Western Times News

Gujarati News

RTOનું સર્વર હેક કરી બોગસ લાયસન્સ ઈશ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ

૧૦૦થી વધુ લાયસન્સ ઈશ્યુ થયા હોવાની આશંકા : અમદાવાદના બે શખ્સ સહિત કુલ ૪ શખ્સોની ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરટીઓનું સર્વર હેક કરીને બોગસ લાયસન્સ ઈશ્યુ થતાં હોવાની વિગતો આરટીઓ અધિકારીને મળી હતી જેના પગલે તપાસ કરવામાં આવતા સર્વરમાં ગરબડ જણાઈ હતી

પરિણામે આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચના સાયબર સેલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ અંગે છેલ્લા કેટલાક દિવસથી વોચ રાખવામાં આવતા વસ્ત્રાલ આરટીઓનું સર્વર હેક કરી કેટલાક ભેજાબાજ ગઠીયાઓ બોગસ લાયસન્સ ઈશ્યુ કરતા હોવાનું જાણવા મળ્યું હતું

આરટીઓના સર્વરમાં ગરબડ જણાતા અધિકારીઓએ સાયબર સેલનું ધ્યાન દોરતા છેલ્લા કેટલાક દિવસ વોચ રાખવામાં આવતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો

અને સઘન તપાસ બાદ અમદાવાદ સાયબર સેલે ગઈકાલે મોડી સાંજે અમદાવાદ શહેરના બે શખ્સો સહિત કુલ ૪ શખ્સોની ધરપકડ કરી સઘન પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ એક જ આરટીઓ હતી જેના પરિણામે લોકોનો ભારે ધસારો રહેતો હતો પરંતુ કામનું વિભાજન કરી વસ્ત્રાલ ખાતે નવુ આરટીઓ સંકુલ બનાવી ત્યાંથી પણ લાયસન્સો ઈશ્યુ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી

વસ્ત્રાલ આરટીઓમાંથી છેલ્લા કેટલાક દિવસથી સર્વરમાં ગરબડ જણાતી હતી જેના પરિણામે મુખ્ય આરટીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી જેના પરિણામે તપાસ શરૂ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી

(૧) જીગ્નેશ ઉર્ફે લાલો હરેશ મોદી (અમદાવાદ) 

(ર) ગૌરવ હાપવડીયા (જામનગર) 

(૩) સંદિપ દામજીભાઈ મારકણા (જામનગર) 

(૪) સંકેત મનસુખભાઈ રફાળીયા (અમદાવાદ)

ત્યારબાદ આ અંગે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઈમબ્રાંચના સાયબર સેલ દ્વારા ચોંકાવનારી આ ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરટીઓ વસ્ત્રાલના સર્વર પર નજર રાખવામાં આવતી હતી આ દરમિયાનમાં આ સર્વરનો આઈડી અને પાસવર્ડ હેક કરવામાં આવતો હોવાનું માલુમ પડતાં જ સાયબર ક્રાઈમના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા


સાયબર સેલના અધિકારીઓએ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃતિ ક્યાંથી થઈ રહી છે તેની તપાસ શરૂ કરી હતી અને તેમાં કેટલાક લોકેશનો મળ્યા હતા જેના આધારે છેલ્લા ચાર દિવસથી વોચ ગોઠવવામાં આવી હતી

આ દરમિયાન અત્યંત ગુપ્તરાહે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં માલુમ પડયું હતું કે આરોપીઓએ વસ્ત્રાલ આરટીઓના કોમ્પ્યુટરમાંથી પાસવર્ડ અને આઈડી હેક કરી લીધા હતા અને રવિવારે રજાના દિવસે તેઓ કોઈપણ સ્થળેથી આરટીઓનો ડેટા મેળવી લાયન્સો ઈશ્યુ કરતા હતાં.

સાયબર સેલના અધિકારીઓએ રજાના દિવસમાં જ થતી આ ગેરકાયદેસર પ્રવૃતિ અંગેની માહિતી મેળવી લીધી હતી અને તેના લોકેશન પણ મેળવી લીધા બાદ તપાસ કરતા આ ગેરકાયદેસર પ્રવૃતિમાં આરટીઓના ચાર એજન્ટો જ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુહતું

જેના આધારે સાયબર સેલે ગઈકાલે સાંજે ગુપ્તરાહે ઓપરેશન શરૂ કરી (૧) જીગ્નેશ ઉર્ફે લાલો હરેશ મોદી (અમદાવાદ) (ર) ગૌરવ હાપવડીયા (જામનગર) (૩) સંદિપ દામજીભાઈ મારકણા (જામનગર) અને (૪) સંકેત મનસુખભાઈ રફાળીયા (અમદાવાદ)ને ઝડપી લીધા હતા

પ્રાથમિક પુછપરછમાં તેઓએ ૧૦૦થી વધુ લાયસન્સો ગેરકાયદેસર રીતે ઈશ્યુ કર્યા હોવાનું જાણવા મળી રહયું છે જાકે આ આંકડો વધવાની સંપૂર્ણ શકયતા છે હાલમાં આ ચારેય આરોપીઓની ધરપકડ કરી સાંજ સુધીમાં કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.