Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ

 

ર૬,ર૭,ર૮ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીઃ અંબાજીમાં ભારે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયાઃ ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓ છલકાવા માંડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતના કેટાલંક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડતા મુરઝાતા પાકને જીવનદાન મળતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે કચ્છમાં સુરજદાદા તપી રહ્યા છે. ભૂજમાં ગરમીનો પારો ૪૦.૪ ડીગ્રી પર પહોંચ્યો છે. અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ ર૬, ર૭, ર૮ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે.

વરસાદ પડવાને કારણે હવામાનમાં ઠંડક પ્રસરી જવાને કારણે લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે નદીઓમાં પાણીમાં વધારો થયો છે. ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ડેમોના પાણીની સપાટી ઉંચી આવી રહી છે. જળસંકટ દૂર થશે તથા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે એવી આશા સેવી રહ્યા છે.

અત્યારે જૂનાગઢ, ગીરગઢડા, સાવરકુંડલા, ધારી, ધોરાજી, અંબાજી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, તથા સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં મેહુલ્યો મન મુકીને વરસી રહ્યો છે. દ્વારકામાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  અંબાજીમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ તથા બજારોમાં પાણી ભરાતા વ્યાપાર- ધંધો ઠપ્પ થઈ જવા પામ્યો છે. દર્શનાર્થે આવેલા યાત્રિકો પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગીરગઢડામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે.


માયાનગરી મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા હજારો લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અપ-ડાઉન કરતા નોકરીયાત વર્ગ મુંબઈના પરા સ્ટેશનો પર અટવાઈ ગયા છે. પડી રહેલ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.
જ્યારે કિંગ સર્કલ પાસે પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવો બની ગયો છે. સાયનમાં પણ પાણી ભરાયા હોવાના તથા રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો પણ ધીમી ગતિએ દોડી રહી છે. કોટ વિસ્તારમાં ભારે વરસાદથી તથા પાણી ભરાતા વ્યાપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.