Western Times News

Gujarati News

નર્મદાના લીમખેતર ગામના ખેડૂત પ્રવિણભાઇ દર ત્રીજા દિવસે લીંબુનું ૩૫ કિલોગ્રામ ઉત્પાદન મેળવે છે

પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઇ તડવીએ રૂા. ૩૬ હજારથી પણ વધુની સરકારી સહાય થકી લીંબુની ખેતીમાં સૌપ્રથમ પાણીના ટાંકાથી ડ્રીપ ઇરીગેશનનો લીમખેતર ગામમાં કરેલો પ્રારંભઃ ગામના અન્ય ખેડૂતો પણ ડ્રીપ ઇરીગેશન માટે પ્રેરાયા

રાજપીપલા, નર્મદા જિલ્લાના લીમખેતર (આંબા) ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઇ કાંતિભાઇ તડવીએ સરકારના બાગાયત વિભાગ તરફથી મળેલી રૂા. ૩૬૦૦૦/- થી પણ વધુની રકમની પાણીના ટાંકાની સહાયના લીધે આજે આ ટાંકાનો ઉપયોગ કરી ડ્રીપ ઇરીગેશનના માધ્યમથી પોતાની જંગલની ડુંગરાળ જમીનમાં ઢાળ ઉપર લીંબુની ખેતી કરી રહયા છે. અને દર ત્રીજા દિવસે  લીંબુનું આશરે ૩૫ કિલોગ્રામ જેટલું ઉત્પાદન મેળવી રહયાં છે. ઉનાળા દરમિયાન ૨૦ કિલો લીંબુના અંદાજે રૂા.૧૦૦૦/- થી રૂા. ૧૪૦૦/- નો ભાવ તેમને મળે છે, જયારે હાલમાં ૨૦ કિલોગ્રામ લીંબુનાં રૂા. ૪૦૦/- ની આસપાસ ભાવ મળે છે.

પ્રવિણભાઇ તડવી જણાવે છે કે, હાલમાં તેમના ખેતરમાં ૧૬૦ છોડનું વાવેતર કરેલ છે. તેમની મહત્વાકાંક્ષા મુજબ ૧૦૦૦ લીંબુના છોડની ખેતી કરવી છે. પ્રવિણભાઇ તેમના લીંબુના ફળનું માર્કેટીંગ રાજપીપલા ખાતે કરે છે. આ ઉપરાંત પ્રવિણભાઇ વર્ષ ૨૦૧૩-૧૪ માં પ્રગતિશીલ ખેડૂત તરીકે તાલુકા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ મેળવી ચૂકયા છે. તેઓ બાગાયતી ખેતી ઉપરાંત વેલાવાળા શાકભાજી, ભીંડા, રીંગણ, આંબાવાડી જેવી ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવી રહયાં છે.

પ્રવિણભાઇ કહે છે કે, બાગાયત વિભાગ તરફથી ટાંકા સહાય મળી તે પહેલાં તેઓ તુવેર, કપાસ, ચોમાસું શાકભાજી વગેરે જેવી ચીલાચાલુ ખેતી કરતાં હતાં, જેથી તેમાં કોઇ વિશેષ નફો તેમને મળતો ન હતો .પરંતુ બાગાયત વિભાગ તરફથી ટાંકા માટેની ઉકત સહાય મળ્યા બાદ તેઓ પાણીના ટાંકાનો ઉપયોગ કરીને ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરતાં તેમનું નસીબ હવે પલટાયું છે.

લીમખેતર ગામ ખાતે પ્રવિણભાઇએ સૌપ્રથમ ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરતાં તેમનાં ગામના અન્ય ખેડૂતોને પણ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરીને તેઓને બાગાયતી વિભાગનો લાભ અને સહાય મેળવવામાં પણ મદદ કરી છે. જયારે પિયત પાણીની મુશ્કેલીઓ ઉભી થાય ત્યારે પાણીના સંગ્રહીત (ટાંકા) ના કારણે તેમની ખેતી ટકી શકી છે તેવું પ્રવિણભાઇ તડવી જણાવતાં ઉમેરે છે કે, ટાંકા સહાય તેમના માટે ખૂબ જ ફાયદાકારક નિવડેલ છે.

પ્રવિણભાઇ તડવીએ હાલમાં વર્મી કંપોસ્ટ બનાવવા માટે બાગાયત વિભાગમાં સરકારી સહાય મેળવવા માટે અરજી કરેલ છે, જેમાં યુનિટ કોસ્ટ રૂા. ૬૦ હજારના ૭૫ ટકા જેટલી મળતી સહાયની રકમ અન્વયે આશરે રૂા. ૪૫ હજાર જેટલી સહાય મેળવવા માટે બાગાયત વિભાગમાં કરેલી અરજી સંદર્ભે એકાદ બે માસમાં તેની મંજૂરી સાથે યોગ્ય નિકાલ કરાશે તેવી જાણકારી પણ તેમના તરફથી પ્રાપ્ત થઇ છે. આમ, સરકારશ્રીની કૃષિ વિકાસલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણને લીધે પ્રવિણભાઇ તડવીનું જીવન ધોરણ હવે બદલાઇ ગયું છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવાને લીધે આર્થિક રીતે પણ હવે તેઓ બે પાંદડે થવાની દિશામાં ડગ માંડી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.