Western Times News

Gujarati News

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટના કોવીડ અને કેન્સરના દર્દીઓના  લાભાર્થે આરોગ્ય સેવાલક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડીકલક્ષેત્રે નવા આવિષ્કારો અને સંશોધન થકી અદ્યતન સારવાર આપવાની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પીટલનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમ સાથે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલ, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કોવિડ ઓટોપ્સી સેન્ટર, રાજ્યની ફિઝીયોથેરાપી કોલેજોમાં પોસ્ટ કોવિડ કાર્ડિયેક  અને પલ્મોનરી રીહેબીલીટેશન  તાલીમ કાર્યક્રમ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક લિનિયર એક્સીલિરેટર તથા સિટી સિમ્યૂલેટર મશીનોનું ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ વેળા એ સ્પષ્ટ કહ્યુ હતું કે, વૈશ્વિક મહામારીમાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત તબીબો અને લોકોના સહકારથી સંક્રમણને ખાળવામાં મહદઅંશે સફળ રહ્યુ છે. કોરોનાની અદ્યતન સારવાર અને નિદાનની વ્યાપક કામગીરીને લીધે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે રોલમોઙલ તરિકે પ્રસ્થાપિત થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેવાયેલા પગલાની જાણકારી આપી જણાવ્યું હતું કે, ગુજરાતનો રિકવરી રેટ ૮૨ ટકા થયો છે. મૃત્યુ દર પહેલા ૭ ટકા હતો તે ઘટીને ૨.૯ ટકા થયો છે જ્યારે પોઝિટીવીટી રેટ ૧૦ ટકામાંથી ઘટીને ૩.૫ ટકા થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે એક જ અઠવાડીયામાં ઉભી કરાયેલી ૨૦૦ બેડની અદ્યતન હોસ્પિટલને લીધે હવે કોરોનાના એકપણ દર્દીને સારવારમાં મુશ્કેલી નહી પડે તેમ જણાવ્યું હતું.

રાજકોટમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની પણ સગવડતા છે અને ૨૦૨૨ પહેલા એઈમ્સ હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. એટલે આવનારા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં  શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળતી થશે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના સંકલન હેઠળ અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનમાં અસરકારક કામગીરી થઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત મેડીકલ ક્ષેત્રે સંશોધનમાં અગ્રેસર છે તેમ જણાવીને વધુમાં કહ્યુ કે, રાજકોટમાં શરૂ થયેલા ભારતના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટર થકી કોરોના સંક્રમિત મૃતદેહના અંગો પર થતી અસરને જાણવા તેના પૃથ્થકરણ અભ્યાસો થકી નવો માઈલસ્ટોન સાબિત થશે.

તેમણે કહ્યું કે રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના લોકો અહી સારવાર માટે આવતા હોય છે ત્યારે તેમને કેન્સર જેવા જટિલ રોગની સારવાર સરળતાએ મળી રહે તેવા ધ્યેય સાથે  સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સારવાર સુવિધાના મશીન આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા માટે સતત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેની પૂર્વતૈયારીના ભાગરૂપે આધુનિક સુવિધાથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ઉત્તમ સારવાર મળી રહેશે, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર નિદાન માટે લોકોને અમદાવાદ ખાતે જવું પડતું હતું. હવે રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન ઉપલબ્ધ થતા આ આધુનિક મશીનનો લાભ આ પ્રદેશ સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઘરઆંગણે મળશે. કેન્સરની સારવાર અહી વિનામૂલ્યે કરવામાં આવશે તેમ પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમિત વ્યકિતના મૃત્યુ બાદ તેના સગાસંબંધીની અનુમતિથી કરવામાં આવનાર ઓટોપ્સી તબીબી સંશોધન માટે ઘણી ઉપયોગી બનશે. આ સંશોધનના આધારે અન્યોને નવજીવન બક્ષવામાં મદદ મળશે.

આ ચાર પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે અગ્ર સચિવ શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની દિર્ધદૃષ્ટિના કારણે કોરોનાના સામે બાથ ભીડવા ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલની સાથે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે જરૂરી આધુનિક લીનીયર એક્સીલેટર, બ્રેકીથેરાપી મશીન અને સિટી સિમ્યુલેટર જેવા મશીન ઘણાં ઉપયોગી થશે, ઉપરાંત રાજ્યની તમામ સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપી – પોસ્ટ કોવિડ રિહેબીલીટેશન સેન્ટરની તાલીમ અપાશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યામોહને શાબ્દિક સ્વાગત અને મેડીકલ સુપ્રિટેન્ડન્ટ અંજના ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.   આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરી, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, શાશકપક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગળ, નોડલ ઓફિસરશ્રી રાહુલ ગુપ્તા, આરોગ્ય નિયામક શ્રી જે.ડી.દેસાઈ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી શ્વેતા ટીઓટીઆ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલ રાણાવાસિયા, ડી.આર.ડી.ઓ.ના નિયામક શ્રી જે.કે.પટેલ, મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધૃવ, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ,અને અગ્રણી શ્રી નિતિનભાઈ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મિરાણી તેમજ મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો, તબીબો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.