Western Times News

Gujarati News

બોપલનાં યુવાનને ફસાવી રૂપિયા પડાવતી યુવતી વિરૂધ્ધ ફરિયાદ

યુવાન દિલ્હી યુપીએસસીની તૈયારી કરવા ગયો ત્યારે મહારાષ્ટ્રની યુવતી સાથે ઓળખ થઈ હતી : બળાત્કારની ધમકી આપી એક લાખ પડાવ્યા હતા

અમદાવાદ: અમદાવાદ નજીક દસ્ક્રોઈ તાલુકાનાં એક ગામમાં રહેતાં અને દિલ્હીમાં સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતા યુવાનને એક યુવતીએ પ્રેમજાળમાં ફસાવી બળાત્કારનો કેસ કરવાની ધમકીઓ આપીને એકલાખ રૂપિયા પડાવ્યા હતા. ઉપરાંત રૂપિયા ન આપે તો તેને મરાવી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ દરમિયાન યુવતીએ મહારાષ્ટ્રમાં અન્ય યુવાનો સાથે પણ આવું જ કર્યાની જાણ થતાં તેણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે મૂળ ઝારખંડના રહેવાસી રીતેશ આનંદ ચૌધરી છેલ્લા વીસ વર્ષથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલા છે અને હાલ લપકામણ ગામ, દસ્ક્રોઈ ખાતે રહે છે. ગ્રેજ્યુએટ થયા બાદ રીતેશ આનંદ યુપીએસસીની તૈયારી કરવા વર્ષ ર૦૧૬માં દિલ્હી ખાતે ગયો હતો. ત્યારે ટેલીગ્રામ પરથી ઉજ્વલા પ્રકાશ સહારે (હરીહર પેટ, ઓલ્ડ સિટી, અકોલા, મહારાષ્ટ્ર) નામની યુવતી સાથે ઓળખ થઈ હતી.

દરમિયાન ઉજ્વલાએ પોતે યુપીએસસીની તૈયારી કરતી હોવાનું કહી દિલ્હીમાં મકાન શોધવાનું કહેતાં રીતેશ આનંદ રાજેન્દ્રનગર માર્કેટમાં પોતાની પાડોશમાં ઘર શોધી આપતાં ઉજ્વલા તેની માતા કીરણ સાથે રહેવા આવી હતી. અવારનવાર બન્નેને મળવાનું થયા બાદ પ્રેમસંબંધ બાંધ્યા હતા. બાદમાં ઉજ્વલાએ પોત પ્રકાશતાં પહેલાં રીતેશને ઈમોશનલ કર્યો હતો. બાદમાં બળાત્કારની ધમકીઓ આપીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યુ હતું. ડરી ગયેલા રીતેશે તેને ટુકડે ટુકડે લાખની રકમ આપી હતી.

જાે કે ઉજ્વલાએ વધુ રકમની માંગણી ચાલુ રાખી હતી. અને રીતેશને મારી નખાવવા સુધીની ધમકીઓ આપી હતી. જેથી તેણે તપાસ કરતાં ઉજ્વલાએ અગાઉ અકોલા પોલીસ સ્ટેશનમાં કેટલાંય વ્યક્તિઓ ઉપર આવાં કેસો કર્યાનું બહાર આવ્યું હતું. જેથી ગભરાયેલો રીતેશ અમદાવાદ પોતાનાં ઘરે આવી ગયો હતો. તેમ છતાં ઉજ્વલાએ તેને તથા તેનાં પરિવારના મોબાઈલ ઉપર ફોન કરી બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હતી અને રૂપિયાની માંગણી કરતી હતી. વારંવાર આવી ધમકીઓથી ડરી ગયેલો રીતેશ છેવટે બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આપવીતી જણાવી હતી. પોલીસે ઉજ્વલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.