Western Times News

Gujarati News

ગુજરાતમાં ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર- પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે : મુખ્યમંત્રીશ્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં વટહુકમ માટે દરખાસ્ત રજૂ કરશે

જુગારની પ્રવૃત્તિ કરવી- સાયબર ક્રાઇમ આચરવા – નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા (લોન સાર્ક) શારીરિક હિંસા-ધાક ધમકી આપવી – જાતિય સતામણી કરવી જેવા ગૂના કરનાર તત્વો સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર

પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં

મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમ લવાશે : જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે

આઇ.ટી એકટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને  સાયબર ઓફન્ડર ગણી સજા થશે

જાતિય ગૂનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો અડગ નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્યના વિકાસને સોળે કળાએ ખિલવી ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાના પ્રખર હિમાયતી રહ્યા છે.  શ્રી વિજયભાઇ રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત  જાતિય સતામણી જેવા ગૂનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા ‘પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં લાવવાના છે.

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા  અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.

હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં ‘પાસા’ એકટની જોગવાઇઓમાં જે સુધારાઓ થવાના છે તેમાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે.

જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જુગારની બદીને સખ્તાથી ડામી દેવા તેમજ જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નિયત કર્યું છે.

તદઅનુસાર પાસાને વધુ કડક બનાવીને આ ત્રણ વર્ષમાં સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગૂનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે.       આ ઉપરાંત આ પાસા કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે.

રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે. રતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહીથઇ શકશે.      આ અધિનિયમની હાલની જોગવાઇ પ્રમાણે ભારતીય દંડ સંહિતાના ચેપ્ટર – ૧૬ અને ૧૭ માં દર્શાવેલ ગુના આચરનાર સામે ભયજનક કેટેગરીમાં પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તેમાં હવે ચેપ્ટર-૮ અથવા ૧૬ (કલમ-૩૫૪, ૩૫૪ (એ), ૩૫૪ (બી), ૩૫૪ (સી),  ૩૫૪ (ડી), ૩૭૬, ૩૭૬ (એ), ૩૭૬ (બી), ૩૭૬ (સી), ૩૭૬ (ડી) અથવા ૩૭૭ ના સિવાય) અથવા ચેપ્ટર-૧૭ અથવા ચેપ્ટર-૨૨ના ગુનાઓ કરનાર સામે પણ પાસાની કાર્યવાહી શકય બનશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં અસામાજીક તત્વો-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવાની નેમ રાખી છે. પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે પાસા કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારાઓ માટેની દરખાસ્ત મુખ્યમંત્રીશ્રી આગામી કેબિનેટમાં રજુ કરવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.