Western Times News

Gujarati News

મ્યુનિ.ઈજનેર અધિકારીઓ ગણિતમાં પણ નબળાઃ માત્ર ૯૨૮૧ ખાડાની ગણતરી થઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચથી નવા રોડ તૈયાર કરવામાં આવે છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડના મેક-અપ ઉતરી જાય છે. તથા નગરજનો “ડિસ્કો રોડ” પર વાહન ચલાવવા મજબુર બની જાય છે. મ્યુનિ.કોર્પાેરેશને વર્ષાેથી ચાલી આવતી પરંપરાને ચાલુ વર્ષે પણ નિભાવી છે. તથા વધુ એક વખત ૨૦૧૭નું પુનરાવર્તન થયું છે. જેના પર ઢાંકાપિછોડો કરવા માટે માટીપુરણી કરવામાં આવી છે. મ્યુનિ.ઈજનેર વિભાગના અધિકારીઓ કામની ગુણવત્તાની માફક ગણિતમાં પણ કાચા સાબિત થયા છે. શહેરમાં હજી સુધી નવ હજાર ખાડા હોવાનું માની રહ્યાં છે.

એક જમાનામાં “લીવેબલ” સીટી તરીકે જાણીતા અમદાવાદ શહેરને “ભૂવાનગરી” કે “ખાડાબાદ” તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. શહેરમાં સરેરાશ અડધા ઈંચ વરસાદે એક ભૂવો પડે છે. જ્યારે ખાડાઓની સંખ્યા અગણિત હોય છે. તેમ છતાં મ્યુનિ.ઈજનેર ખાતા દ્વારા ચાલુ સિઝનમાં ૯૨૮૧ ખાડા પડ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તથા તેને પૂરવા માટે કવાયત શરૂ થઈ છે. મનપામાં “ખાડા પૂરો અભિયાન” અંતર્ગત ૨૩ ઓગસ્ટે ૬૬૫૯ અને ૨૪ ઓગસ્ટે ૩૦૦ ખાડા પૂર્યા છે.

જ્યારે ૨૧૨૨ ખાડા પૂરવાના બાકી છે. આ ખાડાની સંખ્યાની ગણતરી નાગરિકો દ્વારા કરવામાં આવી હોય તો એક “શૂન્ય” વધારે હોય તેમજ ગણતરી પણ બરાબર થઈ હોય તેમ માનવામાં આવે છે. તેમ છતાં ઈજનેર વિભાગે અત્યાર સુધી ૯૨૮૧ ખાડા સાથે મન મનાવ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના ઉત્તર ઝોનમાં ૧૦૯૨, પૂર્વ ઝોનમાં ૧૯૪૫, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૯૬૯, મધ્ય ઝોનમાં ૧૧૩, દક્ષિણ ઝોનમાં ૯૩૬, પશ્ચિમ ઝોનમાં ૭૮૧ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૨૩ મળી કુલ ૭૩૫૯ ખાડા પૂરવામાં આવ્યા છે.

જ્યારે ઉત્તર ઝોનમાં ૯૦૪, પૂર્વઝોનમાં ૪૪૩, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૭૩, પશ્ચિમ ઝોનમાં ૧૩, દક્ષિણ ઝોનમાં ૩૭૩, પશ્ચિમ ઝોનમાં ૨૬૧ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૯૩ મળી કુલ ૨૧૨૨ ખાડા પુરવાના બાકી છે. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં “ખાડામુક્તિ” અમદાવાદની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ભવ્ય ફીયાસ્કો થયો છે. ૨૦૧૭માં તત્કાલીન કમીશ્નર મુકેશકુમારના કાર્યકાળ દરમ્યાન ૧૩૦ જેટલા રોડનું સંપૂર્ણપણે ધોવાણ થયું હતું. ૨૦૨૦માં જાેગાનું જાેગ કમીશનરપદે મુકેશકુમાર જ છે. તથા ૯૨૮૧ ખાડા પડ્યા હોવાની કબુલાત થી છે. ૨૦૧૭માં હાઈકોર્ટની ફીટકાર બાદ રોડના કામ કરવામાં આવ્યા હતા તેમજ ઈજનેર અધિકારીઓ સામે કાર્યવાહીનો “દેખાવ” પણ થયો છે. ૨૦૨૦માં હાઈકોર્ટની ફીટકારના ડરથી કામ વહેલા શરૂ થયા છે. પરંતુ ઈજનેર અધિકારીઓ સામે નવી કાર્યવાહી થાય તેવી કોઈ જ શક્યતા નથી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.