Western Times News

Gujarati News

ખેડૂતે સિંહણની છાતી પર ચડી જઈને ધક્કો મારી ભગાડી મૂકી

Files Photo

રાજકોટ: તમે વાડી કે સીમમાં એકલા હોવ અને જો સિંહની ત્રાડ પણ સંભળાય જાય તો હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ તેનાથી પણ બે ડગલા આગળની કલ્પના કરી જુઓ તમે ગાઢ ઊંઘમાં હોવ અને સાક્ષાત યમરાજ સમી ખુંખાર સિંહણ તમારી છાતી પર આવીને બેસી ગઈ હોય તો? કલ્પના કરતા પણ શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે.

આ સ્થિતિમાં વિશેષ કાળજી સાથે લેવાયેલા પગલા જ તમને કદાચ બચાવી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામના આ યુવાને જે કર્યું તેનો વિચાર તો તમને સપને પણ ન આવી શકે.

ખેતરમાં રાતના પાણી વાળવા અને પાકનું રખોપું કરવા ગયેલા વિપુલ ખેલૈયાને ઊંઘ જ જાણે કે યમરાજ લઈ જવાના હોય તેવો અનુભવ થયો અને તેની છાતી પર ગિરનારની શિલા જાણે કે ઉડીને આવી પડી હોય તેવું વજન લાગવા લાગ્યું. આ બધાથી તેની પૂરી ઊંઘ ઉડે તે પહેલા જ એક પરિચીત અવાજ તેને સંભળાયો. જે સાંભળતા જ ઊંઘ તો ઉડી જ ગઈ પરંતુ શરીરની તમામ ઈન્દ્રિયો એક જ ઝટકામાં જાગૃત થઈ ગઈ.

આંખ ખોલીને જોયું તો તેની છાતી પર પંજો મૂકીને એક ભૂખી સિંહણ ઘુરકીયા કરતી ઉભી હતી. આ સંકટની ઘડીમાં પણ યુવાન બેબાકળો થયો નહોતો અને પોતાનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ગુમાવ્યા વગર તેણે પોતાની બધી જ તાકાત શારીરિક અને માનસિક ભેગી કરીને સિંહણને વળતો ધક્કો માર્યો પોતાની ઝુંપડીના દરવાજા બહાર ધકેલી દીધી. બસ આ મીનિટોના ખેલમાં વિપુલ ખેલૈયા માટે આ રાત એક યાદગાર સંભારણનું બની ગઈ. સિંહણે તો કલ્પના પણ નહીં કરી હોય કે જેને તે સહેલો શિકાર ગણીને આગળ વધી હતી તે આવી રીતે વળતો પ્રહાર કરશે. બસ પછી શું સિંહણે એક જ ઝાટકે મળલી હારને સ્વિકારીને પારોઠના પગલા ભરી લીધા અને પરત જંગલના અંધારામાં ઓગળી ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.