Western Times News

Gujarati News

દિલ્હી કેપિટલ્સનો રાજસ્થાન રોયલ્સ સામે ૧૩ રને વિજય

૧૬૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે બેન સ્ટોક્સને ઓપનિંગમાં ઉતાર્યો હતો. સ્ટોક્સ અને જોસ બટલરની જોડીએ ટીમ માટે ઓપનિંગ કર્યું હતું. સ્ટોક્સે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું હતું અને તેણે આક્રમક બેટિંગ કરી હતી.

દુબઈ: શિખર ધવન અને શ્રેયસ ઐય્યરની (Shikhar Dhawan & Shreyas Aiyer)  શાનદાર અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ૧૩ રને વિજય નોંધાવ્યો છે. (Delhi Capitals beat Rajasthan Royals – Capitals won by 13 runs)

આઈપીએલ ટી૨૦ IPL 2020 Cricket Tournament ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૩૦મી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કરીને રાજસ્થાન સામે ૧૬૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

જેના જવાબમાં રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૮ રન જ નોંધાવી શકી હતી. આ વિજય સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. અગાઉ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

૧૬૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે બેન સ્ટોક્સને ઓપનિંગમાં ઉતાર્યો હતો. સ્ટોક્સ અને જોસ બટલરની જોડીએ ટીમ માટે ઓપનિંગ કર્યું હતું. સ્ટોક્સે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું હતું અને તેણે આક્રમક બેટિંગ કરી હતી.

સ્ટોક્સે ૩૫ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૪૧ રન ફટકાર્યા હતા. જ્યારે બટલરે ૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૨ રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, કેપ્ટન સ્ટિવ સ્મિથ ફ્લોપ રહ્યો હતો.

તે ફક્ત એક જ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. મિડલ ઓર્ડરમાં સંજૂ સેમસન અને રોબિન ઉથપ્પાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તેઓ પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવી શક્યા ન હતા.

સંજૂ સેમસને ૧૮ બોલમાં બે સિક્સરની મદદથી ૨૫ રન ફટકાર્યા હતા જ્યારે રોબિન ઉથપ્પાએ ૨૭ બોલમાં ૩૨ રન નોંધાવ્યા હતા જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

જોકે, તેમની આ બેટિંગ ટીમને વિજય અપાવવા માટે પૂરતી ન હતી. દિલ્હી માટે એનરિચ નોર્ટેએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે કાગિસો રબાડા, તુષાર દેશપાંડે, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.

અગાઉ ઓપનર શિખર ધવન અને કેપ્ટન શ્રેયસ ઐય્યરની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આજે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૧૬૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૩૦મી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ધવન અને ઐય્યરની જોડીએ શાનદાર બેટિંગ કરી હતી.

જેની મદદથી દિલ્હી કેપિટલ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ધવને ૫૭ અને કેપ્ટન ઐય્યરે ૫૩ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી દિલ્હી ટીમને પ્રથમ બોલ પર જ ફટકો પડ્યો હતો.

જોફ્રા આર્ચરે પૃથ્વી શોને બોલ્ડ કરીને મેચના પ્રથમ બોલ પર જ વિકેટ હાંસલ કરી હતી. ત્યારબાદ ટીમનો સ્કોર ૧૦ રન થયો હતો ત્યારે અજિંક્ય રહાણે પણ આઉટ થઈ ગયો હતો. રહાણેએ બે રનનું યોગદાન આપ્યું હતું. રહાણેને આ સિઝનમાં વધારે મેચ રમવાની તક મળી નથી. વર્તમાન સિઝનમાં રહાણેની આ બીજી મેચ હતી. બંનેમાં રહાણેએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.

શો અને રહાણે આઉટ થયા બાદ ધવન અને શ્રેયસ ઐય્યરની જોડીએ બાજી સંભાળી લીધી હતી. ધવન અને ઐય્યરે ત્રીજી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પણ ધવને વધારે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી.

ધવને ૩૩ બોલમાં ૫૭ રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે ઐય્યરે ૪૩ બોલમાં ૫૩ રન નોંધાવ્યા હતા. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આ જોડીની ધમાકેદાર બેટિંગની મદદથી દિલ્હી મોટો સ્કોર નોંધાવવામાં સફળ રહ્યું હતું. જોફ્રા આર્ચરે રાજસ્થાનને પ્રથમ બોલ પર જ સફળતા અપાવી હતી.

તેણે મેચના પ્રથમ બોલ પર જ પૃથ્વી શોને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. બાદમાં તેણે બીજી બે વિકેટ ઝડપી હતી. તેણે અજિંક્ય રહાણે અને માર્ક્‌સ સ્ટોઈનિસને પણ આઉટ કર્યા હતા.

આર્ચરે ચાર ઓવરમાં ૧૯ રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે સૌરાષ્ટ્રના સ્ટાર બોલર જયદેવ ઉનડકટે બે વિકેટ ઝડપી હતી. જોકે, ઉનડકટ થોડો ખર્ચાળ રહ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં ૩૨ રન આપી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.