Western Times News

Gujarati News

ચીની ઘૂસણખોરીને રોકવા માટે ભારતીય જવાનો હાઇ એલર્ટ પર

File

નવી દિલ્હી: ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફરી એકવાર તણાવ વધી ગયો છે. અત્યાર સુધી ચીને બે દિવસમાં બે વાર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે, ત્યારબાદ ભારતીય સેનાને એલએસીના લોકેશનથી આગળ વધવું પડ્યું છે. ભારતીય સુરક્ષાદળોએ વધુ ઘૂસણખોરીને રોકવા માટે વાહનોને તૈનાત કરી દીધા છે. ભારતીય જવાન ચીની સૈનિકોની કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીને રોકવા માટે હાઇ એલર્ટ પર છે.


પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર બંને પક્ષોની વચ્ચે થયેલા ઘર્ષણથી ઉત્પન્ન થયેલા તણાવને ઓછો કરવા માટે એક તરફ સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે. બીજી તરફ, રક્ષા મંત્રી રાજનાથ સિંહએ હાલની સ્થિતિને લઈ હાઇ-લેવન મીટિંગ કરી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ બિપીન રાવત અને સેના પ્રમુખ નરવને સહિત અનેક વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા.

ભારતીય સેનાના સૂત્રો મુજબ, ઘૂસણખોરીના આ પ્રયાસ એ વિસ્તારોમાં કરવામાં આવ્યા છે જેને ચીન મોટાપાયે પોતાના નક્શામાં દર્શાવે છે. ચીને ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે પેન્ગોગ ત્સોના દક્ષિણ તટે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ તેને નિષ્ફળ કરતાં આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો. ત્યારબાદ મંગળવારે રેકિન લાની પાસે ઘૂસણખોરીનો પ્રયાસ થયો, જે રેજાંગ લાથી ખાસ દૂર નથી. સોમવારે ભારતીય સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે શું થયું હતું.

ભારતીય સેના મુજબ શનિવારની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ એ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જ્યાં પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ દરમિયાન યથાસ્થિતિ રાખવાની વાત કહેવામાં આવી હતી. ચીની સૈનિકોએ સમજૂતીનું ઉલ્લંઘન કરતાં હથિયારોની સાથે આ વિસ્તારમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ પૈંગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ગતિવિધિને રોકતાં તેમને પરત ધકેલી દીધા. તેઓએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદાને પહેલાથી જ સમજી ગઈ હતી અને આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઈરાદાઓને ધ્વસ્ત કરી દીધા.

ભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું કે, ભારતીય સેના વાતચીતના માધ્યમથી સરહદ પર શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે પણ સમાન રૂપથી દૃઢ સંકલ્પ છે. બંને દેશોની વચ્ચે હવે સરહદ સાથે જોડાયેલા મુદ્દાના ઉકેલ માટે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાના ચીની સેના તરફથી કરવામાં આવેલા આવા પ્રયાસ યોગ્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.