Western Times News

Gujarati News

આઈપીએલમાં ફરી એક વખત મેચ ફિકસિંગનું ભૂત ધુણ્યુ

વિશ્વભરના ક્રિકેટ એસોસીએશનોમાં સૌથી વધુ ધનાઢય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે ભારતમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા તથા વિશ્વભરના ક્રિકેટ રસિયાઓ માટે બીસીસીઆઈ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આઈપીએલ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સિવાય તમામ દેશોના જાણીતા ક્રિકેટરો રમી રહયા છે ક્રિકેટરોને પણ આ ટુર્નામેન્ટમાં રમવા માટે અઢળક રૂપિયા મળતા હોવાથી આઈપીએલમાં ભાગ લેવા માટે વિશ્વભરના ક્રિકેટરો ભારે ઉત્સાહિત હોય છે. આઈપીએલ ટુર્નામેન્ટની સમકક્ષ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડીઝ જેવા દેશો પણ ટુર્નામેન્ટો રમાડી રહયા છે પરંતુ આઈપીએલ જેટલી પ્રસિધ્ધિ એક પણ ક્રિકેટ ટુર્નામેન્ટને મળતી નથી.

આઈપીએલ ટુર્નામેન્ટમાં રમતા ક્રિકેટરો પોતાનું કૌશલ બતાવી નેશનલ ટીમમાં સમાવેશ થતા હોય છે. ભારતને પણ આઈપીએલ ટુર્નામેન્ટમાંથી કેટલાક યુવા ખેલાડીઓ મળ્યા છે પરંતુ આઈપીએલ ટુર્નામેન્ટમાં મેચ ફિકસિંગ સહિતની અનેક ચોંકાવનારી વિગતો ભુતકાળમાં બહાર આવી હતી જેના પગલે ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. વિશ્વભરના દેશોમાં કોરોના ફેલાયેલો હોવાથી આ વખતે બીસીસીઆઈ દ્વારા યુએઈમાં આઈપીએલ રમાડવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે ટુર્નામેન્ટ હજુ શરૂ થઈ છે ત્યાંજ બુકીએ એક ક્રિકેટરનો સંપર્ક સાંધ્યો હોવાની વિગતો બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે.

બીસીસીઆઈના એન્ટીકરપ્શન યુનિટ દ્વારા આ અંગે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટુંક સમયમાં જ કાર્યવાહી કરવાનો નિર્દેશ અપાયો છે. અગાઉ ર૦૧૩ના વર્ષમાં દિલ્હી પોલીસે આઈપીએલમાં મેચ ફિકસિંગના ષડયંત્રનો પર્દાફાશ કરી ત્રણ ક્રિકેટરોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ઉપર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે જયારે આ વખતે પણ એક ક્રિકેટર બુકીના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો મળતાં જ શું કાર્યવાહી કરવામાં આવે છે

તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા પર આ વર્ષે કોરોના કાળના કારણે અનિશ્ચિતતાના વાદળો છવાયા હતાં પરંતુ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ન્યુઝીલેન્ડ સહિતના દેશોના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષો સાથે ચર્ચા કરી હતી જેમાં યુએઈમાં ક્રિકેટરો માટે ખુબ જ સલામત જગ્યા જણાતા આખરે યુએઈમાં આઈપીએલ ટુર્નામેન્ટ રમાડવાનો નિર્ણય કર્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓએ દરેક ક્રિકેટરોની સલામતી માટે પુરતી તકેદારી રાખવાની ખાતરી આપવામાં આવી હતી જેના પગલે આઈપીએલ ટુર્નામેન્ટ ભારતમાંથી ખસેડી યુએઈમાં રમાડવામાં આવી રહી છે

દેશભરના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન મળે તથા તેમની પ્રગતિ માટે આ ટુર્નામેન્ટ યોજાતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ દરેક ટીમમાં પાંચ જેટલા વિદેશી ખેલાડીઓને રમવાની મંજુરી આપવામાં આવેલી છે જેના પગલે અન્ય દેશોના જાણીતા ક્રિકેટરો પણ આઈપીએલ ટુર્નામેન્ટમાં રમી રહયા છે. આઈપીએલ ટુર્નામેન્ટ માટે દરેક ટીમના માલિકો દ્વારા ખેલાડીઓને ખરીદવા માટે બોલી લગાવવામાં આવે છે અને તેમાં ક્રિકેટરોને નાણાંકીય વળતર મળી રહયું છે. આઈપીએલ ટુર્નામેન્ટ પ્રારંભથી જ ખુબ લોકપ્રિય બની ગઈ છે.

અગાઉ આઈપીએલ ટુર્નામેન્ટમાં કેટલાક વિવાદ સર્જાયા હતાં ખાસ કરીને મેચ ફિકસિંગના કારણે આઈપીએલ ટુર્નામેન્ટ પર કાળી ટીલી લાગી હતી. દિલ્હી પોલીસે ર૦૧૩ના વર્ષમાં આઈપીએલ ટુર્નામેન્ટમાં મેચ ફિકસિંગના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો ચોકકસ વિગતો અને મજબુત પુરાવાના આધારે દિલ્હી પોલીસે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ શ્રીસંત, અજીત ચંડીલા અને અંકિત ચૌહાણની ધરપકડ કરી હતી આ ત્રણેય ખેલાડીઓની પુછપરછમાં મેચ ફિકસિંગની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આઈપીએલ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ દ્વારા મેચ ફિકસિંગ થવાની ઘટના બાદ ટીમના માલિકો સામે પણ શંકાની સોય ચીંધાઈ હતી.


રાજસ્થાન રોયલ્સના એક સમયના ભાગીદાર અને જાણીતા ઉદ્યોગપતિ રાજકુદ્રા તથા ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકના સંબંધીની પણ મેચ ફિકસિંગમાં ભુમિકા બહાર આવતા ભારે સનસનાટી મચી ગઈ હતી જેના પગલે આ બંને ટીમોને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ આઈપીએલમાં મેચ ફિકસિંગ થતું હોવાની લોકોમાં ચર્ચા થવા લાગી હતી આ ઘટના બાદ ટુર્નામેન્ટની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે બીસીસીઆઈ દ્વારા મહત્વપૂર્ણ પગલાંઓ ભરવાની શરૂઆત કરવામાં આવી છે ર૦૧૩ના વર્ષ બાદ આઈપીએલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ટીમ સાથે સંકળાયેલા અન્ય લોકો પણ સતત રડારમાં રહેતા હોવાથી છેલ્લા બે ત્રણ વર્ષથી મેચ ફિકસિંગની વાતો લોકો ભુલવા લાગ્યા હતાં.

આઈપીએલ ટુર્નામેન્ટ વિશ્વભરમાં ખુબજ પ્રસિધ્ધ બની ગઈ છે પરંતુ નગ્ન સત્ય એ પણ છે કે આઈપીએલ ટુર્નામેન્ટના કારણે ભારત દેશમાં સટ્ટા બજાર ખૂબ જ ફુલ્યુ ફાલ્યુ છે આઈપીએલની દરેક મેચો પર કરોડોનો સટ્ટો રમાઈ રહયો છે આ વાતાવરણમાં આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ દેશભરની પોલીસ એલર્ટ થઈ જતી હોય છે ખાસ કરીને સાયબર ક્રાઈમ દ્વારા તમામ સોશિયલ મીડિયાઓ પર નજર રાખવામાં આવતી હોય છે. સટ્ટોડિયાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવી સટ્ટો રમાડવામાં આવતો હોવાથી પોલીસ તંત્ર પણ વામણુ પુરવાર થઈ રહયું છે.

આઈપીએલ ટુર્નામેન્ટ ક્રિકેટ જગતમાં ખુબજ આકર્ષણ રૂપ છે પરંતુ તેની સાથે સાથે સટ્ટા બજારમાં પણ હવે તે હોટ ફેવરિટ બનવા લાગ્યું છે. આઈપીએલ શરૂ થતાંની સાથે જ ઠેરઠેર સટ્ટાબજારની હાટડીઓ શરૂ થઈ જાય છે.
આ વખતે ભારત દેશમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતાં બીસીસીઆઈ દ્વારા યુએઈમાં આઈપીએલ ટુર્નામેન્ટ રમાડવાનો નિર્ણય કરાયો છે. અગાઉ વન-ડે મેચ માટે શારજહાનું સ્ટેડિયમ હોટ ફેવરિટ મનાતું હતું આ મેદાન ઉપર સૌથી વધુ વન-ડે મેચો રમાયેલી છે પરંતુ સટ્ટાખોરીના કારણે ભારતે શારજાહમાં ક્રિકેટ મેચો રમવાનો ઈન્કાર કરી દીધો છે

પરંતુ કોરોના કાળમાં આઈપીએલ ટુર્નામેન્ટ યુએઈમાં ખસેડાતા કેટલીક મેચો શારજહામાં પણ રમાઈ રહી છે. ક્રિકેટ સટ્ટાનું મુખ્ય કેન્દ્ર દુબઈમાં આવેલું છે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે આઈપીએલ ટુર્નામેન્ટમાં મેચ ફિકસિંગ ન થાય તે માટે બીસીસીઆઈ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે બ્રિટનની સ્પોર્ટસ રડાર નામની કંપની સાથે કરાર કરેલો છે આ કરારના પગલે બ્રિટનની આ કંપનીના અધિકારીઓ મેચના પ્રારંભથી જ યુએઈમાં પહોંચી ગયા છે અને પ્રત્યેક ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બીસીસીઆઈની એન્ટીકરપ્શન વીંગ દ્વારા પણ ખેલાડીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આઈપીએલ ટુર્નામેન્ટનો હજુ પ્રથમ તબક્કો ચાલી રહયો છે

તે દરમિયાનમાં જ એક ચોંકાવનારી વિગત બહાર આવી ગઈ છે. યુએઈમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટમાં એક ટીમના એક ખેલાડીનો બુકીએ સંપર્ક સાધ્યો હોવાની વિગત બહાર આવી છે. એન્ટીકરપ્શન યુનિટના ચીફ અજીતસિંગે પણ આ વાતનો આડકતરી રીતે સ્વીકાર કરી લીધો છે. હાલમાં આ ક્રિકેટર ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ખાનગી રાહે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ ક્રિકેટરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ખાનગીમાં તેની સામે તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

યુએઈમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટમાં ફરી એક વખત મેચ ફિકસિંગનું ભુત ધુણ્ય છે ત્યારે બુકીના ક્રિકેટરો સાથેના સંબંધો અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખેલાડીઓની ફરતે ખુબ જ ચુસ્ત સુરક્ષા કવચ હોય છે તેમ છતાં બુકી દ્વારા આ સુરક્ષા કવચ ભેદીને ક્રિકેટરનો સંપર્ક કરવાની ઘટના ખુબ જ ગંભીર અને ચોંકાવનારી છે. આ ઘટનાક્રમથી આગામી દિવસોમાં અન્ય ગંભીર બાબતો બહાર આવે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.