Western Times News

Latest News from Gujarat

પેરાલિમ્બિક લેગ દ્વારા છત્તીસગઢના ચિત્રસેન માઉન્ટ એવરેસ્ટ સર કરશે

વિદેશમાં આ પ્રકારના લેગ ૧૫ થી ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવાનું કહ્યું જે સ્પાઇન ઇન્સ્ટીટ્યુટે નિ:શુલ્ક તૈયાર કરી આપ્યા  : ચિત્રસેન શાહુ

અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા  અદ્વિતીય  કામગીરી કરવામાં આવી છે. છત્તીસગઢના હાઉસીંગ બોર્ડના દિવ્યાંગ એસ્ટેટ અધિકારી ચિત્રસેન શાહુના સ્વપ્નને વેગ  આપવા માટે પેરાલિમ્બિક પગ તૈયાર કરવામાં આવ્યો છે. આ પેરાલિમ્બિક લેગ દ્વારા ચિત્રસેન શાહુ માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  આ અગાઉ પણ સાઉથ આફ્રિકામાં આવેલ કિલિમાંજારો પર્વત પર દિવ્યાંગ ચિત્રસેન શાહુ ચઢાઇ કરી ચૂક્યા છે. પરંતુ વધુ વજન ધરાવતા કૃત્રિમ પગના કારણે પર્વતારોહણમાં ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ મુશકેલીઓ છતા પણ દૃઢ મનોબળના કારણે કિલિમાંજારો પર્વત સર કર્યો. ત્યારે જ તેમણે આગામી સમયમાં માઉન્ટ એવરેસ્ટ પર્વત સર કરવાનો દ્ગઢ સંકલ્પ કર્યો.

માઉન્ટ એવરેસ્ટ સર કરવા વધારે તૈયારીની જરૂર હતી જે માટે સાદા પેરાલિમ્બિક લેગ સાથે તે સર કરવું અસંભવ હતુ. જેથી ઓછા વજન વાળા પેરાલિમ્બિક પગ તૈયાર કરી આપે તેવી ઇન્સ્ટીટ્યુટની તલાશ માંડી. તેઓએ અમેરિકા , બ્રિટન, જર્મની જેવા દિશોની સુવિખ્યાત ઇન્સ્ટીટ્યુટમાં સંપર્ક કર્યો પરંતુ બધે નિષ્ફળતા જ સાંપડી. ત્યારબાદ એક દિવસ સોશીયલ મીડિયા થકી તેઓ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના તબીબોના સપંર્કમાં આવ્યા.

તેઓએ અહીંના તબીબો સાથે પોતાના સ્વપ્ન  તેમાં પડી રહેલી મુશ્કેલીઓ, તેના માટેની જરૂરિયાત વિશે તબીબો સાથે વિગતવાર ચર્ચા કરી. અહીંના તબીબોએ ચિત્રસેન શાહુને તેના માટે સરળતાથી ઓછા વજન વાળા પેરાલિમ્બિક લેગ તૈયાર થઇ શકશે તેની ખાતરી આપી. સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્ટસ વિભાગના તબીબોની અઢી વર્ષની અથાગ મહેનતના કારણે અંતે કાર્બન ફાઇબરયુક્ત પેરાલિમ્બિક લેગ તૈયાર થયા. આજે ચિત્રસેન આ લેગની મદદથી સરળતાથી દોડી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે આ પેરાલિમ્બિક લેગની મદદથી તેઓ આસાનીથી માાઉન્ટ એવરેસ્ટ પર્વતારોહણ કરી જ શકશે,.

આ પેરાલિમ્બિક લેગ વિશે અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડૉ. રાજેશ સોલંકી કહે છે કે કે પર્વતારોહણ કરીએ ત્યારે ઉંચાઇ પર જતા શરીર સાથે રહેલી તમામ વસ્તુઓનું વજન ખૂબ જ ભારે લાગવા લાગે છે જેથી પર્વતારોહી તે તમામ વસ્તુઓ ત્યજી દેવા મજબૂર બને છે તેવામાં અતિભારે કૃત્રિમ પગ સાથે ૮૮૪૮ મીટરની ઉંચાઇ પર રહેલા માઉન્ટ એવરેસ્ટની ટોંચે પહોંચવું ખૂબ જ પડકારજક છે

જે તમામ બાબતોને જ ધ્યાનમાં રાખીને અમારી ટીમ દ્વારા સ્ટીલ ડાઇ (મોલ્ડ)ની મદદથી વજનમાં ખૂબ જ હલકા એવા શૂઝ બ્લેડ બનાવ્યા છે. આ સ્ટીલ ડાઇમાં કાર્બન ફાઇબરના રેસાને જુદા જુદા ખૂણે ગોઠવવામાં આવ્યા. ત્યારબાદ આખા ફૂટને કેમિકલ રેસિનથી પલાળીને ડાઇને પ્રેશર આપી ઉંચા તાપમાને લાંબા સમય સુધી ગરમ કરવામાં આવી. ત્યારબાદ છેલ્લે તેને મોલ્ડ કરીને તેના પર ટૂ-શેપ પગ ફીટ કરવામાં આવ્યા.

ચિત્રસેન શાહુ માટે તૈયાર થયેલા લેગનું વજન પહેલાના લેગ કરતા ચાર ગણું ઓછુ છે. માઉન્ટેનિયરીંગ સર કરવા તૈયાર કરાયેલા પેરાલિમ્બિક લેગ પર કેપ્રોન(કાંટાવાળુ તળિયુ) લાગ્યા બાદ ચિત્રસેનને પર્વતારોહણ વખતે  કોઇપણ પ્રકારની સપાટી પર ચઢાણ કરવામાં પકડ મજબૂત મળી રહેશે. તેમ ડૉ. સોલંકીએ ઉમેર્યુ હતુ.

ચિત્રસેન શાહુએ જણાવ્યુ કે અમદાવાદની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા મારા અધુરા સ્વ્પનને પૂર્ણ કરવા ઘણી મદદ કરવામાં આવી છે. અહીંના પીએન્ડઓ વિભાગના તબીબ ડૉ.ધીરેન જોશી સાથે સોશિયલ મીડીયાના માધ્યમથી જોડાઇને મારા સ્વપ્ન વિશે ચર્ચા થઇ હતી. જે પૂર્ણ કરવા સમગ્ર વિભાગે બીંડુ ઝડપ્યુ. વિદેશમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેઓએ આ પ્રકારના લેગ તૈયાર કરવા ઇચ્છા ઓછી દાખવી હતી . જ્યારે ૧-૨ જગ્યાએ આવા પ્રકારના લેગ તૈયાર કરવા ૧૫ થી ૨૦ લાખનો ખર્ચ કહેવામાં આવ્યો હતો જે અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટમાં કોઇપણ જાતના ખર્ચ વિના તદ્દન નિ:શુલ્ક જ તૈયાર કરી આપવામાં આવ્યો છે જે માટે આજીવન હું સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ અને ગુજરાત સરકારનો ઋણી રહીશ.  સંકલન-અમિતસિંહ ચૌહાણ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers