Western Times News

Gujarati News

અમદાવાદના વિવિધ બજારોમાં અનલોકમાં કર્મચારીઓને પૂરતો પગાર નહી મળતો હોવાની બૂમ

હજુ પણ કામ ધંધા જામ્યા નહી હોવાથી માલિકો પ૦ થી ૬પ ટકા પગાર ચૂકવી રહયા છે : પરંપરાગત કામોમાં માલિક- કર્મચારી વચ્ચે ફેમીલી પર સંબંધનો સેતુ

(પ્રતિનિધી) અમદાવાદ, કોરોનાની સૌથી ખરાબ અસર લોકોના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર પર પડી છે. અર્થતંત્ર નબળુ પડતા તેની આગામી દિવસોમાં વ્યાપક અસર વર્તાશે તેમ જાણીતા અર્થશાસ્ત્રીઓ જણાવી રહયા છે પરંતુ બજારમાં રોકડની અછત અને ખરીદ શક્તિના અભાવથી તેની અસર કામ કરતા કર્મચારીના વેતન પર થઈ રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો માણેકચોક, રતનપોળ સહિત જુદા-જુદા વિસ્તારોમાં આવેલા બજારોમાં કર્મચારીઓના વેતનને લઈને વિસંગતતા જાેવા મળી રહી છે.

સંપૂર્ણ લોકડાઉન દરમિયાન વેતન ઓછુ મળ્યુ હતુ તે માની શકાય તેવી વાત છે પરંતુ હવે છેક અનલોક-૪ની શરૂઆત થઈ ગઈ છે છતાં કાપડ, જ્વેલરી સહિતના બજારોમાં કર્મચારીઓને પૂરતો પગાર નહી મળતો હોવાની બૂમ ઉઠી રહી છે. જુદા જુદા બજારોમાં હાલમાં પ૦ થી ૬પ ટકા સુધીનો પગાર થઈ રહયો છે. તેની સાથે ૧૯ થી ર૦ દિવસ સુધીનું કામ લેવામાં આવે છે.

કર્મચારીઓનું કહેવું છે કે હવે તો બજારો ખુલી ગયા છે ઘરાકી પણ ર૦ થી રપ ટકા જેવી થઈ રહી છે તો પછી પૂરો પગાર કેમ આપવામાં આવતો નથી. કર્મચારીઓનું શોષણ થઈ રહયાની વાત સપાટી પર આવી રહી છે. જાેકે સામે પક્ષે બજારમાં દુકાનો- શો રૂમ ધરાવતા માલિકોની વાત વીચારવામાં આવે તો બે મહિના લોકડાઉનમાં કામ સંપૂર્ણ બંધ હતુ. એક રૂપિયાની પણ આવક ન હતી તેમ છતાં કર્મચારીઓના કુટુંબનું ભરણપોષણ થાય તે હેતુથી માલિકોએ અડધો પગાર પણ આપ્યો હતો.

તો વળી અમુક લોકોએ તો પૂરો પગાર કર્યો હતો ત્યાર પછી તહેવારો ગયા પણ ગ્રાહકો આવ્યા જ નહી. પરિણામે માલિકોને આવકના સ્ત્રોત કરતા ખર્ચા વધી ગયા હતાં હજુ પણ સ્થિતિમાં સુધાર થયો નથી પરંતુ આગામી દિવસોમાં કેટલાક માલિકો કે જે ૬પ ટકા સુધીનો પગાર કર્મચારીઓને આપે છે તેઓ ૭પ ટકા સુધી આપવાનું વિચારી રહયા છે સામે પક્ષે કર્મચારીઓનું કહેવુ છે કે કમસે કમ ૮૦ ટકા પગાર તો થવો જાેઈએ. પૂરો પગાર ન મળે તો ઘર કઈ રીતે ચલાવવું ?

અમદાવાદના વિવિધ બજારોમાં માલિકો- કર્મચારીઓ વચ્ચે ધીમે-ધીમે અંતર વધી રહયુ હોય તેવી પ્રતિતી થઈ રહી છે. કોરોના કાળમાં નોકરીઓ નથી લોકો બેકાર રખડી રહયા છે. ધંધા પાણી જાેઈએ તેવા જામ્યા નથી ત્યારે કર્મચારીઓએ પરિસ્થિતિને સમજીને ચાલવામાં શાણપણ છે તો માલિકો કે જેમની પાછળ કર્મચારીઓએ રાત-દિવસ કામ કર્યુ છે તેની સ્થિતિનો ખ્યાલ પણ માલિકોએ રાખવો પડશે કારણ કે આપણે ત્યાં પરંપરાગત કામકાજના સ્થળોએ માલિક- કર્મચારીઓ વચ્ચે ફેમીલી પર સંબંધનો સેતુ હોય છે આ સેતુ એકબીજાના પર્યાય તથા ટેકાથી ટકી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.