Western Times News

Gujarati News

વરસાદથી પડેલા ખાડા પુરવા ગાંધીનગરના યુવાનો રોડ પર

પ્રતિકાત્મક

ગાંધીનગર: એકતરફ વરસાદના કારણે રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા છે. તેવામાં ગાંધીનગરના યુવાનોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રોડ રસ્તાઓની જાળવણીમાં નિષ્ફળ રહ્યું છે ત્યારે જ્યાં ના પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યા આ જાગૃત યુવાનો. યુવાનોએ મોટા ખાડાઓ જાતે કપચી નાખી પૂર્યા. તો તંત્રની આંખો ખોલવા કેટલાક ખાડાઓમાં વૃક્ષારોપણ પણ કર્યું. વરસાદના કારણે રોડ તૂટી જવાની સમસ્યા માત્ર અમદાવાદ જેવા સ્માર્ટસિટી પૂરતી રહી નથી. રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરમાં પણ વરસાદના કારણે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે.

કદાચ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પ્રિમોન્સૂનનું પ્લાનિંગ કાગળ પર જ થતું હોય તેવું લાગી રહ્યુ છે. તેવામાં ગાંધીનગરના યુવાનોએ રોડ પર પડેલા મસમોટા ખાડાઓ પુરવા માટે અનોખું અભિયાન ચલાવ્યું. ગાંધીનગર ના ૧૦-૧૨ યુવાનોએ ગ્રૂપ બનાવી ખાડાઓ પૂરવા માટે કોર્પોરેશનમાં રજૂઆતો કરી. પણ તંત્રએ આ રજુઆત કાને નહિ ધરતા આખરે યુવાનોએ જાતે ખાડાઓ પુરવાનું બીડું ઝડપ્યું. યુવાનો પાવડો, તગારા લઈ રોડ પર ઉતર્યા અને ખાડાઓ પુરવા માટી અને કપચીઓ નાખી ખાડા પૂર્યા. એટલું જ નહીં રજૂઆત કરવા છતાં ફરીયાદ નહિ સાંભળનારા તંત્રને ભાન કરાવવા રોડ સાઈડ અને સર્કલ પરના કેટલાક ખાડાઓમાં વૃક્ષારોપણ પણ કર્યું.

યુવાનોના આગેવાન વનરાજ સિંહે આ અંગે જણાવ્યું કે, ગાંધીનગરના રાંધેજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તો રોડ પર ખાડાઓ પડ્યા છે. આ સાથે જ્યાંથી નેતાઓ અને અધિકારીઓ પસાર થાય છે તેવા કેટલાક રોડ પણ તૂટી ગયા છે અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. જેથી યુવા મિત્રોને સાથે રાખી અભિયાન શરૂ કર્યું છે. માત્ર ગાંધીનગર ગ્રામ્ય જ નહીં આખા જિલ્લામાં અને ત્યારબાદ અમદાવાદના રસ્તાઓ પર પણ આ ઝુંબેશ ચલાવી શુ. રોડ સરખા નહિ થાય તો તે ખાડાઓમાં વૃક્ષારોપણ પણ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.