Western Times News

Gujarati News

નવરંગપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો એકાએક અદૃશ્ય

અમદાવાદ : શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ શંકાસ્પદ સ્યુસાઈડ નોટ લખી ગુમ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. બંને કોન્સ્ટેબલ સામે બે લાખ રૂપિયાનો તોડ કર્યો અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી.

જે અંગેનો ખુલાસો માંગવા નવરંગપુરા પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ બોલાવતા આ બંને કોન્સ્ટેબલોએ ઉલ્ટાનું ખુદ પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ સામે જ રૂપિયાનો તોડ કરતા હોવાનું અને વહીવટો ચાલતા હોવાનો આક્ષેપ કરતી સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જિગર સોલંકી અને કૌશલ ભટ્ટ નામના બે કોન્સ્ટેબલ ગુમ થયા અંગે સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. બંને કોન્સ્ટેબલ બે દિવસથી ગુમ થયા છે. જિગરે પોતાની કથિત સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડકતરી રીતે રૂપિયા અને દારૂના સ્ટેન્ડ ચાલે છે

તેવું નવરંગપુરા પીઆઈ પીબી દેસાઈને જાણ કરતા તેઓએ શાંતિથી નોકરી કરોસ બાકી બદલી થઈ જશે તેવી ધમકી આપી હતી. તેમજ ખોટા કેસમાં ભરાવી દેવાની પણ ધમકી આપી હતી. જેના કારણે હું શારીરિક અને માનસિક હેરાન થઇ ગયો છું. હું જીવવા નથી માંગતો, જેની સંમગ્ર જવાબદારી પીબી દેસાઈ, બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ અને પીઆઈ પર્સનલ બહાદુરસિંહની રહેશે. જ્યારે બીજા કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટે પોતાની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, પીઆઈ પીબી દેસાઈને તેમના બે વહીવટદાર જયેશ દેસાઈ  અને દેવસી દેસાઈ વિશે જણાવતા તેઓએ ચુપ રહેવા કહ્યું હતું.

તેમની સામે કરેલી અરજી પાછી ખેંચવા શારીરિક અને માનસિક દબાણ કરતા હતા. ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી હતી. તા.૨૦ જુલાઈના રોજ બી ડિવિઝન એસીપી એલબી ઝાલાએ રૂબરૂ બોલાવતા અમે રજૂઆત કરતા અમે જણાવ્યું હતું કે, પીઆઈ પીબી દેસાઈ અને તેમના બે વહીવટદારના ૬ મહિનાના લોકેશન અને કોલ ડિટેલઈની વાત કરી હતી જેથી એસીપી ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને કંઈ નહીં થાય.

મરવુ હોય તો મરી જા તેવું કહ્યું હતું. જેથી હું જીવવા નથી માંગતો અને તેની સમગ્ર જવાબદારી એસીપી ઝાલા, પીઆઈ પીબી દેસાઈ અને બે વહીવટદારની રહેશે. બંને કોન્સ્ટેબલની આ સ્યુસાઇડ નોટ, તેમના ગુમ થવા અને ચિઠ્ઠીમાં કરાયેલા આક્ષેપોને લઇ હવે સમગ્ર મામલો ગરમાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરના સમગ્ર પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવે તે પણ શકયતા સેવાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.