Western Times News

Gujarati News

રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ ઇસરી પી.આઈ આર.આર તાવીયાડને સસ્પેન્ડ કરતા પોલીસેબેડામાં ખળભળાટ

હત્યા થયેલ મૃતક યુવક જીવીત હોવાના કેસમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લીના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. અને તેમાં બે સગા ભાઈની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, પાંચ મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી હતી ખરેખર જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલ મૃતદેહ કોનો એ અંગે રહસ્ય છુપાયેલ જોવા મળ્યું છે સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા ઇસરી પોલીસ નવેસરથી તપાસમાં લાગી ગઈ હતી

ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ તાપસ થશે કે નહિ…? ની ચર્ચા વચ્ચે નવનિયુક્ત રેન્જ આઈ જી અભય ચુડાસમાએ અરવલ્લીના ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.તાવીયાડે હત્યાનો ગુન્હો ઉકેલવામાં કરેલી ગંભીર બેદરકારી દાખવી હોવાનું ફલીત થતા પીઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અરવલ્લીના ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટલ હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલ લખાણ અને જમણા પગમાં સળીયો નાખેલ હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રાસતાપાલ ગામના ઈશ્વર મનાતનો હોવાનું સામે આવ્યું હતું. અને સમગ્ર બાબતે ઇસરી પોલીસે મૃતકના સગા ભાઈઓને હત્યાના આરોપી બનાવી મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમવિધિ કરી બંને સગા ભાઈઓને જેલમાં ધકેલી દઈ સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો.

પરંતુ આ ઘટનાને પાંચ મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા અને સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો. પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું કબૂલ્યું હતું કે કેમ.તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું

મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પાંચ મહિના ગુમ રહેવા મામલે ઈશ્વરે ત્યારે જણાવ્યું કે, હું મજૂરીકામ અર્થે જૂનાગઢ ગયો હતો અને લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. તો મારી જગ્યાએ મારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે અને ખોટી રીતે હત્યા કરી હોવાની કબૂલાત કરાવી છે. તો આ મામલે ઈશ્વરના ભાઈઓએ પણ જણાવ્યું કે, ઇસરી પોલીસે ગાડીમાં લઈ જઈ માર મારી હત્યા કરી હોવાનું કબૂલવા મજબૂર કર્યા હતા.

સમગ્ર મામલે ઈસરી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી અને હત્યાનો ભેદ ઉકેલવાની લાહ્યમાં કાચું કાપી નાખ્યું હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ ઈસરી પી આઈ આર.આર.તાવીયાડને ફરજ મોકૂફ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.