Western Times News

Gujarati News

કૂતરાને બાઇકની પાછળ બાંધી ઘસડનારાની ધરપકડ

બીજિંગ: કૂતરાનું માંસ ખાવા માટે જાણીતા ચીનમાં પશુઓ પ્રત્યે હિંસાના પણ મામલા સતત સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો ચીનના સાઉથ-ઇસ્ટ પ્રોવિન્સ ફુજિયાનના શિશી શહેરમાં સામે આવ્યો છે. અહીં એક શખ્સ કૂતરાના એક નાના બચ્ચાને દોરડાથી બાઇક પાછળ બાંધીને કલાકો સુધી રસ્તા પર ઘસડતો રહ્યો અને લોકો આ સમગ્ર ઘટનાને વીડિયો ઉતારવામાં જ લાગ્યા રહ્યા. ડેઇલી મેઇલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ બાઇકસવાર કૂતરાને પાળવા માટે ઘરે લઈ જવા માંગતો હતો પરંતુ જ્યારે તેણે કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો.

ત્યારબાદ આ શખ્સને ગુસ્સો આવી ગયો અને તેણે આ નાના કૂતરાના બચ્ચાને દોરડાના સહારે બાઇકથી બાંધી દીધું અને રસ્તા પર ઘસડીને લઈ જવા લાગ્યો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ શખ્સની ક્રૂર હરકતને રોકવાને બદલે લોકો મોબાઇલ ફોનથી ઘટનાનો વીડિયો ઉતરવામાં મગ્ન રહ્યા. આ દરમિયાન આ બાઇકસવારે કલાકો સુધી કૂતરાના બચ્ચાને શહેરના રસ્તાઓ પર ઘસેડ્યું. જોકે, બાદમાં એક પોલીસકર્મીની નજર આ શખ્સ પર પડી અને તેને પહેલા તો કૂતરાના બચ્ચાને આ ક્રૂરતાથી મુક્ત કરાવ્યું અને બાદમાં આ શખ્સની ધરપકડ કરી લીધી.

પોલીસકર્મી કૂતરાને ડૉક્ટર પાસે લઈ ગયો જ્યાં હાલ તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે. બાઇકસવારની ઓળખ ૪૮ વર્ષીય વૂ કે રૂપે થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે જ્યાં લોકો આ શખ્સની ઘણી ટીકા કરી રહ્યા છે. વૂની ધરપકડ કરી લેવામાં આવી છે અને ચીનના કાયદા મુજબ તેને ૩ વર્ષ જેલની સજા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.