Western Times News

Gujarati News

પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં 75મા વર્ષમાં પ્રવેશની અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી થશે

અમદાવાદ,  જૈન ધર્મનાં અગ્રગણ્ય આચાર્યોમાં આગવું સ્થાન ધરાવતા પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં 75 વર્ષમાં મંગલ પ્રવેશને ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવવાનું આયોજન ભક્ત સમુદાયે કર્યું છે. જેનાં સંદર્ભમાં તા. 21 જુલાઈ, 2019નાં રોજ ભક્ત સમુદાય અને શુભેચ્છકોનું સંમેલન જોધપુર ગામસ્થિત બીનાબેન નયનભાઈ શાહ જૈન ઉપાશ્રયમાં યોજાઈ રહ્યું છે.

પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિભિન્ન સાત ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે અને વિવિધ ધર્મોના મુખ્ય ધર્મગ્રંથોનાં વિશદ અભ્યાસી છે. પૂ. મહારાજ સાહેબે 14થી વધુ રાજ્યોમાં ધર્મોપદેશ માટે અંદાજે સવા લાખ કિ.મી.નો ઉગ્રવિહાર પદયાત્રા દ્વારા કર્યો છે. પૂ. મહારાજ સાહેબ 125થી વધુ જૈન દેરાસરનાં પ્રતિષ્ઠાચાર્ય, 25થી વધુ પ્રાચીન તથા નવ્યતીર્થોના જિર્ણોદ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય છે. તેઓ શ્રી 150થી વધુ ગ્રંથોના લેખક-સંપાદક છે. પૂ. મહારાજ સાહેબે ભક્તામર સ્તોત્ર પર સવિશેષ સંશોધન દ્વારા તૈયાર કરેલા સર્વગ્રાહી માહિતીભૂત ત્રિભાષીય સચિત્ર ભક્તામર દર્શન ગ્રંથને વિદ્વત જગતમાં બહોળો અવકાર સાંપડ્યો છે. તેઓ શ્રી વિશ્વમાં સૌપ્રથમ ભક્તામર મંદિર (ભરૂચ)ના માર્ગદર્શક પણ છે.

પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.નો 75માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. પૂ. મહારાજ સાહેબનાં 75મા વર્ષમાં મંગલ પ્રવેશને સમગ્ર વર્ષ દરમિયાન ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવણી કરવાનું આયોજન ભક્ત સમુદાયે કર્યું છે. યોગાનુંયોગે અહિંસાના પ્રખર સમર્થક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મનાં 150 વર્ષની ઉજવણી પણ ચાલી રહી છે.

પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા અનુસાર અહિંસા અમૃત વર્ષ દરમિયાન દેશવિદેશમાં અહિંસા માટે બને તેટલો વધારે પ્રચાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના જણાવ્યા અનુસાર, ‘અહિંસા અમૃત વર્ષ’માં શાકાહાર તરફ વધારે લોકો વળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઉપરાંત ગર્ભહત્યા અટકે તે માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.’ પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે, ‘પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે, તેવી જાગૃતિ લોકોમાં આવી રહી છે. વર્તમાન સમયમાં દેશનાં કેટલાક ભાગોમાં અજ્ઞાનવશ પશુબલિની પ્રથા જોવા મળે છે. પશુબલિની આ પ્રથા અટકે તે માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે.’

પૂ. જૈનાચાર્ચ શ્રી રાજ્યશસૂરીશ્વરજી મ.સા. હાલમાં અમદાવાદમાં ચાતુર્માસ વિહાર કરી રહ્યા છે. પૂ. મહારાજ સાહેબનાં ‘અહિંસા અમૃત વર્ષ’ નિમિત્તે તા. 21 જુલાઈ, 2019નાં રોજ યોજાનારા સંમેલનમાં મુખ્ય મહેમાનપદે ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં હૈદરાબાદના પ્રખર અહિંસા પ્રચારક શ્રી શ્રી જસરાજજી શ્રીશ્રીમાલ અને દેશનાં અન્ય ભાગોમાંથી ભક્ત સમુદાય અને શુભેચ્છકો ભાગ લેશે. આ સંમેલનમાં બ્રહ્માકુમારીઓ પણ ઉપસ્થિત રહેશે. ગર્ભહત્યા અટકાવવાનાં પ્રખર સમર્થક ડો. પટેલ પણ આ સંમેલનમાં ભાગ લેવા આવશે તથા લાખો લોકોને માંસાહારનો ત્યાગ કરાવનાર ડો. ગંગવાલ પણ પુનાથી પધારશે તથા પ્રો. રમઝાન હાસણિયા તથા કુમારી ભાષા વાઘાણી પણ પધારશે. તા. 21 જુલાઈ 2019નાં રોજ યોજાનારા અહિંસા અમૃત વર્ષ અંગેનાં સંમેલનમાં પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીવર્ય શ્રી વાચંયમાશ્રીજી (બહેન મહારાજ સાહેબ)નું પણ માર્ગદર્શન સાંપડશે.

પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા.ના જણાવ્યા અનુસાર ‘સમગ્ર વિશ્વને હિંસામુક્ત કરવાનો વિચાર સૌ અહિંસાપ્રેમી, પશુપ્રેમી, જીવપ્રેમી તથા કરુણાપ્રેમીનો છે. વિશ્વને હિંસામુક્ત કરવાનો એક જ ઉપાય પ્રાર્થનાનો નિરંતર વધારો કરવાનો છે.’ પૂ. જૈનાચાર્ચ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સાની નિશ્રામાં નાગપુર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં પણ અહિંસાનાં સંમેલનો અગાઉ યોજાઈ ચુક્યા છે. પૂ.જૈનાચાર્ચ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સાના શિષ્ય-શિષ્યાઓ ‘અહિંસા પરમો ધર્મ’નાં પ્રચાર માટે 20 સેન્ટરોમાં પ્રવૃત છે.

તા. 21ના આ સંમેલનમાં તા. 26 સપ્ટેમ્બર, ભાદરવાવદ 12, રેંટીયા બારસથી મહાત્મા ગાંધી જન્મદિન તા. 2 ઓક્ટોબર, ગાંધી જ્યંતી સુધી અહિંસા સપ્તાહનું મહાન આયોજન કરવાનો નિર્ધાર થશે. તા. 2 ઓક્ટોબરને યુનો તરફથી વિશ્વઅહિંસા દિન ઘોષિત કરવામાં આવ્યો છે. તેથી સમસ્ત વિશ્વમાં અહિંસાના પાલન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.