Western Times News

Gujarati News

રાહુલની સદીથી પંજાબ સામે બેંગ્લોરનો ૯૭ રને પરાજય

દુબઈ: કેપ્ટન કે એલ રાહુલની શાનદાર સેન્ચુરી બાદ રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિનની શાનદાર બોલિંગથી કિંગ્સ ઈલેવન પંજાબે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ ૨૦૨૦ની છઠ્ઠી મેચમાં ૯૭ રનથી મોટો પરાજય આપીને મેચ સરળતાથી જીતી લીધી. પંજાબે આપેલા ૨૦૭ રનના વિશાળ ટાર્ગેટ સામે વિરાટની આખી ટીમ ૧૭ ઓવરમાં ફક્ત ૧૦૯ રન પર સમેટાઈ ગઈ. ટીમના ચાર જ બેટ્‌સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા. આની સાથે જ પંજાબે આ સિઝનની સૌથી મોટી જીત મેળવી છે.

૨૦૭ રનના ટાર્ગેટનું પ્રેશર પહેલી ઓવરથી આરસીબીના બેટ્‌સમેનો પર દેખાવાનું શરૂ થઈ ગયું, પ્રથમ ઓવરના ચોથા બોલ દેવદત્ત પડીક્કલ (૧) ત્યારબાદ બીજી ઓવરમાં જોશ ફિલિપ (૦) અને ત્રીજી ઓવરમાં કેપ્ટન કોહલી (૧)ની વિકેટો પડી જતા બેંગ્લોર મેચમાંથી લગભગ બહાર થઈ ગયું હતું.
એરોન ફિન્ચ (૨૦), એબી ડિ વિલિયર્સ (૨૮) અને વૉશિંગ્ટન સુંદર(૩૦)એ ટીમને થોડી સ્થિરતા જરૂર આપી પણ જીતના કોઈ ચાન્સ જગાવી શક્યા નહીં. સમયાંતરે વિકેટો પડતી ગઈ અને ૩ ઓવર બાકી રહેતા જ આખી ટીમ ૧૦૯ રનના સ્કોર પર ઢગલો થઈ ગઈ. પંજાબના બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિને ૩-૩ અને શેલ્ડન કૉટરેલે બે વિકેટો ઝડપી હતી.

અગાઉ  કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પંજાબના ઓપનર્સ મયંક અગ્રવાલ અને કે એલ રાહુલે આ ર્નિણયને ખોટો પાડતા પ્રથમ વિકેટ માટે ૫૭ રન જોડ્યા. મયંક (૨૬)ના આઉટ થઈ ગયા બાદ રાહુલે નિકોલસ પૂરન સાથે પણ ૫૭ રનની ભાગીદારી નોંધાવી. આમાં પૂરનનું યોગદાન માત્ર ૧૭ રનનું જ રહ્યું. પૂરન અને ગ્લેન મેક્સવેલના આઉટ થયા બાદ કે એલ રાહુલની અસલ બેટિંગ જોવા મળી. તેણે જોતજોતામાં આ સિઝનની પ્રથમ સદી ફટકારી દીધી.

રાહુલની આક્રમકતાનો અંદાજ એ વાતથી લગાવી શખયા છે કે, જ્યારે ગ્લેન મેક્સવેલ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર ૩ વિકેટે ૧૨૮ રન હતા અને ૧૫.૨ ઓવર થઈ ચૂકી હતી. બાકીની ૪.૪ ઓવરમાં પંજાબની ટીમે ૭૮ રન ઝૂડ્યા હતા અને આમાંથી કરુણ નાયરે માત્ર ૧૫ રન બનાવ્યા હતા. છેલ્લી બે જ ઓવરમાં પંજાબે ૪૯ રન ઝૂડી કાઢ્યા હતા. રાહુલે આઈપીએલ કરિયરમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ નોંધાવી લીધો. બેંગ્લોરની બોલિંગની વાત કરીએ તો શિવમ દુબે ૨ વિકેટ ઝડપીને સૌથી સફળ બોલર રહ્યો જ્યારે ડેલ સ્ટેન ૪ ઓવરમાં ૫૭ રન સાથે સૌથી ખર્ચાળ બોલર રહ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.