Western Times News

Gujarati News

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી  તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ : CM

રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત  –કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સારવાર સબંધી પૃચ્છા કરતા મુખ્યમંત્રી- કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ

કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં અપાતી સારવાર સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીવીલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઈ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની રાત-દિવસ જોયા વગર ખડે પગે રહી સારવાર કરી રહેલા ડોક્ટરો તથા નર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે સરકારની નેમ છે, આ માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલા આ પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૪ની સુવિધા સાથે સંજીવની રથ દ્વારા ઘરે રહી સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈને તેની વિનામૂલ્યે તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં જાનની પરવા કર્યા વગર દિવસ-રાત લોકોની સેવા કરી રહેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો અને આરોગ્ય કર્મીઓને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવી આઈ.સી.યુ.માં રહેલા દર્દીઓની દિવસમાં બે વખત સીનીયર ડોક્ટરો દ્વારા વીઝીટ કરવા જણાવ્યું હતું. તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની જવાબદારી સરકાર સંનિષ્ઠતા સાથે વહન કરી રહી છે, તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત કરાવતા ડોક્ટર સંજય કાપડીયાએ હોસ્પિટલમાં ઉપસ્થિત સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ વગેરેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમને અપાતી સારવાર બાબતની વિસ્તૃત વિગતો આપી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીની રાજકોટ સિવિલ હોસ્પિટલની આ વર્ચ્યુઅલ મુલાકાત વેળાએ અગ્ર સચિવશ્રી જ્યંતિ રવી, સચિવશ્રી મીલીન્દ તોરવણે, ઉદ્યોગ કમિશ્નરશ્રી ડો. રાહુલ ગુપ્તા, કલેકટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ ઉપસ્થિત રહયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.