Western Times News

Gujarati News

આંગણવાડીના ભૂલકાઓમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેની કાળજી લેતી માંડવી તાલુકાના કેવડી ગામની બહેનો

આંગણવાડીના બાળકોના શારીરિકમાનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાખવાનું  મહત્વનું કાર્ય કરતી બહેનોને રાજ્ય સરકારે માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરી છેઃ

સુરતઃ શુક્રવારઃ- આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓના જીવનમાં શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાખવાનું મહત્વનું કાર્ય કરતી આંગણવાડીની તેડાગર-કાર્યકર બહેનો શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરાય છે.

આંગણવાડીના બાળકોનો સ્વચ્છ અને સંસ્કારી વાતાવરણમાં ઉછેર થાય તે માટે પ્રત્યેક બાળકની માવજત કરીએ છીએ: યશોદા એવોર્ડ વિજેતા ગીતાબેન વસાવા

ગ્રામ્ય વિસ્તારમાં નાના ભૂલકાઓની માતા તરીકેની તમામ કાળજી લઈને આંગણવાડીની બહેનોને યશસ્વી કામગીરી કરવા બદલ તાજેતરમાં વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માતા યશોદા એવોર્ડ આપીને સન્માનિત કરાઈ  હતી. માંડવી તાલુકાના કેવડી ખાતેની આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર શ્રીમતિ ગીતાબેન રમેશભાઈ વસાવાને રૂા.૨૧ હજારની તથા તેડાગર વર્ષાબેન દિલિપભાઈ વસાવાને રૂા.૧૧ હજારની ધનરાશિ સાથે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

ગીતાબેન કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાં સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમો બન્ને બહેનો આંગણવાડીમાં આવતા દરેક ભુલકાઓને સમયસર પોષણયુકત આહારની સાથે નિયમિતાની કાળજી લઈએ છીએ. કયું બાળક આંગણવાડી આવતું નથી, જો ન આવતું હોય તો ઘરે જઈને તપાસ કરીએ છીએ. આંગણવાડીમાં કોઈ પણ બાળક જો બિમાર હોય તો તત્કાલ તેમના ઘરે પરિવારજનોને જણાવીને દવાખાને લઈ જવામાં પણ મદદ કરીએ છીએ. તેડાગર બહેન શ્રીમતિ વર્ષાબેન વસાવાએ કહ્યું કે, આંગણવાડીના બાળકોમાં સ્વચ્છતાના ગુણોનું સિંચન થાય, સંસ્કારી વાતાવરણમાં ઉછેર થાય તે રીતે પ્રત્યેક બાળકની અમે માવજત કરીએ છીએ. તેમજ બાળકોને નિયમિત રોગ પ્રતિકારક રસીઓ આપવા માટેની પણ વિશેષ કાળજીઓ લઈએ છીએ. ગામમાં આઈ.સી.ડી.એસ.ની વિવિધ સરકારની યોજનાઓ વિશે પણ જાણકારી આપીએ છીએ.

તેડાગર બહેન વર્ષાબેન વસાવા જણાવે છે કે, તેડાગર બહેનો બાળકોને લઇ જાય અને ઘરે મૂકી જાય છે, જેથી બાળકોના પરિવારને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. રાજ્ય સરકાર બાળકોની દેખરેખ તેના શિક્ષણ, આરોગ્ય માટે અત્યંત કાળજી લે છે, જેમાં અમે પણ યોગદાન આપીને ગૌરવ અનુભવીએ છીએ.

નોંધનીય છે કે,સુરત જિલ્લાંની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નિયમિત બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, છ મહિના પૂર્ણ કરેલા બાળકનાં શરીરને પોષણ મળી રહે તે માટે ધાત્રી માતાઓ માટે નિયમિત આહાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહેવાલઃ મહેન્દ્ર વેકરિયા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.