Western Times News

Gujarati News

સૂર્યશકિત કિશાન યોજના(સ્‍કાય) દ્વારા સોલર પેનલ થકી ખેતી કરતા નવીનભાઇ પટેલ

સોલાર પેનલથી વિજળી ઉત્‍પન્ન કરી મેળવ્‍યું આર્થિક ઉપાર્જન – જરૂરિયાત મુજબની ઊર્જાનો ખેતીમાં ઉપયોગ કરી વધારાની ઊર્જા રાજય સરકારને વેચે છે

ગુજરાત દેશના અગ્રણી ઓદ્યોગિક રાજ્‍યોમાંથી એક છે. ગુજરાત પાસે લગભગ ૩૬૫ દિવસનો સૂર્યપ્રકાશ, ૧૬૦૦ કિલોમીટર ધરાવતો દરિયા કિનારો જે પવન ઊર્જાનોસ્ત્રોત છે અને બાયો, એગ્રો, ઓદ્યોગિક એકમોના ઘન કચરા દ્વારા ઊર્જાનું સંરક્ષણનું કાર્ય કરતા એકમો છે, જ્‍યારે સૌર ઊર્જાનોસ્ત્રોત અવિરત છે, જેમાં ગુજરાતે હરણફાળ ભરી છે.

સૌર ઊર્જા એવોસ્ત્રોત છે જેના ઉપયોગથી વાતાવરણમાં કોઇ ગ્રીન હાઉસ ગેસ ઉત્‍પન્ન થતો નથી જેથી નિસુલ્‍ક ઊર્જા મેળવવાની સાથે-સાથે પર્યાવરણને નુકસાન પહોચતું નથી અને વાતાવરણ પણ સ્‍વચ્‍છ રહે છે. ગુજરાત સરકારની સૂર્યશકિત કિશાન યોજના(સ્‍કાય) દ્વારા ખુડૂતોને ખેત વપરાશ માટે તથા સોલર પેનલ દ્વારા ગ્રીડમાં વિજળી ઉત્‍પન્ન કરી આર્થિક ઉપાર્જન મેળવવા માટે સક્ષમ બનાવવા માટે સોલર પાવર યોજના શરૂ કરી છે.

આ યોજનામાં વિદ્યુત જોડાણ ધરાવતા ખુડૂતોને તેમની જરૂરીયાત અનુસાર સોલર પેનલ આપવામાં આવશે. રાજય અને કેન્‍દ્ર સરકાર ૬૦ ટકા સબસીડી આપશે. ખેડૂતે ૫ ટકા ખર્ચ અને ૩૫ ટકા તેમને ૪.૫ થી ૬ ટકા વ્‍યાજદર તરીકે ચૂકવવાનો થાય છે. આ રકમ ૭ વર્ષમાં સોલાર પેનલ થકી ઉત્‍પન્ન થતી ઊર્જાના વેચાણ થકી ચુકવવાની રહે છે. આ યોજના થકી ખેડૂત સોલાર પેનલ દ્વારા ઊર્જા ઉત્‍પન્ન કરી જરૂરિયાત મુજબની વિજળી વાપરે છે અને વધારાની ઊર્જા રાજય સરકારને વેચે છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ ગામના નવીનભાઇ પરાગભાઇ પટેલ આદિવાસી પરિવારના પ્રગતિશીલ ખેડૂત છે. ખેતીના કામમાં વિજળી અને પાણી જરૂરિયાત મુજબ ન મળે તો ખેડૂતને પાકમાં નુકશાન થવાની સંભાવના રહેતી હોય છે. નવીનભાઇના ઘરે કુવાની સુવિધા છે. પરંતુ તેમાંથી પાણી કાઢવા મોટરનો ઉપયોગ કરવો પડે છે. જેના સતત ઉપયોગથી લાઇટ બીલ વધુ આવતું હોવાથી તેની અસર પરિવારની આર્થિક સ્‍થિતી ઉપર પડવા લાગી હતી. આ માટે સરકારની સહાય લઇ સૂર્યશકિત કિશાન યોજના(સ્‍કાય) દ્વારા સોલર પેનલ યોજનાનો લાભ લેવાનો વિચાર કર્યો.

સરકારની યોજના હેઠળ ગુજરાત વિદ્યુત બોર્ડ, નાનાપોંઢા દ્વારા નગીનભાઇના ઘરે સોલારની ૧૭ પેનલો ધરાવતું સ્‍ટ્રક્‍ચર ખેતી કામ માટે ગોઠવી આપવામાં આવ્‍યું. ખેડૂતને ભાગે માત્ર ૧૩ હજાર રૂપિયા જમા કરવાના, ૬૦ ટકા સબસીડી તેમજ ત્‍યારબાદ બાકી રહેતી રકમ સોલાર સીસ્‍ટમથી ઉત્‍પન્ન થતી વિજળીના ઉત્‍પાદન થકી મળતી રકમથી ચૂકવાશે. આ યોજના હેઠળ મેળવી. સોલર પેનલ દ્વારા જનરેટ થતી વિજળી પાવર હાઉસમાં સંગ્રહ થાય, ખેતી કામ માટે ઉપયોગમાં લેવાતી વિજળી  બાદ કરતા જે વિજળી સંગ્રહ થાય તે પરત આપી તેના યુનિટ મુજબ લોનમાંથી પૈસા ઓછા થાય છે.

આ રીતે વિજળીનો ઉપયોગ ખેતી કામ માટે પણ થાય છે અને ખર્ચ પણ થતો નથી. નવીનભાઇ પહેલા ખેતી માટે વર્ષે રૂા.૨૨૦૦ થી ૨૫૦૦ જેટલું મોટરનું લાઇટ બીલ ભરતા હતા હવે ઝીરો રેટિંગ આવવાથી લાઇટ બીલનો ખર્ચ થતો નથી. નવીનભાઇના થ્રી-ફેઝ કનેકશન ઉપર ૫ કે.વી.ની સોલાર સીસ્‍ટમ લગાવવામાં આવી હોઇ દરરોજ ૨૦ થી ૨૫ યુનિટ વિજળી જનરેટ થાય છે. જેમાંથી લગભગ ચાર થી પાંચ યુનિટ ખેતીના કામમાં ઉપયોગ થાય છે અને બાકીની વિજળી જી.ઇ.બી.ને વેચે છે.

સોલર પેનલની મદદથી પૈસાની બચત થાય છે અને ખેતીના કામમાં વિજળી, પાણીની જરૂરિયાત સમયસર પુરી કરી શકાય છે. વરસાદની સીઝનમાં પણ આ યોજના થકી ખેડૂતોને વિજળીની સમસ્‍યા રહેતી નથી. નવીનભાઇની સાથે-સાથે ચીવલ ગામના અન્‍ય ૭૦ ખેડૂતો સોલર પેનલ દ્વારા જનરેટ થતી વિજળીનો ઉપયોગ ખેતી કામ માટે કરી રહ્યા છે. ચીવલ ગામના તમામ ખેડૂતો પર્યાવરણ અને ઊર્જાનુ સંરક્ષણ કરતી દુરંદેશી સરકારનો આભાર માને છે.

આમ ચીવલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા નવીનભાઇ પટેલ સોલાર પેનલ થકી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. (સંકલન- વૈશાલી જે. પરમાર, માહિતી મદદનીશ, વલસાડ.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.