Western Times News

Gujarati News

સ્મશાનગૃહને તાળા વાગતા ૩ મૃતદેહ ૩ કલાક રઝળ્યાં

કોંગ્રેસ પ્રમુખે પાલિકાને જવાબદાર ગણાવ્યું -વેરાવળ પાલિકાને રજૂઆત કરતા અને ઘટના સોશિયલ મીડિયામાં ફેલાતા પાલિકા પ્રમુખ સહિત અધિકારી દોડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા) સોમનાથ,  વેરાવળમાં કોરોનાના દર્દીઓના મોત અને તેમના અંતિમ સંસ્કારમાં કરવામાં આવતી ઘોર બેદરકારીના પગલે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ-પાટણ નગરપાલિકા તંત્રના અણધડ શાસનના કારણે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લવાતા ૩ મૃતદેહ સ્મશાનગૃહને તાળા લાગેલા હોવાથી ૩ કલાક સુધી રઝળ્યાં હતા.

એટલું જ નહીં, મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવેલા કર્મચારીઓએ પણ પીપીઈ સુટમાં ભારે બફારામાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું. આમ પાલિકા તંત્ર મૃતદેહોનો મલાજો પણ જળવાતો નથી.સમગ્ર ઘટના અંગે કોંગ્રેસે પાલિકાના અણધડ શાસનને જવાબદાર ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠ્ઠાના જણાવ્યા મુજબ પાલિકાની આવી કામગીરીને કારણે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. તેમ છતાંય તંત્ર કોઈ બોધપાઠ લેતું નથી, જેથી કરીને ફરીથી ૩ મૃતદેહોને કલાકો સુધી રઝળ્યા હતા.

તો બીજી તરફ ચીફ ઓફિસર જતીન મહેતાના જણાવ્યું કે, રવિવાર રાત્રે મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લવાયા હોવાથી કર્મચારીઓ ૩ વાગ્યા સુધી ફરજ બજાવ્યા બાદ ઘરે ગયા હતા જેથી કરીને તેઓ મોડેથી સ્મશાન પહોંચ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ વેરાવળ-પાટણ પાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં સવારે ૯ વાગ્યે કિરીટભાઈ રાચ્છની અંતિમયાત્રા પહોંચી હતી. પરંતુ સ્મશાનગૃહે તાળાં લાગેલા હોવાથી કર્મચારીને ફોન કરતા સ્વીચઓફ આવતો હતો.

જેથી વેપારી અગ્રણી અનિષ રાચ્છ અને કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશ રાયઠ્ઠાએ પાલિકાનો સંપર્ક કર્યો હતો અને સ્મશાનગૃહએ તાળાં લાગેલા તેમજ કર્મચારી હાજર ન હોવા અંગેની રજૂઆત કરી હતી. આ દરમિયાન આરોગ્ય કર્મચારી કોરોનાના બે દર્દીના મૃતદેહ લઈને સ્મશાનગૃહ પહોંચી ગયા હતા. આમ સ્મશાનગૃહે તાળાં લાગેલા હોવાથી બે કોરોનાગ્રસ્ત અને એક કુદરતી મૃત્યુના મૃતદેહોઓએ અંતિમ સંસ્કાર માટે ૩ કલાક સુધી રાહ જોવી પડી હતી. જોકે બાદમાં ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકા પ્રમુખ સહિતના શાસકો સ્મશાને દોડી આવ્યા હતા અને સ્મશાનગૃહના તાળાં ખોલીને અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી હતી. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.