Western Times News

Gujarati News

સ્માર્ટ સીટીની વાતો વચ્ચે બોપલનો વિકાસ અભેરાઈએ !!

રોડ-રસ્તા-ગટર-તથા ટ્રાફિક સમસ્યાથી છૂટકારો માંગતા સ્થાનિકો, ગેરકાયદે ઝુંપડપટ્ટીઓનો રાફડો, બિલ્ડરો રહીશોને બેઝિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળની ફરિયાદ

રખડતા ઢોરોના ત્રાસથી રહીશો ત્રાહિમામ : નગર પાલીકાએ વહીવટ છોડ્યો, કોર્પોરેશનમાં કોઈ સાંભળતું નથી

અમદાવાદ: સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે. સ્માર્ટ સીટીના સપના જાેવા અલગ વાતે છે. પરંતુ તે સપનાને સાકાર કરવા માટે મક્કમ મનોબળની સાથે દ્રઢ નિર્ધાર જરૂરી છે. બે-ચાર ઈંચ વરસાદથી જાે રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય, ગટર-લાઈટોની હાલત દયનીય થતી હોય તો સ્માર્ટ સીટીની વ્યાખ્યા કઈ રીતે કરવી ??

ચોક્કસ આયોજન વગર કરાતું કામ દરેકને પરેશાન કરે છે. બોપલ નગરપાલિકાનો સમાવેશ કોર્પોરેશનમાં કર્યા પછી એમ લાગતું હતું કે બોપલની સ્થિતિમાં અસાધારણ સુધારો થશે. પરંતુ એવું થયું નહીં. બોપલ જે હાલતમાં હતું તેનાથી વધારે ખરાબ હાલત થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. કારણ કે જૂના શાસકો કામ કરી શકતા નથી અને કોર્પોરેશન સાંભળતું નથી. બોપલની પ્રજા જાય તો પણ ક્યાં જાય?? રોડ-રસ્તા, લાઈટો સહિતની સુવિધાઓ જાણે કે ઠપ્પ થઈ ગઈ છે. કોઈ સાંભળતું નથી. સ્માર્ટસીટીના શમણાં દેખાડીને બોપલના નાગરિકોને ખો આપવામાં આવી છે તેવી પ્રતિતિ થઈ રહી છે.

નગરપાલિકા પાસેથી વહીવટ લેતાં પહેલાં કોર્પોરેશન તરફથી જે આયોજન કરાવવું જાેઈતું હતુ તે થયું નથી. સામાન્ય રીતે કોઈપણ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવાય તો તે અંગે પહેલેથી જ વિસ્તારના વિકાસના કામોને પ્રાધાન્ય આપતી “બ્લ્યુ પ્રિન્ટ” શાસકોના માઈન્ડમાં હોવી જાેઈએ.

પરંતુ બોપલ સહિતના જે વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે તેના વિકાસને લગતી કામગીરીના સંદર્ભમાં કોઈ વ્યુહરચના અમલમાં મૂકાઈ નથી. રોડ, રસ્તા, લાઈટ, ગટરના ઠેકાણા પડયા નથી. ટ્રાફિક સમસ્યા પણ એટલી જ છે. બી.આર.ટી.એસ.ને લીધે ચક્કાજામની સ્થિતિ ઓફિસના સમયગાળામાં સર્જાય છે, તો પંચાયતના સમયગાળામાં બોપલનો અણઘડ વિકાસ થયો હતો. બાંધકામ, પાર્કિંગની જગ્યાએ જે માર્જીન રાખવુ જાેઈએ તે વ્યવસ્થાપનમાં ધ્યાન અપાયું નથી. નગરપાલિકાની જગ્યાએ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા પછી નાગરિકોએ કોને ફરિયાદ કરવી તેને લઈને અવઢવમાં છે. પહેલા તો નગરસેવકો ઉપસ્થિત રહેતા હતા.

પરંતુ હવે તો તેઓ પણ મળતા નથી. જ્યારે કોર્પોરેશનમાં કોઈ ફરિયાદ સાંભળતું નથી. તો બીજી તરફ સ્ટર્લિંગ સીટી સોસાયટીના રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. રેલ્વે ટ્રેક પાછળ પાઈનલાઈન નાંખવાની કામગીરી શરૂ થઈ છે, તેને લીધે ખોદકામ થવાથી ચોમાસામાં આવવા-જવામાં ભારે તકલીફનો સામનો સ્થાનિક નાગરિકો કરી રહ્યાં છે.

જ્યારે આ વિસ્તારમાં ગેરકાયદે ઝુપડપટ્ટીઓનો રાફડો ફાટ્યો છે. સાઉથ બોપલમાં મોટા મોટા બિલ્ડરોએ લાખો રૂપિયા લઈને મકાનો વેચ્યાં પરંતુ બેઝિક સુવિધાઓ જેવી કે પાણી, ગટરની ઉભી થવી જાેઈએ તે થઈ નથી. વરસાદ પડતા અહીં પાણી પણ ભરાઈ જાય છે.

દરમિયાનમાં બોપલ અને તેની આસપાસના વિસ્તારોમાં હજી પણ ખાઈકૂવા જ છે. ગટરલાઈન તો પાયાની જરૂરિયાત છે. કોર્પોરેશન આગામી દિવસોમાં ખાળકૂવાની જગ્યાએ નાગરિકોને ગટરલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવશે તેવી આશા સ્થાનિક નાગરિકો રાખી રહ્યાં છે. બોપલમાં બીજી મોટી સમસ્યા રખડતાં ઢોરોની છે. રસ્તા પર જ ઢોર બેસી રહેતાં હોવાથી નાના-મોટા અકસ્માતનો ભય રહેલો છે. તેથી ઢોર અંકુશ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.