Western Times News

Gujarati News

બે સુપર ઓવર રમી પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું

દુબઈ: આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં રવિવારે રમાયેલી બંને મેચ ટાઈ રહી હતી. તેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેનો મુકાબલો વર્તમાન ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી રોમાંચક મુકાબલો રહ્યો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૧૭૭ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

કેપ્ટન લોકેશ રાહુલે અડધી સદી ફટકારી હોવા છતાં પંજાબની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૬ રન જ નોંધાવી શકી હતી જેના કારણે મેચ ટાઈ રહી હતી. અગાઉ મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૧૭૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. મેચ ટાઈ રહેતા સુપર ઓવરની મદદ લેવામાં આવી હતી.

જેમાં પ્રથમ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. બીજી સુપર ઓવરમાં પંજાબને જીતવા માટે ૧૨ રનની જરૂર હતી જેમાં ક્રિસ ગેઈલે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી અને બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા અને ચોથા બોલ પર મયંક અગ્રવાલે બે ચોગ્ગા ફટકારીને પંજાબને વિજય અપાવ્યો હતો.

પ્રથમ સુપર ઓવરમાં મુંબઈ માટે જસપ્રિત બુમરાહે બોલિંગ કરી હતી. તેણે પંજાબને પાંચ રન જ નોંધાવવા દીધા હતા. જ્યારે પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર કરી હતી. શમીએ પણ શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈને જીતવા માટે છ બોલમાં છ રનની જરૂર હતી. ત્રણ બોલમાં મુંબઈએ ત્રણ રન લીધા હતા. જ્યારે ચોથો બોલ ખાલી ગયો હતો.

પાંચમાં બોલ પર રોહિત શર્માએ એક રન લીધો હતો અને છઠ્ઠા બોલ પર એક રન લીધો અને બીજો રન લેતી વખતે ક્વિન્ટન ડીકોક રન આઉટ થતા સુપર ઓવર પણ ટાઈ રહી હતી. બીજી સુપર ઓવરમાં ક્રિસ જોર્ડને પંજાબ માટે બોલિંગ કરી હતી અને તેમાં પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ ૧૧ રન નોંધાવતા પંજાબે જીતવા માટે ૧૨ રન નોંધાવવાના હતા.

બીજી સુપર ઓવરમાં પંજાબ માટે ક્રિસ ગેઈલ આવ્યો હતો અને તેણે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી અને બીજા બોલ પર એક રન લીધો હતો. ત્યારબાદ મંયક અગ્રવાલે ત્રીજા અને ચોથા બોલ પર સળંગ બે ચોગ્ગા ફટકારીને પંજાબને વિજય અપાવ્યો હતો. ૧૭૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબ માટે કેપ્ટન લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે મુંબઈના બોલર્સને હંફાવ્યા હતા અને અડધી સદી ફટકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.