Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના કેસ બમણા થવાનો સમય લગભગ 73 દિવસનો થયો

સક્રિય કેસોની ટકાવારીમાં વધુ ઘટાડો; હવે કુલ કેસોમાંથી લગભગ 11% કેસ જ સક્રિય છે. (india-sets-unprecedented-record-doubling-time-nearly-73-days) 

ભારતમાં નવા સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પ્રગતિપૂર્વક ઘણો ઊંચો વધારો નોંધાઇ રહ્યો છે અને સાથે-સાથે સક્રિય કેસની ટકાવારીનો આંકડો એકધારો ઘટી રહ્યો છે. આના પરિણામે, દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા બમણી થવાના સમયગાળામાં નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે. હવે આ સમયગાળો 73 દિવસની નજીક (72.8 દિવસ) પહોંચી ગયો છે. આ સૂચવે છે કે દૈનિક નવા નોંધાઇ રહેલા પોઝિટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે અને તેના પરિણામરૂપે કુલ કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો પણ વધી રહ્યો છે.

ઑગસ્ટ મહિનાના મધ્યમાં કેસોની સંખ્યા બમણી થવાનો સમયગાળો લગભગ 25.5 દિવસ હતો ત્યાંથી ખૂબ જ મોટા સુધારા સાથે ભારતમાં હવે કેસોની સંખ્યા બમણી થવાનો સમય 73 દિવસની નજીક પહોંચી ગયો છે. સમગ્ર દેશમાં ખૂબ જ વ્યાપક રીતે અને સઘન પરીક્ષણ, તાત્કાલિક અને અસરકારક સર્વેલન્સ અને ટ્રેકિંગ, ત્વરિત હોસ્પિટલાઇઝેશન અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રમાણભૂત સારવાર પ્રોટોકોલના ચુસ્ત પાલનની કેન્દ્ર સરકારની વ્યૂહનીતિ અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોના પરિણામે આ શક્ય બન્યું છે. આ ઉપરાંત, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, અગ્ર હરોળના કર્મચારીઓ અને અન્ય તમામ કોવિડ-19 યોદ્ધાઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજ પ્રત્યેના સમર્પણનું પણ આ પરિણામ છે.

કોવિડને રોકવા માટે અનુકૂળ હોય તેવી રીતભાતોનું પાલન કરવા માટે દેશભરમાં લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે પણ સંક્રમણને ફેલાતું રોકવામાં અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 81,514 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું હોવાથી આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો લગભગ 64 લાખ (63,83,441) સુધી પહોંચી ગયો છે. એક જ દિવસમાં દર્દીઓ સાજા થવાની મોટી સંખ્યામાંના કારણે રાષ્ટ્રીય રિકવરી દરમાં સતત વધારો થઇ જોવા મળી રહ્યો છે, જે હાલમાં 87% કરતાં વધારે એટલે કે 87.36% સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79% કેસો 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ છે. એક જ દિવસમાં સૌથી વધુ સાજા થતા દર્દીઓની સંખ્યા મામલે લગભગ 19,000 દર્દીઓ સાથે મહારાષ્ટ્ર સૌથી ટોચે છે. ત્યારબાદ 8,000 કરતાં વધારે દર્દીઓ સાથે કર્ણાટક બીજા ક્રમે આવે છે.

દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ લગભગ 11.12% જેટલું જ રહ્યું છે અને સક્રિય કેસોની સંખ્યા 8,12,390 છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત નવ લાખ કરતાં ઓછી નોંધાઇ રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,708 નવા પોઝિટીવ કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં 10,000 કરતા વધારે દર્દીઓ સૌથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 9,000 કરતાં વધારે દર્દી સાથે કર્ણાટક છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 680 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. સળંગ 12 દિવસથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 1000 કરતાં ઓછી નોંધાઇ રહી છે. આમાંથી અંદાજે 80% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. 23% થી વધુ નવા મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે (158 મૃત્યુ).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.