Western Times News

Gujarati News

EMI છૂટનો લાભ ૩૧મી તારીખે ખતમ થશે

Files Photo

નવી દિલ્હી: ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા લોન મોરેટોરિયમની મુદત પૂર્ણ થઈ રહી છે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનને પગલે ભારતીય મધ્યસ્થ બેંકે ત્રણ મહિનાના મોરેટોરિયમની જાહેરાત કરી હતી. જે બાદમાં તેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો.

હવે આ મુદત ૩૧મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. આરબીઆઈ તરફથી બીજી વખત મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ અનેક બેન્કર્સે હવે આ મુદતમાં વધારે ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમનો દાવો હતો કે તેનાથી નાણાકીય વ્યવસ્થા પર ખૂબ ગંભીર અસર પડશે.
જેફરીઝ રિસર્ચ રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે બીજી વખત લોન મોરેટોરિયમ લેનાર લોન ધારકોની સંખ્યા ઘટી છે. પ્રથમ તબક્કામાં ૩૧ ટકા લોન ધારકોએ આનો ફાયદો લીધો હતો, જ્યારે બીજા તબક્કામાં ૧૮ ટકા લોન ધારકોએ આનો ફાયદો ઉઠાવ્યો હતો. આના પાછળ મુખ્ય બે કારણ છે.

જેમ જેમ આર્થિક ગતિવિધિ શરૂ થતી ગઈ તેમ તેમ લોન ધારકોએ લોનની ચૂકવણી શરૂ કરી દીધી હતી. બીજું કે બેંકો પણ મોરેટોરિયમનો લાભ આપવા માટે થોડી કડક બની હતી. ભારતીય રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં કહ્યુ હતુ કે તેઓ લોન આપનારને લોન રિસ્ટ્રક્ચરિંગની સુવિધા આપશે. જેનાથી એવા લોકોને રાહત મળશે જેઓ વર્તમાન સંકટને કારણે લોનની ચૂકવણી નથી કરી શકતા. રિસ્ટ્રક્ચરિંગની સુવિધા અંતર્ગત લોન લેનારને નવું શિડ્યૂલ આપવામાં આવશે. જેનાથી તેઓ લોન ચૂકવી શકશે.

આરબીઆઈએ લેન્ડર્સ માટે વન-ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોનની ચૂકવણીની શરતોમાં ફેરફાર કરી શકાય છે. આ અંતર્ગત લોન લેનારનું એકાઉન્ટ સ્ટાન્ડર્ડ જ ગણવામાં આવશે. આ એકાઉન્ડને ડિફૉલ્ટર કે પછી નૉન-પર્ફોર્મિંગ એકાઉન્ટ નહીં ગણવામાં આવે. સામાન્ય રીતે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યાના ૯૦ દિવસ પછી આવા ખાતાઓને એનપીએ ગણી લેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.