Western Times News

Gujarati News

ખરાબ રસ્તાના કારણે અકસ્માત થાય તો ડ્રાઈવર કસૂરવાર ગણાશે

Files Photo

અમદાવાદ: જો ખરાબ રસ્તાના કારણે જીવલેણ અકસ્માત થાય, તો પોલીસ તેના માટે રસ્તાને નહીં પરંતુ ડ્રાઈવરને કસૂરવાર માનશે. પોલીસનો તર્ક એવો છે કે જો રસ્તો સારો ના હોય, તો ડ્રાઈવરે યોગ્ય કાળજી લઈને વાહન ચલાવવું જોઈએ. અગાઉ પોલીસ જીવલેણ અકસ્માતના કેસમાં વાહનચાલક સામે કલમ ૩૦૪-એ હેઠળ ગુનો નોંધતી હતી. જો કે હવે વાહનચાલક સામે કલમ ૩૦૪ હેઠળ સદોષ માનવવધનો ગુનો નોંધાશે.

કલમ ૩૦૪ હેઠળ નોંધાયેલો ગુનો જો સાબિત થાય તો તેમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે, અને તેમાં જામીન પણ સરળતાથી નથી મળતા. જેમાં ગુનેગારને કોઈ એક અવધિ માટે જેલની સજા થાય છે, અને તેને દસ વર્ષ સુધી લંબાવી શકાય છે, અને રોકડ દંડ પણ ભરવો પડે છે છે.

સામાન્ય રીતે આ કલમ જ્યારે વ્યક્તિ કોઈનું મોત થાય અથવા મોત થઈ શકે તેવી કોઈ હરકત જાણીજોઈને કરે ત્યારે લાગુ થતી હોય છે. જ્યારે કલમ ૩૦૪-એમાં બે વર્ષ સુધીની જેલની સજા અથવા આર્થિક દંડ કે પછી બંને થઈ શકે છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, નવા કાયદા અનુસાર વાહનચાલકે ડ્રાઈવિંગ કરતી વખતે વધુ ધ્યાન રાખવું પડશે, અને ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત રીતે પાલન કરવું પડશે. ખરાબ રસ્તા પર વાહન વધારે ઝડપથી ચલાવવાને કારણે અકસ્માત થઈ શકે તેવું જાણતો હોવા છતાં જો વાહનચાલક તેની દરકાર ના કરે તો તેની સામે આકરી સજાની જોગવાઈ ધરાવતી કલમ લાગુ થઈ શકે છે. ચાવડાએ એમ પણ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં તેમણે બાઈક પર ત્રણ સવારી જતા વ્યક્તિ સામે પણ કલમ ૩૦૪ લગાવી છે.

આ ઉપરાંત, કફ સિરપના નશામાં વાહન ચલાવી અકસ્માત કરવાના એક કેસમાં પણ કલમ ૩૦૪ લગાવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે આ મામલે જણાવ્યું હતું કે અકસ્માતના કેસમાં કલમ ૩૦૪ હેઠળ ગયા અઠવાડિયે જ કેસ નોંધાયો હતો. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ૧૮ વર્ષની એક યુવતીને એક વાહનચાલકે અડફેટે લીધી હતી. ખરાબ રસ્તા બદલ પોલીસ જવાબદાર સત્તાધીશો સામે કેમ કાયદાકીય કાર્યવાહી નથી કરતી, તે સવાલના જવાબમાં ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે સત્તાધીશો કે પછી રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી પ્રસ્થાપિત કરવામાં કાયદાકીય પ્રશ્નો ઉભા થાય તેમ છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.