Western Times News

Gujarati News

આઈએનએસ વિરાટ જહાજ ભાવનગર ખાતે પહોંચી ગયું

ભાવનગર: સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવનાર છે. ત્યારે ૨૪ હજાર ટનનું વિમાન વાહક જહાજ આઈએનએસ વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધ જહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે. બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર આવવા રવાના થયું હતું. જે આજે પહોંચી જશે. બે મહિના સુધી તેનું ભંગાણ કામ ચાલશે. ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે આઈએનએસ વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થઈ હતી.

અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં આઈએનએસ વિરાટ કેરિયરને ૨૬ કરોડમાં ખરીદ્યું હતું. અલંગ પ્લોટ ૮૧માં આ જહાજને ભાંગવામાં આવશે. લિગલ પ્રોસેસ બાદ તે મુંબઈથી ભાવનગર તરફ આવવા રવાના થયું હતું. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ ૬ માર્ચ, ૨૦૧૭ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં ૨૫ વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું.

જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે. એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ ૧૯૫૯થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. ૧૯૮૦ના દાયકામાં ભારતીય નૌસેનાએ તેને સાડા છ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને ૧૨ મે, ૧૯૮૭ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.