રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શાળાના ટેરેસ પર કોઈપણ પ્રકારનું દબાણ હોવું ન જાેઈએ. પરંતુ કોર્પોરેટરો કે સ્થાનિક રાજકારણીઓની ભલામણના પગલે અનેક સ્કૂલોના ટેરેસ પર ૧૦૦ ટકા દબાણ થઈ ગયા છે જે પૈકી કેટલીક સ્કૂલોને ઈમ્પેકટ અંતર્ગત બી.યુ. પણ આપવામાં આવી છે. જયારે ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ થાય છે ત્યારે સહુ પ્રથમ આ પ્રકારના દબાણ દુર કરવા તાકીદ કરવામાં આવે છે. પરંતુ તે પહેલા તો બી.યુ. ઈસ્યુ થઈ ગઈ હોય છે તેથી ફાયર વિભાગે ના છુટકે NOC ઈસ્યુ કરવી પડે છે. જયારે કેટલાક કિસ્સામાં શેડ પ્રકારના બાંધકામોને યથાવત્‌ રાખીને ફાયર NOC માટે દબાણ કરવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશનના શાસકો પણ ફાયર NOC મામલે બેદરકાર સાબિત થયા છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં ફાયર સેફટી મુદ્દે કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં આવી નથી. શહેરમાં અંદાજે ર૬૦૦ હાઈરાઈઝ બિલ્ડીંગ છે જે પૈકી માત્ર ૩૦ ટકા બિલ્ડીંગમાં જ ફાયર સેફટી કાર્યરત છે. જયારે ૭૦ ટકા બિલ્ડીંગો “રામ ભરોસે” છે. ફાયર સેફટીમાં તેના ઈકવીપમેન્ટની સાથે પાણીનો સ્ટોક કરવા માટે અલગ ટાંકી પણ બનાવવી જરૂરી છે.

પરંતુ આ નિયમોનો પણ અમલ થઈ રહયો નથી. તેથી જયારે શ્રેય હોસ્પીટલ કે તક્ષશિલા જેવા અગ્નિકાંડ થાય છે ત્યારે ફાયર જવાનો તેમના જીવના જાેખમે નાગરીકોને બચાવવા માટે આગમાં કુદી પડે છે. તે સમયે તેઓ કોરોના પેશન્ટ છે કે કેમ ? તેનો પણ વિચાર કરતા નથી. શ્રેય હોસ્પીટલના દર્દીઓને બચાવવા માટે ૩પ ફાયર જવાનોએ તેમની જીંદગી જાેખમમાં મુકી હતી, આગ કાબુમાં આવ્યા બાદ ૩પ ફાયર જવાનો હોમ કવોરેન્ટાઈન થઈ ગયા છે.

જયારે રાજકારણીઓ નિવેદનબાજીમાં વ્યસ્ત છે. શ્રેય હોસ્પીટલ સામે રાજકારણીઓની રહેમ નજર રહેલી છે જેના કારણે જ તેના ચોથા માળના ગેરકાયદેસર બાંધકામને ર૦ વર્ષથી તોડવામાં આવ્યુ ન હતુ. આ માળ પર જ આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો જેમાં આઠ દર્દી જીવતા ભુંજાયા છે. કોર્પોરેટોરો બાંકડા અને સરનામા બોર્ડના ખર્ચ બંધ કરી તેમના બજેટમાંથી નાગરીકોની સુરક્ષા માટે પણ ખર્ચ કરે તે જરૂરી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.