Western Times News

Gujarati News

ગુજરાતમાં અમુક સ્થળો પર સીઝનનો ૧૦૦ ટકાથી ર૦૦ ટકા કરતા વધુ વરસાદ

Files Photo

દેવભૂમિ દ્વારકા- પોરબંદર- ભરૂચ- જુનાગઢ- કચ્છમાં  ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન ! અંદાજે ૭૦ ટકા નુકસાનીનો અંદાજ

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે જેને કારણે નદીઓમાં પુર આવતા પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા લાખો હેકટર જમીનમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. ખેડુતોને પારાવાર નુકસાન થયુ છે કપાસ, મગફળી, તલ, શાકભાજી સહિતના પાકને સેંકડો હેકટરમાં નુકસાન થયુ છે તેને કારણે ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે એક તરફ કોરોનાનો માર, તથા બીજી તરફ અતિવૃષ્ટિ- પૂરની સ્થિતિએ જગતના તાતની કમર તોડી નાંખી છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર- કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ તો ૧૦૦ટકાથી ર૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, ભરૂચ તથા અન્ય કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ભારે નુકસાન થયુ છે. અહીંયા ખેડૂતોની જમીન પરનો પાક તો ધોવાઈ ગયો છે પરંતુ નદીઓમાંથી આવેલા પાણીના પ્રચંડ પ્રવાહથી જમીન ધોવાઈ છે તો અમુક ખેતરોમાં તો નદીઓનો કાંપ આવી ગયો છે. જે ખેડૂતોએ પાક ઉગાડયો હતો તે તો ગયો પણ તેની સાથે ખેતરોમાં ભરાયેલા પાણીને ઉતરતા હજુ બીજા ૧૦-૧પ દિવસ તો ઓછામાં ઓછા લાગશે અને હજુ પણ આ વખતે વરસાદ ક્યારે પડશે તેના કોઈ ઠેકાણા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો છેલ્લા દોઢ-બે મહિનાથી વરસાદ પડી રહયો છે.

ગુજરાતમાં જાણે કે લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે.
એક અંદાજ પ્રમાણે ગુજરાતના ઉપરોક્ત વિસ્તારોમાં તો ૭૦ થી ૯૦ ટકા જેટલો પાક નાશ પામ્યો છે મતલબ કે ખેડૂતોને એટલુ વ્યાપક નુકસાન થયુ છે રાજયમાં અમુક સ્થળોએ મેઘરાજા કાચુ સોનુ સાબિત થયા છે તો ઘણા સ્થળોએ મેઘકહેર સાબિત થયો છે. આમ તો ખેડૂતો ભારે વરસાદની ફરિયાદ નથી કરતા પરંતુ તેમને થયેલા નુકસાનથી ચિંતિત છે. પાણી મળતા આગામી દિવસોમાં જાે સરકારી સહાય મળે તો ખેડૂતો પાક ઉગાડવા સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.