Western Times News

Gujarati News

ઘર બાળીને તીરથ કરાય ?

જીવનમાં જીવવા તથા સમાજમાં પોતાનો મોભો સાચવવા સારું ખરીદી કરવા ખર્ચ તો કરવો પડે પરંતુ અમુક લોકોને ખર્ચાે કરવાનો શોખ હોય છે અને પોતાનો શોખ શોષવા આવક સામે જાેયા વગર આડેધડ પૈસા વાપરીને પસ્તાતા રહે છે. માનવીએ પોતાની પથારીની બહાર પગ લંબાવવો ન જાેઈએ. આવક પ્રમાણે જાવક રાખીને ખર્ચ કરવો એ બુદ્ધિમાન હોવાનું પ્રમાણ મળી રહે છે. આવકમાંથી થોડી બચત બાજુ પર રાખીને ખર્ચ કરવો એ શાણા ગૃહસ્થોની નિશાની છે જેથી આપત્તિ સમયે તે બચત પોતાને જ કામ આવે છે.

દુનિયામાં માન મોટાઈ દેખાવ કે દબાણથી આવક કરતા જાવક વધારતા પોતે ખાડામાં ઉતરતો જાય છે તે શરૂઆતમાં તેને ખબર પડતી નથી પરંતુ જ્યારે તે હદ વટાવી જાય છે પછી તેને તથા તેના કુટુંબીજનોને પસ્તાવાનો વારો આવે છે. દાનાદિ કાર્યાે પણ યથાશક્તિ જેટલા કરવા જેથી કાર્ય કર્યા પછી ભાવના ટકી રહે તથા બીજી વખત સત્કાર્યાે કરવાનું મન થાય.
જ્યારે પોતાની આવક કરતાં જાવક વધી જાય છે ત્યારે માનવીનું મન ખોટી રીતે પૈસા કમાવવા, વૈભવી ચીજાે વસાવવાની દોડ વધી રહી છે. માનવી વૈભવી ચીજાે પાછળ એ એની ઈચ્છાથી દોડતો નથી પરંતુ બીજાને જાેઈને દોડે છે.

બીજાઓની દેખાદેખીમાં માનવી પોતાનું ઘર ભૂલી જાય છે. કોઈનો મહેલ જાેઈ પોતાનું ઝૂંપડું બાળવું ન જાેઈએ. આજકાલ ઘણા લોકો પોતાના શોખ પોષવા બેંકોમાંથી લોન તથા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પૈસા પછીથી ભરાશે તેવા વિચારો કરી તથા અમુક લોકો ગાડી ખરીદવા અથવા વૈભવી મસમોટી તથા કિંમતી ચીજાે ખરીદવા શરાફ પાસેથી લોન લઈને સંતોષ માને છે. આજકાલ ઘણા લોકો વિવિધ બેંકનાં ક્રેડિટ કાર્ડ રાખી ખર્ચા કરે છે. જેથી ૩૦થી ૪૫ દિવસની સુગમતા મળતા ઘણી વખત ન લેવાની વસ્તુઓ ખરીદવાનું પ્રલોભન રોકી શકતા નથી અને જ્યારે બેંકમાં પૈસા ભરવાના દિવસે વધારેને વધારે નાણાભીડમાં આવતા તકલીફમાં મુકાઈ જાય છે. માનવીને દારૂ, જુગાર, સિગારેટ, તમાકુ, વૈશ્યા કે હોટલોમાં ખાવાપીવા કે જિંદગીનું વ્યસન લાગતા તેવા વ્યસનોનો ગુલામ થતા પોતાની જાતને ખર્ચાે કરતા અટકાવી શકતો નથી.

‘રે રે ! પડી લત વ્યસનની મુુજને, બની ગયો ગુલામ હું એનો, ભૂલી ગયો મુજને આવકને, બની ગયો હું પાયમાલ.’

વ્યાજે પૈસા લઈ ખરીદી કરે અને વ્યાજ પર લીધેલા પૈસા ચૂકવવા બીજી લોન લેતો જ જાય છે અને અમુક લોકો એકની ટોપી બીજા પર ફેરવતા ફેરવતા તે કોઈક વખત ચારેબાજુથી એવો ઝડપાઈ જાય છે ત્યારે તે આપઘાત કરવા પણ પ્રેરાય છે અને તે તો મરતો જાય પરંતુ પોતાના પરિવારને પારાવાર મુશ્કેલીમાં મુકતો જાય છે. પરિવારનાં વડીલે જ પોતાના સભ્યોને સમજાવી સંકલ્પ કરાવવો જાેઈએ કે કોઈપણ કારણ વગર ખોટો ખર્ચાે કરવો ન જાેઈએ.

જે લોકો આવકને ધ્યાનમાં રાખીને જાવકનું આયોજન કરે છે તેઓ દુઃખી થતા નથી. પરંતુ આવકને ધ્યાનમાં ન રાખીને જાવક કરવામાં તેઓ ઘણુ ગુમાવતા રહે છે અને છેવટે પારાવાર તકલીફમાં મૂકાઈ જાય છે. સામાજિક પ્રસંગો હોય કે તહેવારો હોય કે ધાર્મિક ક્રિયા હોય દરેક માનવી પોતાનું ઘર જાેઈને જ ખર્ચાે કરે તો તેઓ ભવિષ્યમાં નિરાશા અનુભવતા નથી.

આજકાલ વિવિધ બજારોમાં ઘણી પેઢીઓ ઉઠતી જાય છે ને તે સાથે સાથે બીજાને પૈસા ચૂકવી ન શકા બીજાઓને પણ ઉઠાડી દે છે. આ જમાનામાં અમુક લોકો ગામને દેખાડો કરવા આડેધડ પૈસા ખર્ચી પોતાનું જીવન લીલા લહેર કરી જીવે છે તથા લોકોમાં દેખાડો કરીને પોતે આનંદ અનુભવે છે. ઘણી વખત બીજાનાં લીધેલા પૈસા પરત ન કરતા બેશરમ પણ બની જાય છે.

ઉડાઉ માનવીના ખિસ્સા હરહંમેશ ખાલીખમ જ રહેતા હોય છે. ઘરમાં નગદ નહિવત રહેતા કે બેંકમાં પોતાના ખાતામાં પૈસા ન રહેવાથી અણધાર્યા ખર્ચા કે માંદગી આવતા તે ખર્ચાને પહોંચી વળવા અસમર્થ રહેતા હોય છે અને હરહંમેશ બીજા પાસે હાથ લંબાવવો પડતો હોય છે. વ્યક્તિઓએ પોતાના જીવન જરૂરિયાત પ્રમાણે ખર્ચાે તો કરવો પડતો હોય છે. પણ આડેધડ ખર્ચાે કરતા પોતાની આવક કરતા જ્યારે જાવકનું પલ્લું ભારે થઈ જતાં તેને વ્યાજે પૈસા લેવા પડતાં હોય છે અને તે વ્યક્તિ વ્યાજરૂપી કાદવકીચડમાં વધારેને વધારે ખૂંપતો જતો હોય છે અને છેવટે તેને કોઈક વખત આપઘાત કરવાનો વારો આવે કે પોતાને સમાજમાં નાદારી નોંધાવવાનો વિચાર કરવો પડે.

સામાજિક વ્યવહાર, ભણતર, માંદગી, જીવન જરૂરિયાત, કપડા, મકાન, રોટીનો ખર્ચાે થતો જ રહેવાનો પરંતુ તે બાદ કરતા બીજા વિવિધ ખર્ચા જેવા કે ધર્માદા રમતગમત, ઈત્તર પ્રવૃત્તિ, મનોરંજન, પર્યટનમાં ફરવા જવાનો ખર્ચાે સમજી વિચારીને કરવાથી તે વ્યક્તિ જાવક પર અંકુશ રાખી સકે છે. અલબત્ત આવક વધારે હોય તો ખર્ચાે કરવામાં તકલીફ પડતી નથી. પરંતુ આર્થિક સમસ્યામાં બચત બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પથારીની બહાર પગ ન લંબાવાય તેવી જ રીતે આવક કરતા જાવક વધારવી ન જાેઈએ. આવકની ગણતરી મનમાં રાખીને જ ખર્ચી કરવાની જે મઝા આવે છે તે અનેરી હોય છે. ખોટો ખર્ચાે કરતા પોતાના પરિવારનાં સંતાનોમાં પણ તે જ સંસ્કાર પડતા તે બાળકો ભવિષ્યમાં માનસિક તાણમાં સપડાય છે કે આર્થિક સમસ્યામાં ઝડપાય છે.

આજની કાતિલ મોંઘવારીના જમાનામાં લોકોએ સમજી વિચારીને ભવિષ્યનો પણ ખ્યાલ રાખીને વર્તમાન પરિસ્થિતિમાંથી પસાર થતા શીખવું જાેઈએ. પૈસો હોય અને વાપરવે જાેઈએ પરંતુ આડેધડ વાપરતા પોતાનું ભવિષ્ય અંધકારમય બની શકે છે તથા છોકરાઓનાં સંસ્કાર પર અવળી અસર થાય છે. આવક કરતા જાવક ઓછી રાખવાથી બચત થતાં ભવિષ્યનાં આવનારા ધાર્યા કે અણધાર્યા ખર્ચાનો સામનો કરી શકાય છે. વર્તમાનમાં કરેલી બચત ભવિષ્યમાં ફાયદાકારક બની રહે છે. બચત ફિક્ત ડિપોઝીટ, સેવિંગ્સ ખાતામાં, પી.પી.એફ., ઘર-જમીન કે ઝવેરાત, શેરોમાં તથા એલ.આઈ.સી.પોલીસી દ્વારા કરી શકાય છે.

જેથી ભવિષ્યમાં તાત્કાલિક જરૂર ઉભી થતાં રોકાણ કરેલ પૈસા પોતાને પરત મળી શકે છે અને ભવિષ્યમાં ચિંતા ન રહેતાં માનસિક શાંતિ તથા શારીરિક તંદુરસ્તી સચવાઈ રહે છે અને પોતાની હયાતી બાદ પણ પોતાના પરિવારના સભ્યોને તકલીફ પડતી નથી. તીર્થ કરવા સારું પોતાનું ઘર કે ઘરવખરી અથવા રાચરચિલું વેચીને ન જવાય. સારું કે સામાજિક કાર્ય કરવા પોતાના સંજાેગો જાેઈને જ અનુસરવું જાેઈએ નહિંતર કોઈ દિવસ પોતે સમાજમાંથી ફેંકાઈ પણ જઈ શકે છે. સંજાેગોનુસાર કોઈપણ સારું કાર્ય કરવામાં વાંધો નહીં આવે. આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાંખવો એ એક સરળ ઉપાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.